હેરોઃ વિલ્સડેન ગ્રીનના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલની 50મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર બ્રેન્ટમાં 5થી 13 જુલાઈ સુધી નવ દિવસના ‘ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’ ઉત્સવની ભવ્ય ઊજવણી થઈ રહી છે. દરરોજ નવા કાર્યક્રમો, કોમ્યુનિટીના મેળાવડા અને રંગીન શોભાયાત્રાઓમાં જનમેદની ઉમટે છે. ઓક્ટોબર 1975માં સ્થપાયેલું શ્રી સ્વામિનારાયણ મંદિર આ વિસ્તારના હજારો ભાવિકો માટે પૂજાસ્થળ અને સાંસ્કૃતિક જીવનનું મહત્ત્વનું સ્થળ બન્યું છે.
રવિવાર 6 જુલાઈએ પોથીયાત્રા નામથી જાણીતી વિશાળ શોભાયાત્રામાં હજારો ભક્તો સામેલ થયા હતા. પોથીયાત્રા વિલ્સડેનથી નિસ્ડનમાં સહજાનંદ સભા મંડપ પહોંચી હતી. આ ઈવેન્ટને તમામ વયના લોકોએ આનંદ અને ઉત્સાહ સાથે માણ્યો હતો. સંગીત, રંગની છોળો અને મજબૂત સામુદાયિક ભાવના સાથે લોકો શેરીઓમાં છવાઈ ગયા હતા.
ક્વીન્સબરી માટે બ્રેન્ટના કાઉન્સિલર જયંતિભાઈ પટેલે ફેસબૂક પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ- એ જર્ની ઓફ ફેઈથ એન્ડ યુનિટી. અમે સહુ વિલ્સડેન ગ્રીનના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલની 50મી વર્ષગાંઠ નિમિત્તે ઊજવણીનો હિસ્સો બની વિલ્સડેનથી નિસ્ડન સ્ટુડિયોઝમાં સહજાનંદ સભા મંડપ સુધી પોથીયાત્રામાં સામેલ થયા હતા. ભક્તજનોએ હાથમાં પવિત્ર ગ્રંથો રાખ્યા હતા. આ માત્ર ઊજવણી નહિ, પરંતુ સમર્પણ અને પ્રેમથી છલકાતી આધ્યાત્મિક યાત્રા હતી. યાત્રામાં એકતા, શ્રદ્ધા અને લક્ષ્ય સાથે સમગ્ર કોમ્યુનિટી જીવંત બની હતી.’
વિલ્સડેન ગ્રીનના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલમાં સવારે 5.30 કલાકે મંગળા આરતી સાથે વિધિઓની શરૂઆત થઈ હતી. આ પછી, ધૂન, શણગાર દર્શન અને શણગાર આરતી યોજાયાં હતાં. આ પછી નિસ્ડનમાં સહજાનંદ સભા મંડપમાં નાસ્તો પીરસાયો હતો અને બપોરના ભોજન પહેલા આરતી અને કથા પણ યોજાયાં હતાં. બપોર પછી બાલ કેન્દ્ર પરફોર્મન્સ અને સાંજે કથા, ડિનર અને મિસ્ટિક માયા કાર્યક્રમ પણ થયો હતો. ઉત્સવનું સમાપન રવિવાર 13 જૂલાઈએ થશે જેમાં વહેલી સવારે 5.30 કલાકે ફરી મંગળા આરતી કરાશે. સવારની પ્રાર્થનાઓ અને બ્રેકફાસ્ટ પછી સવારે 11.00 કલાકે સહજાનંદ સભા મંડપમાં સમાપન-પૂર્ણાહૂતિ વિધિ કરાશે અને મધ્યાહ્ન ભોજન લેવાશે.
આયોજકોએ ઉત્સવને ‘નવ દિવસના સુંદર અને ભવ્ય કાર્યક્રમ’ અને ‘આસ્થા અને એકતાની યાત્રા’ ગણાવવા સાથે સમાપન ઊજવણીમાં ભાગ લેવા સહુને આમંત્રણ પાઠવ્યું છે.