લંડનઃ વોર્ટફર્ડસ્થિત ભક્તિવેદાંત મેનોર દ્વારા 16 અને 17 ઓગસ્ટ 2025ના દિવસોએ આનંદોત્સાહ, ભક્તિ અને સમર્પણ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ બે દિવસોમાં આશરે 50,000થી વધુ મુલાકાતીઓ ઊજવણીમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.
જન્માષ્ટમી ઉત્સવનો આરંભ શ્રી શ્રી રાધા-ગોકુલાનંદના દર્શન સાથે કરાયો હતો. આ પછી, મુખ્ય સ્ટેજ પર ઉત્સાહવર્ધક કીર્તન, નૃત્યનાટિકાઓ અને સંગીતની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુલાકાતીઓએ ભક્તિની આઈટમ્સના બજાર, બાળકો માટે વિશિષ્ટ પ્રવૃત્તિઓના વિસ્તારની મુલાકાતનો લહાવો લીધો હતો. દિવસના મધ્યકાળથી સ્વાદિષ્ટ પ્રસાદનું વિતરણ શરૂ કરી દેવાયું હતું.
પ્રથમ દિવસની ઊજવણી સવારથી મધ્યરાત્રિ સુધી અને બીજા દિવસની મોડી સાંજ સુધી પણ ચાલી હતી. સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક પવિત્રતા અને પારિવારિક લહેરખીઓ છવાયેલી રહી હતી. મેનેજમેન્ટ ટીમ, વોલન્ટીઅર્સની નિષ્ઠા અને સમર્પણ થકી ઉત્સવ સમગ્ર કોમ્યુનિટી માટે અપ્રતિમ અને સ્મરણીય સફળતાનો બની રહ્યો હતો.