ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિપર્વ ઉજવાયું

Wednesday 14th October 2026 07:50 EDT
 
 

લંડનઃ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર (નિસ્ડન ટેમ્પલ)માં સોમવાર 5 ઓક્ટોબરની સાંજે ભગવાન સ્વામિનારાયણ સ્મૃતિ દિન અને પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ દિન નિમિત્તે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિપર્વમાં હરિભક્તોએ સાથે મળીને ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવન, ઉપદેશો અને શાશ્વત આધ્યાત્મિક વારસાનું સ્મરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પૂજનીય આધ્યાત્મિક ગુરુઓ દ્વારા મૂર્તિમંત કરાયેલાં મૂલ્યો, કરુણા અને નિઃસ્વાર્થ સેવાનું ચિંતન કરતા આધ્યાત્મિક ઉપદેશ પ્રવચનો, અંગત સંસ્મરણો અને સમર્પણભાવનો સમાવેશ થયો હતો. પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામી અને પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનના વિસ્મરણીય પ્રસંગો ટાંકી તેમની વિનમ્રતા, સમર્પણ અને ભક્તો પર પ્રભાવ વિશે સમજ આપી હતી.

પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિને પાલખીમાં ધામધૂમપૂર્વક સભામાં લાવવામાં આવી ત્યારે હરિભક્તોમાં પરમ આદર અને સમર્પણભાવ છવાઈ ગયો હતો. પ.પૂ. મહંત સ્વામી મહારાજે ભક્તોને પ્રમુખ સ્વામી મહારાજની પવિત્રતા અને સદ્ગુણો અને ખાસ કરીને પ્રત્યેકમાં સારી ભાવના નિહાળી કેવી રીતે પોતાના જીવનમાં ઉતારી શકાય તેની સમજ આપી હતી.

પૂજ્ય યોગીજી મહારાજનું નિધન થયા પછી સ્વામીશ્રીએ 1971માં લંડન સત્સંગ મંડળને લખેલો પત્ર વાંચી સંભળાવ્યો તે ક્ષણ મહત્ત્વની બની રહી હતી. આ પત્રમાં આધ્યાત્મિક આશ્વાસન અપાયું હતું અને પૂજ્ય યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના અંગત અનુભવો પણ વર્ણવાયા હતા. સ્વામીશ્રીએ અંગત સ્મરણો અને ચિંતનો પણ જણાવ્યા હતા જેના થકી સભાને તેમના આધ્યાત્મિક સમજણની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી.

મહંત સ્વામી મહારાજ દ્વારા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની સાયંઆરતી કરાયા સાથે ધર્મસભાનું સમાપન થયું હતુ. પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીએ પણ સ્વામીશ્રી અને પ્રમુખ સ્વામી મહારાજને સાંકળતા સંસ્મરણો રજૂ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter