લંડનઃ ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા જીવનમાં પ્રભુનો પ્રાગટ્યદિન, ગુરુનો જન્મદિવસ અને ગુરુપૂર્ણિમા એ સૌથી મહત્ત્વના પર્વો છે. આપણે આપણા ગુરુ હરિનું પૂજન-અર્ચન કરી આશિષ યાચના કરી દક્ષિણા આપીએ છીએ.
આ વર્ષ ગુરુપૂર્ણિમાના થોડા જ દિવસો બાદ સંત ભગવંત સાહેબજી ઇંગ્લેન્ડ પધારતા હોય પૂ. હિંમત સ્વામી અને સર્વ ભક્તોને આ પર્વ ઉજવવાના ભાવ હતા તે દાદાએ સ્વીકાર્યા. તેથી 27 જુલાઈના રોજ સવારે 11થી 2 દરમિયાન ઉપસ્થિત બધા જ સંતો, ભક્તો અને પધારેલા અનેક માનવંતા મહેમાનોએ પોતાની ભાવના-પ્રાર્થનાઓ શ્રી ઠાકોરજી સમક્ષ - પ્રગટ ગુરુ હરિના પૂજન - પુષ્પ અર્પણ દ્વારા કરી.
કાર્યકમના આરંભમાં પૂ. ભાવિશાબેને ગુરુપૂર્ણિમાના મહાત્મ્યની પ્રગટ ગુરુના મહાત્મ્યની સુંદર વાતો કરી હતી. પ્રાસંગિક ઉદ્બોધન કરતા સતિષભાઈ ચતવાણીએ કહ્યું કે, ‘સાહેબદાદા આપણું આમંત્રણ સ્વીકારીને પધાર્યા તે માટે હું સમગ્ર સમાજ વતી એમના ચરણોમાં વંદન કરું છું. તેમના માટે તો પોતાના યોગીજી મહારાજને રાજી કરવા એ જ ગુરુપૂજન છે. આપણે પોતાપણાનો ભાવ મૂકીએ તે પૂજન છે.
આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, ‘ગુરુ આપણા જીવનમાં પ્રકાશ લાવે છે. પ્રથમ ગુરુ માતા-પિતા છે. ત્યારબાદ સત્પુરુષ આપણા ગુરુ છે. ગુરુમાં જ ભગવાન છે. આ દેશે અમને સંતો અને ગુરુ આવ્યા છે, તેનો પણ હું આભારી છું. આજે સાહેબદાદા જેવા ગુરુની ઉપસ્થિતિમાં આ પર્વ ઉજવાય છે તેનો અત્યંત આનંદ છે!’
પૂ. હિંમત સ્વામીજીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે, ‘ગુરુપૂર્ણિમાના મહામંગલકારી પર્વ આપણા સહુના ગુરુદેવ પરમપૂજ્ય સાહેબદાદાના દિવ્ય સાંનિધ્યે આ પર્વ ઉજજવાની તક મળી તેનો ખૂબ આનંદ છે. છેલ્લા 53 વર્ષથી દાદા અહીં પધારીને આપણા સૌનું જતન કરી રહ્યા છે. તે તેમની કૃપા છે. યોગીબાબાના આશીર્વાદ પ્રમાણે અમારા હૃદય ભગવા થાય! આપ અખંડ રાજી થાવ તેવું જીવન જીવીએ તે અમારું ગુરુપૂજન છે!’
સાધુ હરેશદાસજીએ ‘ગુરુઋણ ચૂકાને કા અવસર પાયા હૈ..!’ હિન્દી ભજન દ્વારા ઉપસ્થિત ભક્તજનોને ભાવવિભોર કરી દીધાં!
સંત ભગવંત સાહેબદાદાએ આશીર્વાદ પાઠવતા કહ્યું કે, સનાતન ધર્મમાં દરેક પંથોએ ગુરુ માહાત્મ્ય સ્વીકાર્યું છે. ભગવાન સ્વામીનારાયણ અને અવતારી પુરુષોએ ગુરુનું માહાત્મ્ય પોતાના જીવનથી વધાર્યું છે. હનુમાનજીએ રામચંદ્રજીનો ભગવાન તરીકે સ્વીકાર કર્યો, દાસત્વ ભક્તિ કરી તો તેમનામાં ભગવાનની શક્તિનો વિસ્ફોટ થયો. રણભૂમિમાં અર્જુને ભગવાન શ્રીકૃષ્ણના વિરાટ દર્શન થતાં ભગવાન તરીકે સ્વીકાર કર્યો તો વિષાદ દૂર થયો. ભગવાનની આજ્ઞા પાળી આજે નર નારાયણ તરીકે પૂજાય છે. ભગવાન માનવરૂપે હતા ત્યારે સ્વીકાર કર્યો તો જીવનો શિવ થઈ ગયો. ગુરુ ભગવાનમાં જોડાવા માટેનું માધ્યમ છે. આવા ગુરુ ગુણાતીત યોગીબાબા હતા જેમણે અમારા જેવા હજારો યુવાનોને ભગવાનમાં જોડયા. ભગવાનના કાર્યમાં હોમાઈએ! સહાય કરીએ તે સાચું ગુરુપૂજન છે.’
અંતમાં બધા જ ભક્તોએ ભગવાનશ્રી સ્વામિનારાયણના ચરણાર્વિંદનું પૂજન કરીને પ્રગટ ગુરુ હરિ સાહેબદાદાના ચરણોમાં પૂજાપાંદડી અર્પણ કરી દક્ષિણા આપી, પૂ. સ્વામી પાસેથી પ્રસાદ અને પૂ. દિલીપભાઈ પાસે મૂર્તિ ભેટ લઈ મહાપ્રસાદ લેવા પધાર્યા. આ પ્રસંગે કિશોરભાઈ, ગોકળભાઇ, રસિકભાઈ કંથારીયા, ભરતભાઈ સોઢા, નજુમભાઈ વિરાણી, તાનીદીદી, સંઘરાજકા પરિવાર વગેરે ભક્તો સાથે ભગભગ નવ સો જેટલા ભક્તો પધાર્યા હતા.