ભરોડાવાસીઓ દ્વારા લંડનમાં સમર ફેસ્ટિવલની ઉજવણી

ચરોતર વિદ્યા મંડળના ચેરમેન ભીખુભાઇ બી. પટેલને સન્માનતું ભરોડા ઈન યુકે ગ્રૂપ

Saturday 01st August 2026 06:24 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભરોડાવાસીઓને એકતાંતણે બાંધતા સામાજિક સંગઠન ભરોડા ઇન યુકે ગ્રૂપ દ્વારા રવિવારે લંડનના બરહામ પાર્કમાં સમર ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. ચરોતર વિદ્યા મંડળ (CVM)ના ચેરમેન તથા વણસોલ 27 પાટીદાર સમાજના પ્રમુખ ભીખુભાઇ બી. પટેલના મુખ્ય મહેમાનપદે બરહામ કોમ્યુનિટી હોલામાં યોજાયેલા આ રંગારંગ સમર કાર્યક્રમમાં ભરોડાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના વિવિધ વર્ગો દ્વારા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપનાર ભીખુભાઇનું અંતરના ઉમળકાથી સન્માન કરાયું હતું.
ભીખુભાઇને યુવકો દ્વારા સંગાથ યુકે એવોર્ડ એનાયત કરાયો હતો તો સિનિયર સિટીઝન ગ્રૂપ દ્વારા વિશેષ સન્માન પત્ર એનાયત કરાયા હતા. ભરોડા ગામની દીકરીઓ દ્વારા ભીખુભાઇને મોમેન્ટો અર્પણ કરાયા હતા તો ભરોડા ગામે પરણેલી યુવતીઓ દ્વારા સન્માન પત્ર અર્પણ કરીને આદર વ્યક્ત કરાયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત ભરોડાવાસીઓને સંબોધતા શ્રી ભીખુભાઈ બી. પટેલે ચરોત્તરના અલગ અલગ પાટીદાર સમાજો દ્વારા વિદેશની ધરતી પર થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સાથે સાથે જ તેમણે લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા યોજાતા કાર્યક્રમોમાંથી પ્રેરણા લેવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે 27 વણસોલ પાટીદાર સમાજના યુકે સ્થિત ગ્રૂપમાં 300 પરિવારો જોડાયાની વિશેષ નોંધ લીધી હતી અને સમાજના વિકાસમાં જરૂરી તમામ પ્રકારે મદદરૂપ થવા ખાતરી ઉચ્ચારી હતી.
શ્રી ભીખુભાઇએ શિક્ષણ ઉપર ઊંડો ભાર મુકતા કહ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થી પાસે ફીના રૂપિયા ન હોય તો CVM તેમને નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે ભરોડા ગામના 96 વર્ષના દાતા જસભાઇ પટેલ બીમારીના કારણસર કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકતા પરિવારના અમિતભાઇ પટેલ થકી વ્હોટ્સએપ સંદેશો પાઠવ્યો હતો, જે ધવલ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોને વાંચી સંભળાવાયો હતો. જસભાઇએ તેમના સંદેશામાં સૌ મહેમાનો તથા સંગાથ યુકેના સદસ્યોને આશીર્વાદ આપવાની સાથે સાથે જ સમાજની દરેક પ્રકારે સેવા કરવા માટેની તત્પરતા પણ દાખવી હતી. વડીલ જસભાઇના આ જુસ્સાને સહુ સભ્યોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
સમગ્ર આયોજનની શાનદાર સફળતા માટે વિશેષ જહેમત ઉઠાવનાર સંગાથ યુકેના તન્મય પટેલ, મયંક પટેલ, આર્કીત પટેલ, પિનાકીન પટેલ અને ધવલ પટેલ પ્રત્યે સહુકોઇએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બાળકો માટે પીઝા-પફની વ્યવસ્થા કરાઇ હતી તો ચૂલા ઉપર લિજ્જતદાર ચરોત્તર ડ્રાયફુટ ખીચડી બનાવવાની જવાબદારી ગુરુએ સંભાળી હતી.
કાર્યક્રમનું સંચાલન ધવલ પટેલે કર્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે આભાર વિધિ કરતાં રવિ પટેલે મંચસ્થ મહાનુભાવો રાધેશ્યામભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ઉમાકાન્ત પટેલના સહયોગ-માર્ગદર્શન બદલ વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter