લંડનઃ હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલ દ્વારા ભારતીય વિદ્યા ભવન (ધ ભવન) માટે પાર્કિંગ ગ્રેસ પીરિયડ વધારી આપવામાં આવ્યો છે. યુકેમાં ભારતીય ક્લાસિકલ કલાઓ અને સંસ્કૃતિના ક્ષેત્રે સમર્પિત સૌથી અગ્રેસર સંસ્થાઓમાં એક ભારતીય વિદ્યા ભવન દ્વારા હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલમાં CPZ D (કન્ટ્રોલ્ડ પાર્કિંગ ઝોન) જાહેર કરાયેલા પાર્કિંગ નિયંત્રણો સામે પોતાનું અભિયાન ચાલુ રાખ્યું છે. સંસ્થાએ અગાઉ, કાઉન્સિલને તાકીદની અપીલ કરી હતી અને ફેરફારો પરત લેવાય તે માટે પિટિશન પણ લોન્ચ કરી હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર આ પાર્કિંગ નિયંત્રણોથી સાંસ્કૃતિક અને કોમ્યુનિટી સર્વિસીસને વિપરીત અસર થશે.
ઉભી કરાયેલી ચિંતાઓના પ્રતિસાદમાં હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલે નવો અપડેટ જાહેર કરી નવાં પાર્કિંગ નિયંત્રણોનાં અમલ માટે કામચલાઉ ગ્રેસ પીરિયડ સોમવાર, 8 ડિસેમ્બર 2025 સુધી લંબાવ્યો છે. આ સમયગાળા દરમિયાન, સોમવાર, 1 ડિસેમ્બરથી શુક્રવાર,5 ડિસેમ્બર સુધીના સપ્તાહના દિવસોમાં 5:00 pm પછી કોઈ જ એન્ફોર્સમેન્ટ હાથ ધરાશે નહિ તેમજ 6 -7 ડિસેમ્બરના સમગ્ર વીકએન્ડમાં પણ કોઈ નિયંત્રણો અમલી બનાવાશે નહિ.
ધ ભવન દ્વારા જણાવાયું છે કે વધુ માહિતી મળવા સાથે નિયમિત અપડેટ્સ આપવાનું ચાલુ રખાશે. સંસ્થાએ નિયંત્રણોના પાસાઓ અને ખાસ કરીને સાંજના અને વીકએન્ડ એન્ફોર્સમેન્ટના વધારાયેલા કલાકો તેમજ એક કલાકની મર્યાદા લાદવા સંદર્ભે પુનઃવિચારણા કરવા કાઉન્સિલને અનુરોધનો પણ પુનરુચ્ચાર કર્યો છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ આ મહત્ત્વની સાંસ્કૃતિક સંસ્થાને જોખમમાં મૂકતાં સૂચિત CPZ D પાર્કિંગ નિયંત્રણોની ફેરવિચારણા કરવા સંસ્થા દ્વારા હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલને કરાયેલા અનુરોધ સંદર્ભે ભારતીય વિદ્યા ભવનને સંપૂર્ણ સમર્થન કરે છે. અમે અમારા વાચકો અને વ્યાપક કોમ્યુનિટીને કળાઓ, શિક્ષણ અને સમાવેશિતાની પોતાની ધરોહરને જાળવી રાખવામાં ધ ભવનને સપોર્ટ કરવા અનુરોધ કરીએ છીએ. તમે સહુ હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલના મેયર કાઉન્સિલર શેરોન હોલ્ડરને [email protected] પર ઈમેઈલ કરીને તમારા સમર્થનને જાહેર વાચા આપી શકો છો.


