લંડનઃ ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં વાર્તાકથન, જીવંત સંગીત, શક્તિશાળી અભિનય અને સ્તબ્ધ કરી દેતી કોરિયોગ્રાફી સાથે આ નાટ્યકૃતિ ઓડિયન્સને ધર્મ, સાહસ અને સમર્પણની શાશ્વત મહાગાથા રામાયણના હાર્દમાં લઈ ગઈ હતી. આ ઈવેન્ટ વીરાસતનો મેળાવડો અને આધ્યાત્મિક રંગમંચન બની રહ્યો હતો, જેમાં કોમ્યુનિટીઓ, મહાનુભાવો અને સાંસ્કૃતિક સંસ્થાઓ તલ્લીન થઈ ગયાં હતાં.
ભારતીય કળા અને સંસ્કૃતિના ક્ષેત્રે યુકેની સૌથી અગ્રણી સંસ્થાઓમાં એક ભવન ખાતે આશીર્વાદ અને સાંસ્કૃતિક ચિંતન સાથે સાંજનો આરંભ થયો હતો. ભરચક ઓડિયન્સે આ શોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો અને તે આ વર્ષે લંડનમાં સૌથી યાદગાર ભારતીય રંગમંચ પ્રોડક્શન્સમાં એક બની રહ્યું હતું .
એપિક ટાઈમલેસ પ્રોડક્શન્સના સ્થાપકો નિમિત સિસોદિયા અને સુનીત ધીવરે જણાવ્યું હતું કે,‘રામાયણ કોઈ માત્ર વાર્તા નથી, તે દરેક પેઢી માટે અરીસો છે. આ કૃતિ મારફતે અમે ઓડિયન્સીસ ધર્મ, પસંદગી અને અંતરની દિવ્ય શક્તિને અનુભવે તેમ ઈચ્છતા હતા.’ ધ ભવનના ડાયરેક્ટર નંદાજીએ જણાવ્યું હતું કે, ‘આપણા સાંસ્કૃતિક વારસાને આધુનિક વાર્તાકથન સાથે સુંદર રીતે સંમિશ્રિત કરતા મનોરંજક પરફોર્મન્સ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’ની યજમાની કરવી તે ભવન માટે ગૌરવની પળ છે.’
મહાનુભાવોએ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’ને વધાવી લીધું
‘આજે આપણે જે નિહાળ્યું તે ભારતની જીવંત સભ્યતાની શક્તિ છે, જ્યાં કળા સમર્પણ બની જાય છે અને સમર્પણ સંદેશો બની રહે છે.’ — અનુરાધા જે. (ભારતીય હાઈ કમિશન, યુકે)
‘આ શો એ સનાતન મૂલ્યોના સત્વ અને વૈવિધ્યતામાં એકતાને સજીવન કરેલ છે. આપણા યુવાનો અને કળાકારોએ આવા સર્જનાત્મક માર્ગોએ ધર્મને આત્મસાત કર્યો છે તે જોવાનું ઘણું ગમ્યું.’— તૃપ્તિબહેન પટેલ, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ
‘રામાયણ – ધ ગ્રાન્ડ’ રંગમંચ પર જીવંત ધર્મગ્રંથ છે. તે સંવેદના થકી શિક્ષણ અને કળા થકી સમર્પણ છે.’ — નાભિનંદનજી, લંડન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વેદિક એજ્યુકેશન (LIVE)
આ કૃતિ માત્ર મનોરંજન નથી-તે જ્ઞાનબોધ છે. તે આપણને પ્રામાણિકતા, હિંમત અને કરુ ણા સાથે જીવવાની પ્રેરણા આપે છે.’
— ડો. વિવેક કૌલ, ગ્લોબલ સનાતન એઈડ ફાઉન્ડેશન
આ નાટ્યકૃતિના કોસ્મિક લયમાં આપણને શાશ્વત સત્ય સાંપડે છે. ‘રામાયણ – ધ ગ્રાન્ડ’ પ્રત્યેક આત્માની અંદર દિવ્યતાને જગાવવાનું ચાલુ રાખે. — આચાર્ય અભિયોગીજી
‘રામાયણ – ધ ગ્રાન્ડ’ માત્ર સફળ રંગમચની નાટ્યકૃતિ નથી, પરંતુ નવીન સર્જનાત્મક આંદોલનનો ઉદય છે, જ્યાં પ્રાચીન ભારતીય જ્ઞાન આધુનિક કળાની અભિવ્યક્તિને મળે છે. આ કૃતિમાં રામનું પાત્ર તૃપ્તેશ કાન્વિન્દે, સીતાજીનું પાત્ર પ્રિયંકા કાન્વિન્દે, લક્ષ્મણનું પાત્ર ઓમકાર દલવી અને હનુમાનજીનું પાત્ર દેવેન્દ્ર મન્હાસ અને રાવણનું પાત્ર રાજીવ દાહદીચે ભજવ્યું છે. સ્ટેજ ડાયરેક્શન્સ વિદ્યા ધીવર, VFX/AI મનીષ રાઠોડ અને અતુલ સચદેવ તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નિરિશ ગોહિલ, કોરિયોગ્રાફી મોનાલી ડાન્સ સ્ટુડિયો દ્વારા હાથ ધરાયું હતું. લંડન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વેદિક એજ્યુકેશન (LIVE) દ્વારા પ્રસાદનું વિતરણ કરાયું હતું. ‘રામાયણ – ધ ગ્રાન્ડ’ની પ્રસ્તુતિને આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડ, SBI UK, સુધા મૂર્તિ ફાઉન્ડેશન, ચેલારામ ફાઉન્ડેશન, પાર્થિવ અને શીતલ, પિન્કુ ગ્રોસરીઝ અને ઈનડ્યા રેસ્ટોરાં દ્વારા સપોર્ટ કરાયો હતો.


