ભવન્સના સંગીતોત્સવમાં વાદ્યસંગીત અને કંઠ્યસંગીતના ધૂરંધરોએ દિલ ડોલાવ્યા

Tuesday 28th March 2023 05:13 EDT
 
 

ગત એક વર્ષ દરમિયાન લંડન ભવન્સ દ્વારા તેની સુવર્ણજયંતીની ઉજવણીના ભાગરૂપે ખાસ તૈયાર કરાયેલા પરફોર્મ્સીસ, વર્કશોપ્સ અને વિવિધ ઈવેન્ટ્સના આયોજનો કરાતા રહ્યા છે. ફિનાલે ઈવેન્ટ્સમાં એક તરીકે ભવન્સ દ્વારા શ્રેષ્ઠ વાદ્યસંગીત અને કંઠ્યસંગીતના ધૂરંધરોને સમાવતા ભારતીય શાસ્ત્રીય સંગીતની બે વીકેન્ડની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. 18 માર્ચના વીકેન્ડમાં પંડિત કુશલ દાસનું દિલ ડોલાવનારું સિતારવાદન અને પ્રસિદ્ધ માયસોર બ્રધર્સ દ્વારા વાયોલિનવાદનનો કાર્યક્રમ યોજાયો હતો.

શનિવાર 18 માર્ચે પંડિત કુશલ દાસે સિતારવાદન આપ્યું હતું અને તબલા પર સંગત પંડિત રાજકુમાર મિશ્રાએ આપી હતી. પોતાની અદ્વિતીય શૈલી માટે જાણીતા પંડિત કુશલજીએ વિશિષ્ટ સુધારાઓ સાથે રાગ યમન અને દુર્લભ રાગ ચંદ્રા કૌશિકીના સ્વરમાધુર્યથી ઓડિયન્સને ડોલાવ્યું હતું.

રવિવાર 19 માર્ચે માયસોર બ્રધર્સ દ્વારા ડ્યુએટ વાયોલિનવાદનની રજૂઆત કરી હતી. જેમાં શ્રી એમ. બાલાચંદર અને શ્રી બેંગલોર પ્રકાશે ડબલ મૃદંગમ પર સાથ આપ્યો હતો. તેમણે રાગ બોવલીના આરંભ સાથે ઓડિયન્સને વિવિધ રાગ અને મિજાજોના સ્વરમાર્ગોની યાત્રા કરાવી હતી જેને ઓડિયન્સે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમણે ‘શંકરાભરણમ’માં ’રાગ તાનમ પલ્લવી’ તેમજ ‘કૃષ્ણા ની બેગાને બારો’ સહિત કીર્તિઓની જે પ્રસ્તુતિ કરી તેનાથી દર્શકગણ મંત્રમુગ્ધ બની ગયું હતું. શ્રી ગણપતિ સચ્ચિદાનંદા સ્વામીજીના કમ્પોઝિશન સાથે સ્વરસાંજનું સમાપન કર્યું હતું.

રવિવારની સવારે માયસોર બ્રધર્સ અને પંડિત કુશલ દાસે ઓડિયન્સ સાથે આમનેસામને વાતચીત અને આદાનપ્રદાન કરવા સાથે તેમના સંબંધિત વાદ્યોની વિશિષ્ટતા વિશે ઊંડી સમજ આપી હતી. ઓડિયન્સને મહાન કલાકારોને પ્રશ્નો પૂછવાની અને તેમના કલા પ્રકાર વિશે તેમના વિચારો જાણવાની તક સાપંડી હતી.

બીજા વીકેન્ડના સંગીતોત્સવમાં શનિવાર 25 માર્ચે શ્રી સંજીવ અભ્યંકર દ્વારા હિન્દુસ્તાની કંઠ્યસંગીત તેમજ રવિવાર 26 માર્ચે પી.ઉન્નીકૃષ્ણન દ્વારા કર્ણાટકી કંઠ્યસંગીતના ગાયનની રજૂઆતો કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter