ભવન્સમાં નવ ઉત્સવઃ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાની ભવ્ય આભાનું પ્રદર્શન

Tuesday 16th April 2024 07:02 EDT
 
 

લંડનઃ ઉત્સાહપૂર્ણ વસંત ઋતુ નવા આરંભોનું પ્રતીક બને છે ત્યારે ભવન્સની યુથ કાઉન્સિલ કલાક્રિતી દ્વારા સમગ્ર ભારતમાં નવા વર્ષની વૈવિધ્યપૂર્ણ ઉજવણી દર્શાવતા ‘નવ ઉત્સવ’નું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ શનિવાર, 13 એપ્રિલ 2024ના રોજ વેસ્ટ કેન્સિંગ્ટનમાં ધ ભવન ખાતે યોજાયો હતો જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ભાવના ઉજાગર કરાઈ હતી.

રંગભરી રંગોળી સ્પર્ધાની સાથે ઉત્સવોની ઉજવણીઓનો આરંભ થયો હતો જેના નિર્ણાયકગણની કામગીરી ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમએન નંદાકુમારા MBE, ટ્રસ્ટી વિનોદ ઠકરાર અને એબીપીએલના ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ સંભાળી હતી. આ સ્પર્ધાનો હેતુ સ્પર્ધાત્મક વાતાવરણના સર્જન અને ઉપસ્થિતોને ભારતના ઉત્સવોની ભાવનાના હાર્દ સુધી લઈ જવાનો હતો.

ડો. નંદાકુમારાએ ભાવનાપૂર્ણ નોંધ સાથે નવ ઉત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ પછી, વિનોદ ઠકરાર અને મહેશ લિલોરિયાએ પ્રાસંગિક સંબોધનો કર્યા હતા. તેમણે કલાક્રિતી ટીમને તેના સમર્પણભાવ માટે બિરદાવી હતી અને ભવિષ્યના કાર્યક્રમો માટે પ્રોત્સાહન આપ્યું હતું. રંગોળી સ્પર્ધાના વિજેતાની જાહેરાત કરાઈ હતી અને ભવનના સમર્થક સ્પોન્સર દ્વારા જાહેર કરાયેલું પ્રાઈઝ વિજેતાને એનાયત કરાયું હતું.

પ્રસ્તુત કરાયેલાં પરફોર્મન્સીસે ઓડિયન્સને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક ફલકની નાટ્યાત્મક યાત્રા કરાવી હતી. યુથ કાઉન્સિલ દ્વારા પ્રસ્તુત પ્રહસનમાં નવ ઉત્સવના મહત્ત્વ અને સમગ્ર ભારતમાં તેની ઉજવણીઓનું ચિત્રણ કરાયું હતું. આ પછી, ઓડિયન્સને કાશ્મીરથી બંગાળ અને મહારાષ્ટ્રથી કેરળ સુધી યાત્રા કરાવાઈ હતી જેમાં દરેક પ્રદેશમાં ઉત્સવ કેવી અનોખી રીતે ઉજવાય છે તે પ્રદર્શિત કરાયું હતું.

હાઈલાઈટ્સમાં વિદુષી શ્રીમતી ચંદ્રિમા મિશ્રાના વિદ્યાર્થીઓ દ્વારા મીરાના ભજનમું હિન્દુસ્તાની સંગીત પરફોર્મન્સ, ગુરુવરો અમુન ભાચુ અને અભિનવ મિશ્રાના વિદ્યાર્થીઓ દ્વારા હોળી ઉત્સવને પ્રસ્તુત કરતું કથક નૃત્ય તેમજ શ્રીમતી સજાલી રોયના બંગાળી સંગીત વિદ્યાર્થીઓ દ્વારા રવિન્દ્ર ગીતનો સમાવેશ થયો હતો. કેટરિના રુટના વિદ્યાર્થીઓ દ્વારા રંગાબિન્દ્રા સંગીત સાથે ઓડિસી નૃત્ય અને ગુરુ સંપથ કુમારાચાર્ય દારુરિના શિષ્યો દ્વારા અન્નમાયા કિર્તીના કર્ણાટકી કંઠ્ય સંગીતની પ્રસ્તુતિ સાથે ઉત્સવયાત્રા ચાલુ રહી હતી. ગુરુ પ્રકાશ યદાગુડ્ડેના ભરતનાટ્યમ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ સાથે સમાપન થયું હતું.

આ ઈવેન્ટનું સંચાલન સંપદા કોટ્ચેરલાકોટા ચેર, કલાક્રિતી-ભવન્સની યુથ કાઉન્સિલ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. વિનોદ ઠકરારે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter