ભવ્યાતિભવ્ય કણાદ અક્ષરધામ પૂર્ણતાના આરેઃ સ્વામિનારાયણ જયંતીએ ઉદ્ઘાટન

Wednesday 21st October 2026 06:53 EDT
 
 

સુરતઃ હીરાનગરીના જહાંગીરપુરામાં આકાર લઇ રહેલું ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરે છે અને આગામી સ્વામિનારાયણ જયંતીએ દેશ-વિદેશના હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં તેનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. કણાદ અક્ષરધામ તરીકે હરિભક્તોમાં જાણીતું અને 127 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ મંદિર સંકુલ ભારતનું જ નહીં, એશિયા ખંડનું સૌથી મોટું અક્ષરધામ મંદિર હશે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ જાહેર કર્યું છે તેમ સુરત અક્ષરધામ ચૈત્ર સુદ નોમ એટલે કે સ્વામિનારાયણ જયંતી પર્વે 15 એપ્રિલ 2027ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે ખુલ્લું મૂકાશે. ઉલ્લેખનીય છે કે મહંત સ્વામી મહારાજે જ આ મંદિરના નિર્માણનો સંકલ્પ કર્યો હતો અને તેમના જ હસ્તે હરિભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકાશે. આ ભવ્યાતિભવ્ય મંદિર ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ખરા અર્થમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે. લોકાર્પણ સાથે જ આ ભવ્ય સંકુલ ભારત અને એશિયાનું સૌથી મોટું અક્ષરધામ જ્યારે અને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિકસિત ચોથું સૌથી મોટું અક્ષરધામ સંકુલ બનશે.
દેશના પાટનગર દિલ્હીમાં આવેલું સુપ્રસિદ્ધ અક્ષરધામ સંકુલ ફ્લોર એરિયાની રીતે સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે, જ્યારે ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં આવેલું બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ આશરે 185 એકર જમીનમાં ફેલાયેલું છે. જ્યારે સુરત અક્ષરધામ મંદિર 250 ફૂટ પહોળું, 350 ફૂટ લાંબુ, 191 ફૂટ ઊંચું હશે. બારીક અને નમૂનેદાર કોતરણીકામથી શોભતા આ મંદિરનો પરિક્રમા પથ સવા કિલોમીટરનો હશે અને સંકુલમાં કુલ પાંચ વિશાળ પ્રદર્શન ખંડ હશે.
તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની 51 ફૂટની ઉંચી મૂર્તિ અક્ષરધામ સંકુલની આધ્યાત્મિક ભવ્યતામાં વધારો કરશે. સંકુલમાં ભક્તિ, ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો અદભૂત સંગમ રજૂ થશે. સુંદર કોતરણીકામ કરેલા ગુંબજ અને સ્તંભો દેશના સમૃદ્ધ સ્થાપત્ય વારસાની ઝલક રજૂ કરતા કરશે જ્યારે મંદિરની મધ્યે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અન્ય દેવતાઓની પવિત્ર મૂર્તિઓ બિરાજમાન હશે.
અક્ષરધામ સંકુલમાં આવતા મુલાકાતીઓ પાંચ પ્રદર્શન હોલ અને લેન્ડસ્કેપ બગીચાઓ થકી આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની જાણકારી મેળવી શકશે. આ ઉપરાંત 12 મિનિટની હેરિટેજ બોટ રાઈડ અને 4,500 દર્શકોને સમાવી શકે તેવો અદભુત લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ અહીં આયોજન થયું છે.
આ ઉપરાંત કેમ્પસમાં 20 હજાર લોકોની ક્ષમતા ધરાવતો એક પણ પિલર વગરનો સેન્ટ્રલી એસી હોલ, અત્યાધુનિક સાધનસુવિધાઓ ધરાવતું મેગા કિચન અને 8,000 ભક્તો એક સાથે બેસીને પ્રસાદ લઇ શકે તેવા વિશાળ હોલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કેમ્પસમાં 1,500 મુલાકાતીઓ માટે રહેવાની વ્યવસ્થા અને આશરે 30,000 વાહનો માટે વિશાળ પાર્કિંગ લોટનો પણ સમાવેશ થાય છે.
કણાદ અક્ષરધામઃ ઉડતી નજરે...
• સમગ્ર અક્ષરધામ સંકુલનો ઘેરાવો ત્રણ કિમી
• 1.25 કિલોમીટરનો પરિક્રમા પથ
• મંદિરની એકદમ સામે 51 નિલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ
• બોટ રાઇડ દ્વારા 12 મિનિટમાં ભારતીય સંસ્કૃતિના દર્શન
• લાઇટ એન્ડ સાઉન્ડ એક સાથે બેસીને 4500 લોકો નિહાળી શકશે
• પ્રેમવતીમાં એક સાથે 8000 લોકો બેસીને ભોજન કરી શકશે
• એક સાથે 20 હજાર લોકો બેસી શકે તેવો સેન્ટ્રલી એસી પિલરલેસ હોલ
• 1500 લોકો રહી શકે તેવી ઉતારાની વ્યવસ્થા
• 30 હજાર વાહનોને સમાવતો વિશાળ પાર્કિંગ એરિયા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter