ભારતના કોરોનાગ્રસ્તોની વહારે પ્રેસ્ટન હિન્દુ મંદિરઃ ૩૦ હજાર પાઉન્ડનું ભંડોળ એકત્ર કર્યું

Wednesday 30th June 2021 07:42 EDT
 
 

લેન્કેશાયરના પ્રેસ્ટન ખાતે સુપ્રસિધ્ધ ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન સંચાલિત હિન્દુ મંદિર દ્વારા ૨૬ જૂને ભજન સંમેલનનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં ભારત કોવિડ-૧૯ના લાભાર્થે આ ભજન સંમેલન હોવાથી હરિભક્તોએ હોંશે હોંશે દાનનો પ્રવાહ વહેડાવ્યો હતો. હનુમાન જયંતીના પવિત્ર દિવસે આ અપીલ બહાર પડાઇ હતી, જેના પ્રતિસાદમાં આપણા ભારતના ભાંડુઓની સહાયે હરિભક્તોએ દાનનો પ્રવાહ વહેડાવ્યો હતો. અત્યાર સુધીમાં ૩૦ હજાર પાઉન્ડ જેવી રકમ એકત્ર કરાઈ છે. આમાંથી ૨૦ હજાર પાઉન્ડ ભારત પીએમ કેર ફંડમાં મોકલી અપાયા છે. જ્યારે બાકી નાણાં પણ તાત્કાલિક મોકલી અપાશે. સવારે ૧૦.૩૦ કલાકે ભજનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. સંસ્થાવતીથી મંત્રી આશીતભાઈએ દરેક ભજનીકોનું સ્વાગત કરી ગણપતિની સ્તુતિ અને હનુમાન ચાલીસા પાઠ કરી ગણપતિબાપા અને હનુમાનજીના આશીર્વાદથી કાર્યક્રમ શરૂ કર્યો હતો.
ભજન સંમેલનનું સુકાન જયસુખભાઈ પટ્ટણી અને હર્ષદભાઈ પટેલે સુંદર રીતે સંભાળ્યું હતું. દરેક ભજનિક ભાઈ-બહેનોએ કર્ણપ્રિય ભજન-કિર્તન કરી સહુને ભક્તિમય વાતાવરણમાં તરબોળ કરી દીધા હતા. આ ભજન સંમેલનને સફળ બનાવવા માટે મંત્રી આશીતભાઈએ છેલ્લા ઘણા સમયથી સારી એવી મહેનત ઉઠાવી રહ્યા હતા.
આ ભજન સંમેલનનો કાર્યક્રમ પુરેપુરો ફેસબુક તેમજ યુટ્યુબ પર રજૂ કરવા માટે આશીતભાઈ, ભરતભાઈ, શિવમ પટેલ, દિવ્યા પટેલ, કૃષ્ણા મિસ્ત્રીએ સહયોગ આપ્યો હતો. ભજનના કાર્યક્રમ સાથે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. આ ભોજન સમારંભ માટે ભાનુબેન રતિલાલ માળી અને પરિવારના સભ્યોએ આર્થિક સહયોગ આપ્યો હતો.
ઉપપ્રમુખ ઇશ્વરભાઈ ટેલરે આ ભજન સંમેલનના કાર્યક્રમ દરમિયાન એકત્ર થયેલા દાન અને દાતાઓની જાણકારી આપી હતી તેમજ દરેક હરિભક્તો, ભજનિક, દાતાઓ, ભોજનદાતા વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter