લંડનઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન સરદારધામ અમદાવાદ અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO- UK) દ્વારા યુકેના ભારતીય ડાયસ્પોરાના સાથસહકાર થકી કરાયું છે.
ભારતના લોહપુરુષ તરીકે યાદ કરાતા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના ઈતિહાસમાં ઊંચા ગજાના મહામાનવોમાં એક તરીકે સ્થાન ધરાવે છે. નીડર નેતા અને કલ્પનાશીલ દૂરદર્શી રાજપુરુષ તરીકે તેમણે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમજ પાછળથી ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાનની ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેમની બેમિસાલ કૂટનીતિ અને નિર્ણાયકતાએ 500થી વધુ રજવાડાંને ભારતીય સંઘમાં એકીકૃત કરવામાં સફળતા હાંસલ કરી હતી. તેમની આ ભવ્ય સિદ્ધિએ એકસંપ, સ્થિર અને લોકશાહીવાદી ભારતનો પાયો નાખ્યો હતો.
સરદાર પટેલનું જીવન પ્રામાણિકતા, ધીરજ અને નેતૃત્વનું પ્રતીક બની રહ્યું છે. રાષ્ટ્રીય એકતા પ્રત્યે તેમની નિશ્ચલ પ્રતિબદ્ધતા, વહીવટ સંદર્ભે વ્યવહારુ અભિગમ તેમજ લોકસેવા કરવાની સમર્પિત નિષ્ઠા સમગ્ર વિશ્વમાં પેઢીઓને પ્રેરણા આપતી રહે છે. તેમની કથા એ બાબતનું સ્મરણ કરાવે છે કે હિંમત, વિઝન અને સતત પ્રયત્નો વેરવિખેર રાષ્ટ્રને મજબૂત, સુગઠિત ઓળખમાં રૂપાંતરિત કરી શકે છે.
લંડનમાં આ નોંધપાત્ર સરદારકથા યોજવાની કલ્પનાએ સૌપ્રથમ ગણપતભાઈ ધામેલિયા, મનીષભાઈ કાપડિયા અને હિમાંશુભાઈ લક્કડની મે 2025માં યુકેની વિશેષ મુલાકાત દરમિયાન આકાર લીધો હતો. આ મુલાકાત દરમિયાન તેઓ NCGOના પદાધિકારીઓ અને કમિટીના સભ્યો સાથે હેરોના મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલને મળ્યા હતા. ગંભીર ચર્ચા અને સામૂહિક ઉત્સાહના પગલે રાષ્ટ્ર પ્રત્યે સરદાર પટેલના અદ્વિતીય યોગદાનને સન્માનિત કરવાની વૈશ્વિક ઊજવણીના ભાગરૂપે લંડનમાં આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ યોજવાની સંમતિ સધાઈ હતી.
સરદારકથાનું રસપાન શૈલેષ સાગપરિયા (ભારતના પૂર્વ ક્લાસ-1 અધિકારી) કરાવશે, જેમની અદ્ભૂત વક્તૃત્વકળા અને કથા કહેવાની હૃદયસ્પર્શી કળા સરદાર પટેલના અસામાન્ય જીવન અને મૂલ્યોને લાગણીસભર રીતે પ્રકાશિત કરશે. તેમના વર્ણનો પ્રેક્ષકગણોને સંવેદનાત્મક બાંધી રાખશે તેમજ ભારતની એકતા અને પ્રગતિમાં સરદાર પટેલના બેજોડ યોગદાનો વિશે દિલોદિમાગમાં અમીટ છાપ છોડી જશે.
ભારતથી ઘણા વિશિષ્ટ મહાનુભાવો અને ખાસ મહેમાનો આ ઐતિહાસિક ઈવેન્ટમાં ભાગ લેવા લંડન આવી રહ્યા છે જે યુકેમાં ભારતીય ડાયસ્પોરા માટે આ સીમાચિહ્ન ઈવેન્ટ બનાવશે. સરદારકથા વિશિષ્ટ આદરાંજલિ હોવાં ઉપરાંત, ભારત અને તેના વૈશ્વિક સમુદાય વચ્ચે ઊંડા મૂળ સાથેના સાંસ્કૃતિક અને સંવેદનાત્મક બંધનનું પ્રતીક બની રહે છે અને આપણને સ્મરણ કરાવે છે કે એકતા અને તાકાતનું સરદાર પટેલનું વિઝન સરહદો અને પેઢીઓથી પણ આગળ વધી જાય છે.
જેમના નેતૃત્વે આધુનિક ભારતનું ઘડતર કર્યું અને જેમના મૂલ્યો આજે પણ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે તેવા મહામાનવને સન્માનિત કરવાની આ ઊજવણીમાં સાથ આપવા સહુને આમંત્રિત કરીએ છીએ.