ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ સાથેની મિત્રતાનું પ્રતીક ‘નમસ્તે’

Thursday 10th September 2026 06:17 EDT
 
 

બુસી-સેંટ જ્યોર્જેસ (પેરિસ)ઃ પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે પહેલી સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં એક નવા શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે.જી. પ્રવીણ કુમાર અને પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી તથા બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતો દ્વારા કરાયું હતું.
એવન્યુ દુ જનરલ-દ-ગોલ પરના સર્કલ ખાતે સ્થાપિત આ શિલ્પમાં ભારતીય પરંપરાની સુપરિચિત ‘નમસ્તે’ મુદ્રામાં જોડાયેલા હાથ દર્શાવાયા છે, જે સ્વાગત, સન્માન અને નમ્રતાનું પ્રતીક છે. બુસી-સેંટ-જ્યોર્જેસમાં પ્રવેશવાના એક મુખ્ય માર્ગ પર સ્થાપિત આ શિલ્પ શહેરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને ઉષ્માભર્યો આવકાર આપવાનો ભાવ વ્યક્ત કરે છે. સાથે જ તે સ્થાનિક સમુદાયની સાંસ્કૃતિક વિવિધતા અને સર્વસમાવેશક ભાવનાને પણ દર્શાવે છે.
આ શિલ્પ બુસી-સેંટ-જ્યોર્જેસમાં વિવિધ ઇતિહાસ, સંસ્કૃતિઓ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરતાં વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતીકોની પરંપરામાં એક નવો ઉમેરો છે. શહેરના અન્ય પ્રતીકોમાં શાંતિ અને સહિષ્ણુતાના સંદેશ સાથે રચાયેલ રોં-પોઇન્ટ દુ લાઓસ ખાતેનું ત્રણ મસ્તકવાળું હાથીનું શિલ્પ; કંબોડિયન વારસા તથા કરુણા અને દયાના મૂલ્યોને પ્રતિબિંબિત કરતું રોં-પોઇન્ટ નોમ પેન્હ ખાતેનું સેન્ડસ્ટોનનું બાયોન શિલ્પ; અને વિયેતનામી શરણાર્થીઓના અનુભવોની સ્મૃતિમાં રોં-પોઇન્ટ સાઇગોન ખાતેનું ‘લે રેવ દ લા મેર’ શિલ્પ સામેલ છે. બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલા 13 દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ - ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ - ફ્રાન્સના પ્રથમ પરંપરાગત રીતે રચાયેલા હિન્દુ મંદિર – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર – ના લોકાર્પણ પ્રસંગે ઉજવાશે.

અનાવરણ સમારોહમાં મેયર ડુયુબોસ્કે સૌપ્રથમ બુસી-સેંટ-જયોર્જેસમાં સાકાર થયેલી ફ્રાન્સ અને ભારતની મિત્રતાની ગાથાને બિરદાવતાં જણાવ્યું, ‘જોડાયેલા હાથ શાંતિ અને અન્યો પ્રત્યેની કરુણાનું પ્રતીક છે, પરંતુ સાથે સાથે તે આપણી બે સંસ્કૃતિઓ, બે પરંપરાઓ અને બે સભ્યતાઓના સંગમનું પણ પ્રતીક છે. બંનેનું પોતાનું આગવું અસ્તિત્વ છે, છતાં પરસ્પર સહકાર, બંધુત્વ અને એકતાયુક્ત માનવતાના નિર્માણની ભાવનામાં બંને એકબીજાના પૂરક પણ છે. કારણ કે બુસી-સેંટ-જ્યોર્જેસની આ જ વિશેષતા છે – આ એક એવું અનોખું સ્થાન છે જ્યાં વિવિધ સમુદાયોની સંસ્કૃતિઓ અને પરંપરાઓ એકબીજા સાથે હળીમળી જાય છે.’
ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કુમારે જણાવ્યું, ‘નમસ્તે શિલ્પ ભારતની સભ્યતા અને વારસાનું પ્રતીક છે. તે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના ફ્રાન્સના ચિરંજીવ આદર્શોનું સાક્ષી છે. સૌથી વિશેષ વાત એ છે કે ભારતીય સમુદાય પોતાના વારસાને જાળવી રાખીને ફ્રાન્સના સમાજમાં કેટલી સુંદર રીતે એકરૂપ થયો છે, તેનું આ શિલ્પ સાક્ષી છે.’
આનંદસ્વરૂપદાસ સ્વામીએ ‘નમસ્તે’ દ્વારા અભિવ્યક્ત થતાં નમ્રતાના મૂલ્યને સમજાવતાં જણાવ્યું, ‘નમ્રતા આપણને ત્રણ સુંદર વાત શીખવે છે – અન્ય પાસેથી શીખવું, અન્યનો આદર કરવો અને અન્યની સેવા કરવી. આપણો અહંકાર જેટલો ઓછો થાય, અન્યની સેવા કરવાની આપણી ભાવના એટલી જ વધે. આ તમામ ગુણો ભારતીય સંસ્કૃતિમાં ઊંડે સુધી વણાયેલા છે અને શિષ્ટાચાર, અન્યો પ્રત્યેની કાળજી, ગૌરવ, સન્માન અને માનવીય બંધુત્વ જેવા ફ્રાન્સના મૂલ્યો સાથે સુંદર સાંસ્કૃતિક સેતુ રચે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter