મન અને હૃદયનો પૌષ્ટિક આહાર શ્રીમદ્ ભાગવત છે: વ્રજરાજકુમારજી મહોદયશ્રી

વ્રજરાજકુમારજી મહોદયશ્રીના શ્રીમુખે યુકેમાં પ્રથમવાર અધિક માસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

- મહેશ લિલોરિયા Tuesday 01st August 2023 16:56 EDT
 
 

લંડનઃ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીનાં શ્રીમુખેથી લંડનમાં સૌ પ્રથમવાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અધિક માસમાં સુંદર પ્રારંભ થયો. પૂજ્ય મહોદયશ્રી દ્વારા સંગીતમય શૈલીમાં જ્ઞાનસભર વિષયોને સરળતાથી સમજાવતા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લંડનનાં અસંખ્ય વૈષ્ણવો ભાવિકજનોએ ભરપૂર લાભ લીધો. ધામેચા લોહાણા સેન્ટર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મુખ્ય મનોરથી કંતેશભાઈ પોપટ, મનોજભાઈ, લોર્ડ ડોલરભાઈ પોપટ, પંકજભાઈ તથા સમસ્ત પોપટ પરિવાર અને VYO-UK છે.
આ પ્રસંગે પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે મન અને હૃદયનો પૌષ્ટિક આહાર શ્રીમદ ભાગવત છે. જેમ શરીર માટે પૌષ્ટિક આહાર ભોજન છે એમ મન અને બુદ્ધિના પોષણ માટેનું પૌષ્ટિક આહાર શ્રીમદ્ ભાગવત છે. જન્મ જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ સત્સંગ કરવાની ઈચ્છા વ્યક્તિમાં પ્રગટ થતી હોય છે. ભાગવત સાથે મુખ્ય ચાર અવતાર જોડાયેલા છે. શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ભારતની ત્રણ વાર પરિક્રમા કરીને 84 જગ્યા પર શ્રીમદ્ ભાગવતના પારાયણ કરીને દૈવી જીવોને શરણે લઈ શ્રીમદ્ ભાગવતના ગુઢાર્થ ને સમજાવીને એ જીવોનો ઉદ્ધાર કર્યો.
પૂજ્યશ્રી સમજાવે છે કે સાંસારિક બંધન અહમતા-મમતામાંથી છૂટવું એ જ આત્મકલ્યાણ તરફની રાહ છે અને જ્યારે આ રીતે મનુષ્યમાં તત્વ જિજ્ઞાસા જાગૃત થાય ત્યારે એને સાચા અર્થમાં ખબર પડે છે કે આત્મકલ્યાણ પ્રભુની સ્તુતિ કરવામાં જ છે.
ભગવાનના કેટલા અવતાર થયા? ભગવાનના 24 આવકારો થયા. ધર્મનું સંસ્થાપન કરવા માટે ભગવાન અવતાર લે છે. પોતાના ધામમાંથી જે અવતરિત થયા એ અવતાર, ભગવાન સાક્ષાત પધારે અને પૂર્વઆગાહી હોય એવા લક્ષણ, એવા સામુદ્રિક ચિહ્નો હોય એવા કાર્ય કરવા પધારે, જે સાધારણ મનુષ્યથી સંભવ નથી તો પ્રભુ અવતરિત થતા હોય છે. ધર્મની સ્થાપના માટે આવા આત્મ કલ્યાણકારી વિષયો પર પૂજ્ય શ્રી એ સમજણ આપી હતી.
ઈર્ષ્યા-દ્વેષરહિત ભક્તો ભગવાનને પ્રિય
કોઈની ખુશીમાં ખુશ થવું અને તેને આગળ વધતા જોઈને આપણે પણ ખુશ થવું આ આપણો મૂળ સ્વભાવ હોવો જોઈએ અને પ્રભુને આવા જીવો બહુ ગમે છે. વધુમાં પૂજ્ય મહારાજશ્રીએ સમજાવ્યું કે ઈર્ષ્યા કરતા સામેવાળાના ગુણોને અપનાવીએ અને જીવનમાં અનોખી શીખ અને લાભ લઈએ તો આપણું જીવન પણ ખુશહાલ બને છે, નહીં તો ઈર્ષ્યા-દ્વેષના લીધે આપણું આખું જીવન વ્યર્થ થતું હોય છે. જ્યારે જ્યારે ઈર્ષ્યાભાવ જાગૃત થાય ત્યારે મનની દિશા સકારાત્મકતા તરફ ફેરવી લેવી જોઈએ કારણ કે ઈર્ષ્યા-દ્વેષ અને ક્રોધ બીજા કોઈને નહીં પણ પોતાની જાતને જ નુકસાન પહોંચાડતા હોય છે.
આવા ઘણા જટિલ વિષયોને સ્પષ્ટ કરીને પૂજ્યશ્રી એ સુંદર સમજ કથામાં ભાવિકજનોને આપી અને કથામાં શ્રોતાઓએ ભવ્યાતીભવ્ય નંદ મહોત્સવનો આનંદ પણ લીધો હતો. ભાવ એટલે સાક્ષાત ભગવાનનો આપણા હૃદયમાં આવિર્ભાવ. પૂજ્યશ્રી સમજાવે છે કે સ્વરૂપની આવશ્યકતા છે કારણ કે સાકાર સ્વરૂપ અહેતુની ભક્તિ માટે પ્રગટ થયા, વિશેષ કૃપાપાત્ર વાળા લોકોને સ્વરૂપના દર્શન થયા છે. ભગવાનનું પ્રાગટ્ય જીવોના ઉદ્ધાર માટે, સાધુઓના રક્ષણ માટે અને આસુરી જીવોના નાશ માટે થયો છે. પૂર્ણ રસથી વિદ્યમાન ભગવાનનું સ્વરૂપ, જેમનું કામ માત્ર રસપ્રદાન કરવાનું અને આનંદ પ્રદાન કરવાનું છે. ભગવાન પણ વિભિન્ન ભાવોથી સેવાને સ્વીકારે છે એ ખાલી માત્ર ભક્તોનો ભાવ અને પ્રેમ જોવે છે.
આ નિરોધ લીલા ભાગવતજીનું દશમ સ્કંધ છે, જે નિરોધ લીલા એટલે કહેવાય કારણ કે એ ભક્તનું ભગવાનના અને ભગવાનનું ભક્તમાં નિરોધ કરે છે. જેમ આપણી બોડીમાં મેઇન પાર્ટ હૃદય છે એમ દશમ સ્કંધ ભાગવતજીનું હૃદય છે. રાસલીલા એ કામલીલા નથી, પણ કામદેવ ઉપર વિજય એ જ રાસલીલા.
લીલાનો અર્થ છે ભગવાન અને ભક્તોની ગતિવિધિઓ. મહારાસ એ ભક્તિની પરાકાષ્ઠા છે, જે ગોપીજન પામી શક્યા છે. ભક્તિ મોક્ષથી પણ વધારે આનંદમય છે અને આ મહારાસ એ જ ભક્તિનું ફળ છે. શ્રીમદ્ ભાગવત ગ્રંથ કૃષ્ણભક્ત પ્રભુથી ભક્તિ માંગે છે. ભગવાનનો મહારાસ થયો અને એ વખતે કામદેવે પાંચ બાણ છોડ્યા છે. આ રાસલીલા ગોપીઓ સાથે નિષ્કામ લીલા તો છે જ અને સાથે સાથે કામદેવ સાથે પણ છે, અહીંયા ભગવાને કામદેવને પરાસ્ત કર્યા છે. આમ પૂજ્યશ્રીએ વૈષ્ણવોને વિગતવાર રાસલીલાનું મહત્ત્વ સમજાવ્યું હતું. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિના અવસરે હજારોની સંખ્યામાં ભાવિકજનો કથાના ફળ સ્વરૂપે એમને પ્રાપ્ત થયેલી પ્રેરણા અનુસાર કોઈ પણ એક નિયમ લઈને તે ચિઠ્ઠી સ્વરૂપે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીને સમર્પિત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter