લંડનઃ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે અક્ષર-પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું રવિવાર 11 ઓક્ટોબર, 2026નો રોજ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે બાળકો અને યુવા વર્ગમાં સંસ્કૃતના અભ્યાસ અને ઉપયોગ સંદર્ભે તેમના ગુરુ યોગીજી મહારાજ દ્વારા પ્રેરિત દીર્ઘકાલીન ઈચ્છાને સાકાર સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. મહંત સ્વામી મહારાજે 24 સપ્ટેમ્બરનાી સત્સંગ દીક્ષા સન્માન મહોત્સવમાં ખાસ લખેલા પત્રમાં તેમની લંડન મુલાકાત દરમિયાન મંદિર ખાતે સંસ્કૃત પાઠશાળા સ્થાપવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પાઠશાળાના ઉદ્ઘાટન થકી આ નિર્ધારની પરિપૂર્ણતા તેમજ યુકેમાં સંસ્કૃતની જાળવણી અને ઉત્તેજનમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થયું છે.
સભાને સંબોધતા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંસ્કૃના અભ્યાસ અને વિદ્વત્તાની દીર્ઘકાલીન પરંપરા વિશે સમજ આપી હતી. ભગવાન સ્વામિનારાયણના જીવનકાળ દરમિયાન ગ્રંથોના લેખનથી માંડી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સંસ્કૃતના અભ્યાસને અપાયેલા પ્રોત્સાહન સંદર્ભે તેમણે નવી પાઠશાળાનું નિર્માણ આધ્યાત્મિક અને વિદ્વત્તાપૂર્ણ ધરોહરના પાયા પર થશે તેમ જણાવ્યું હતું. ભદ્રેશદાસ સ્વામીએ લંડનમાં બાળકો, તરુણો અને યુવા વયસ્કો, સ્ત્રી અને પુરુષ બંને, સંસ્કૃત શીખે અને તેમાં જ વાતચીત કરે તેવી મહંત સ્વામી મહારાજની ઈચ્છાને જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહંત સ્વામી મહારાજે જાતે જ નવી સંસ્થાને અક્ષર-પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા નામ આપ્યું હતું.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં યુવા વિદ્વાનો દ્વારા વિશેષ સંસ્કૃત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેઓએ મહંત સ્વામી મહારાજની પેરિસ અને લંડનની આધ્યાત્મિક મુલાકાતના નોંધપાત્ર સીમાચિહ્નો વિશે જણાવ્યું હતું તેમજ આ પાઠશાળા સ્થાપવા બાબતે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ રજૂઆતમાં આત્મસાત ગુરુ-ભક્તિ ઈનિશિયેટિવથી સંસ્કૃત શીખવા બાબતે યોગીજી મહારાજના વિઝનને આગળ વધારવા પર પ્રકાશ પાથરવામાં આવ્યો હતો. આ પ્રસંગનું મહત્ત્વ વિશેષ એ માટે રહ્યું છે કે પાઠશાળાને સત્તાવાર ખુલ્લી મૂકાઈ તે પહેલાથી આશરે 350 યુવા વિદ્વાન સંસ્કૃતના અભ્યાસ સાથે સંકળાયેલા છે, જે આ પહેલના મજબૂત આધાર અને ઉત્સાહને પ્રદર્શિત કરે છે.
પાઠશાળાના ઉદ્ઘાટનમાં અક્ષર-પુરુષોત્તમ મહારાજના પૂજન, ઉદ્ઘાટન તખ્તીની પૂજા, તેમજ જ્ઞાનના પ્રકાશના પ્રતીક સ્વરૂપે મહંત સ્વામી મહારાજના હસ્તે પવિત્ર દીપપ્રાગટ્ય સહિતની પરંપરાગત વિધિઓનો સમાવેશ થયો હતો. પ.પૂ. મહંત સ્વામી મહારાજે સંસ્કૃતમાં જ આશીર્વચનો ઉચ્ચાર્યા હતા અને આ ભાષાના જ્ઞાન અને તેના અભ્યાસના ઉત્તેજનને બિરદાવ્યા હતા. તેમણે સમજાવ્યું હતું કે સંસ્કૃત શીખવાથી અક્ષર-પુરુષોત્તમ મહારાજની મહાનતાને પ્રસારવામાં અને ભાવિ પેઢીઓના આધ્યાત્મિક પાયાઓને મજબૂત બનાવવામાં મદદ મળશે.
અક્ષર-પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન નિસ્ડન મંદિર ખાતે સંસ્કૃતના શિક્ષણમાં નવા અર્થસભર અભ્યાસના આરંભ, ભાષાકીય વિદ્વત્તાના વિકાસ, આધ્યાત્મિક સમજ અને આગામી ભાવિ પેઢીઓમાં યોગીજી મહારાજના લાંબા ગાળાના વિઝનને સમજાવે છે.


