અમદાવાદઃ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની જન્મ જયંતી હવેથી દર વર્ષે 15 સપ્ટેમ્બરના બદલે બીજી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
બીએપીએસ દ્વારા લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતા પૂ. સાધુ ઇશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું હતું કે પૂ. મહંત સ્વામી મહારાજની જન્મ જયંતી 15 સપ્ટેમ્બરના રોજ છે, પરંતુ વરસાદી ઋતુ હોવાથી હરિભક્તોને તકલીફ ના પડે તે ઉદ્દેશથી હવે પછી પ્રતિ વર્ષ તેઓની જન્મ જયંતી તેમના પાર્ષદી દીક્ષા દીન (બીજી ફેબ્રુઆરી)ના રોજ સંસ્થાકીય સ્તરે ઉજવવાનું નક્કી કરાયું છે.
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ પ્રત્યે ગુરુભક્તિની માંગલિક ભાવનાઓ સાથે પ્રતિ વર્ષ ભાદરવા વદ નવમીની જન્મ જયંતી તિથિએ તેઓની જન્મ જયંતી ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. પરંતુ આ સમય વરસાદી ઋતુનો હોવાથી આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટતાં હરિભક્તોને તકલીફ અનુભવાય છે. આથી હવે પ્રતિ વર્ષે મહંત સ્વામી મહારાજની જન્મ જયંતી તેઓના પાર્ષદી દીક્ષા દિનના રોજ સંસ્થાકીય સ્તરે વિધિવત ઉજવાશે.
92મી જન્મ જયંતી અટલાદરામાં ઉજવાશે
આ આયોજન અનુસાર તેઓની આગામી 92મી જન્મ જયંતી બીજી ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરાના અટલાદરા મુકામે ઉજવાશે. જયારે 15 સપ્ટેમ્બર 2025ના રોજ તેઓ મહેસાણા ખાતે બિરાજમાન હશે તો ત્યાં સ્થાનિક રીતે યોજાનાર કાર્યક્રમોમાં લાભ લેવા બહારગામના હરિભક્તોએ જવું નહીં તેમ પૂ. ઇશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું છે. એટલું જ નહીં, પ.પૂ. સ્વામીની પ્રાતઃ પૂજાનું જીવંત પ્રસારણ થાય છે. તેના દર્શન કરી આપણે તેઓની જન્મ જયંતીની પારંપરિક તિથિએ ઘરે બેઠાં ગુરુવંદના કરીશું તેમ પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંસ્કૃત મહાવિદ્યાલયના સ્ટુડન્ટ માટે બોચાસણનો એક દિવસનો પ્રવાસ યોજાયો હતો. 13 જુલાઇના રોજ સવારે 4 વાગ્યે સાળંગપુરથી નીકળ્યા હતા. સ્ટુડન્ટ બધા બસમાં હતા જયારે પાંચ લોકો કારમાં હતા. જેમાં 10 વર્ષનો છોકરો પ્રબુદ્ધ પટેલ, બે સંત શાંતચરિત સ્વામી તથા અપૂર્વપુરુષ સ્વામી તેમજ હરિભક્ત કૃષ્ણકાંત પંડયાનો સમાવેશ થતો હતો. આ લોકો વિદ્યાનગર ગયા હતા, જયાં સાંજે મહંત સ્વામી મહારાજની સભા ભરી હતી. કાર્યક્રમ સંપન્ન થયે હરિભક્તો સાથે સ્વામીઓ સાળંગપુર પરત ફરતા હતા. પરત ફરતી વેળા કારમાં વધુ બે સ્ટુડન્ટ વિવેક કાપડીયા અને નિકુંજ સોજીત્રા પણ બેઠા હતા. વિદ્યાર્થીઓ સાથેની બસ ધંધુકાથી બરવાળા થઇને સાળંગપુરના રસ્તે જવા નીકળી હતી, જયારે કાર સાળંગપુરથી સાત કિમી પહેલાં ગોધાવાટા ગામ પાસે એક કોઝ-વે પરથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક બંધ પડી ગઇ હતી અને પાણીના વહેણમાં તણાઇ ગઇ હતી. જેમાં 10
વર્ષનો પ્રબુદ્ધ તેમ જ હરિભક્ત કૃષ્ણકાંતભાઇ પંડયા તેમ જ શાંતચરિત સ્વામી હરિધામ પહોંચ્યા હતા.