મહારાષ્ટ્ર મંડલ લંડન દ્વારા 36મા સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી

રાહુલ જોગલેકર Wednesday 23rd September 2026 06:55 EDT
 
ડાબેથીઃ MMLના વૃષાલ ખાંડકે, OFBJP ના મનોજ વર્મા, આભારતીયા સંચાનીઆ, સી.બી. પટેલ, OFBJPના કુલદીપ શેખાવત, સુશીલ ડોકવાલ, અનુરાગ શર્મા, રોહિત ગોએલ, MMLના સુધાકર ખુર્જેકર
 

લંડનઃ નોર્થ વેસ્ટ લંડનમાં નિસડન નજીક ડોલિસ હિલ બિલ્ડિંગમાંથી સુખ કર્તા, દુઃખ હર્તાના પરિચિત ઉચ્ચારો સાંભળવા મળે છે. અહીં મહારાષ્ટ્ર મંડલ લંડન (MML) દ્વારા 36મા ગણેશ ચતુર્થી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારત અને ડાયસ્પોરા દ્વારા ઉજવાતા સૌથી લોકપ્રિય ઉત્સવોમાં એક છે.

મહારાષ્ટ્ર મંડલ લંડન (MML)ના ટ્રસ્ટી વૃષાલ ખાંડકેએ જણાવ્યું હતું કે,‘ લોકમાન્ય બાલ ગંગાધર ટિળક દ્વારા સાર્વજનિક ગણેશોત્સવનો આરંભ કરાવાયો હતો, જેનો હેતુ કોમ્યુનિટીઓને સાથે લાવવાનો અને લોકોમાં એકતા સ્થાપવાનો હતો. અમે પણ ઘણાં વર્ષોથી આ જ હેતુસર કાર્ય કરીએ છીએ.’ આ ઉત્સવમાં માત્ર મહારાષ્ટ્રના જ નહિ, પરંતુ સમગ્ર યુકેમાં વિવિધ ભારતીય સમુદાયના તમામ વયના સભ્યો આવે છે. દર વર્ષે ગણેશજીના પંડાલનો વિશિષ્ટ વિષય હોય છે. આ વર્ષનો વિષય ‘અષ્ટવિનાયક’ છે અને તે મહારાષ્ટ્ર રાજ્યના આઠ જિલ્લાઓમાં સ્વયંભુ પ્રગટ ભગવાન ગણેશની પવિત્ર યાત્રા સાથે સંકળાયેલો છે.

યુનાઈટેડ આસામ એસોસિયેશન, યુકે (UAAUK)ના સેક્રેટરી ચિનુ કિશોરે જણાવ્યું હતું કે,‘હું આશા રાખું છું કે આ વર્ષે બાપ્પા દરેક માટે સારું નસીબ લાવશે અને દરેક આનંદિત અને સમૃદ્ધ બની રહેશે.’ પ્રાર્થના કરાવી રહેલાં જયશ્રી દંડવતેએ ભગવાન ગણેશના શારીરિક લક્ષણોને આધ્યાત્મિક અર્થ સાથે સમજાવ્યાં હતાં.

ગણેશોત્સવના મુખ્ય મહેમાનોમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલનું સ્વાગત કરાયા પછી તેમને એવોર્ડ એનાયત કરાયો હતો અને વાઘ નખની પ્રતિકૃતિની ભેટ અપાઈ હતી. સીબીએ તેમના નિવાસે મહારાષ્ટ્ર મંડલ લંડનની યોજાએલી બેઠકોને યાદ કરી હતી. તેમણે દાર-એસ-સલામના મહારાષ્ટ્ર મંડલની પણ વાત કરી જણાવ્યું હતું કે,‘હું 1960માં દાર-એસ-સલામના મહારાષ્ટ્ર મંડલમાં ગયો હતો અને મરાઠીમાં બોલવાનું શરૂ કર્યું હતું. લોકોએ મને ગુજરાતીમાં બોલવા જણાવ્યું હતું કારણકે તેઓ મરાઠી બોલી શકતા ન હતા.’

મહારાષ્ટ્ર મંડલ લંડનનો ઈતિહાસ છેક 1932થી જોવા મળે છે. ઐતિહાસિક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે લંડન આવેલા રાજકારણી અને બૌદ્ધિક એન.સી. કેલકર દ્વારા સંસ્થાની સ્થાપના કરાઈ હતી. ઉદ્ઘાટનની ચા પાર્ટીમાં ડો. બી.આર. આંબેડકર, બેરિસ્ટર જયકર, કોલ્હાપુરના દીવાન સુર્વે, ડો. ગોડબોલે અને ડો. કૃષ્ણારાવ મોરેશ્વર પારધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. મહારાષ્ટ્ર મંડલ લંડન દ્વારા 1991થી ગણેશોત્સવની ઉજવણી શરૂ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter