લંડનઃ મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું ત્યારે ભારતના વિવિધ પ્રાંતોમાંથી હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે ‘કૈલાસ પર્વત’ થીમ પર કરાયેલો સાજશણગાર અને ગુફા સ્વરૂપે બનાવાયેલું પ્રવેશદ્વાર મુખ્ય આકર્ષણ રહ્યું હતું. ગણેશોત્સવમાં સાંસ્કૃતિક પ્રદર્શન, અંગદાનની જાગૃતિના કાર્યક્રમોનો સમાવેશ થયો હતો.
MMLના વર્તમાન અધ્યક્ષ વૃશાલ ખાંડકેએ ઉત્સવની સમાવેશી ભાવના પર ભાર રાખતા જણાવ્યું હતું કે, ‘આ ઉત્સવ ફક્ત મરાઠી સમાજ માટે જ નહિ, પરંતુ સમગ્ર ભારતીય ડાયસ્પોરા સમાજ માટે છે. આ વર્ષે એક વિશેષ પૂજા અને આરતી અન્ય રાજ્યોના સભ્યો માટે રાખવામાં આવી હતી, જે આપણા એકતાનું પ્રતિક છે.’ દરમિયાન, શણગાર ટીમના સ્વયંસેવક જૈલેશ દેશપાંડેએ કહ્યું હતું કે, ‘આ અમારે માટે પ્રેમનું કાર્ય હતું. ભક્તોએ તેમને ખરેખર કૈલાસ પહોંચી ગયા હોવાનો અનુભવ થયાનું કહ્યું ત્યારે અમારા તમામ પ્રયત્નો સફળ લાગ્યા.”
ગણેશોત્સવના પવિત્ર 11 દિવસ સુધી દરરોજ મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, સાંજના સમયે નૃત્ય સ્પર્ધા, ભાવગીત, ભજન, નાટક, હાસ્યકવિતા અને સ્થાનિક કલાકારોના કાર્યક્રમો સહિત પરંપરા અને સામાજિક ઉત્તરદાયિત્વને સાંકળતા સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ સાધુ વાસવાણી ફાઉન્ડેશન દ્વારા NHSના અંગદાન જાગૃતિ અભિયાન અંગે ખાસ પ્રવચન પણ અપાયું હતું. સમાપનના દિવસે ‘પુઢચ્યા વર્ષી લવકર યા’ના લાગણીસભર નાદ સાથે થેમ્સ નદીમાં ભાવસભર અને ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશભક્ત અનિલ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ‘લંડનમાં રહીને પણ થેમ્સમાં વિસર્જનની ક્ષણ અમને ફરીથી મહારાષ્ટ્રના મૂળિયાં સાથે જોડી જાય છે. આ ક્ષણ ખૂબ જ ભાવુક અને અવિસ્મરણીય હોય છે.’
શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાની પરંપરા આગળ વધારતી સંસ્થા મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) 1932માં સ્થાપિત ભારત બહારની સૌથી જુની મરાઠી સંસ્થા છે. તત્કાલીન અધ્યક્ષ સુધાકર ખુરજેકરની આગેવાની હેઠળ 1991માં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરાઈ હતી. પ્રતિ વર્ષ ગણેશજીની મૂર્તિનું નિર્માણ કુમાર તલપડે અને મોટી મૂર્તિનું નિર્માણ સમીર આપ્ટે કરે છે. યુકેમાં નવ દાયકા કરતાં વધુ સમયથી ભારતીય ડાયસ્પોરા માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલી સંસ્થા ઉત્સવોની ઊજવણી, મહારાષ્ટ્રીયન પરંપરાઓને પ્રોત્સાહન અને સામાજિક સંપર્કો વિકસાવવાનું પ્લેટફોર્મ છે.