મહાવીર જન્મજયંતિએ "અહિંસા પરમો ધર્મ"ના સંદેશનું પ્રસારણ

જ્યોત્સના શાહ Tuesday 04th April 2023 16:10 EDT
 
 

દેશવિદેશમાં વસતાં જૈનો "અહિંસા પરમો ધર્મ"ના સંદેશનું પ્રસારણ ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામિના જન્મદિને (ચૈત્ર સુદ તેરસ) પોતપોતાની આગવી રીતે કરવા કટિબધ્ધ બને છે. આ વર્ષે ૪ એપ્રિલના રોજ આ ભવ્ય ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન કરી વિશ્વભરમાં પરસ્પર પ્રેમ, કરૂણા અને માનવતાના કલ્યાણ માટે કરશે.

ભગવાન મહાવીરના જન્મ દિન નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિનો વધાઇ સંદેશ
મન-વચન-કર્મથી અહિંસાના પાલનમાં સમગ્ર માનવજાત અને સમસ્ત પ્રકૃતિ પ્રતિ સંરક્ષણની ભાવના સમાવિષ્ટ છે

ભારતના પ્રેસિડેન્ટ માનનીય દ્રૌપદી મૂર્મુએ મહાવીર સ્વામિના જન્મદિનની અગાઉથી વધાઇ પાઠવતાં સંદેશમાં જણાવ્યું હતું કે, “શાંતિ અને અહિંસા"નો સંદેશ પ્રસારિત કરવા માટે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ એસોસિએશન દ્વારા "અહિંસા રથ"નું આયોજન કરવામાં આવ્યું છે એ માટે ધન્યવાદ. વિશેષ પ્રસન્નતા એ બાબતની છે કે એનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે. મહિલાઓની સમાજમાં વધતી જતી ભાગીદારી પ્રબુધ્ધ અને વિકસિત જૈન સમુદાયનું ગૌરવ છે. આ "અહિંસા રથ" દુનિયાના ૨૦ થી વધુ દેશોમાં અને ભારતના ૫૦ થી વધુ શહેરોમાં ફરશે જેમાં ૧ લાખથી વધુ ભાઇ-બહેનો ભાગ લઈ રહ્યાં છે. અહિંસા, પ્રેમ, પરસ્પર સૌહાર્દને માનવતાનું હાર્દ બનાવી આ સંદેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આગળ વધાર્યો. મન-વચન-કર્મથી અહિંસાના પાલનમાં સમગ્ર માનવજાત અને સમસ્ત પ્રકૃતિ પ્રતિ સંરક્ષણની ભાવના સમાવિષ્ટ છે. આજની પરિસ્થિતિમાં આ સંદેશનું પાલન અતિ આવશ્યક છે. સંપૂર્ણ માનવતાને એ રાહ ચીંધે છે. જૈન ધર્મની વિશ્વને ધરેલ આ અણમોલ સોગાદ છે. આ "અહિંસા રથ"માં ભાગ લેનાર સૌ પ્રતિયોગીઓની હું સરાહના કરૂં છું.
-જય જીનેન્દ્ર / જય ભારત
ભારતના રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મૂર્મુ

•••

બૌધ્ધ ધર્મ દ્વારા ભગવાન મહાવીરની જન્મ જયંતિનું ભવ્ય આયોજન: ઐતિહાસિક ઘટના
"અહિંસાના અગ્રદૂત મહાવીર અને કરૂણાના અવતાર બુધ્ધ એક જ માના જોડિયા સંતાન"- ભંતે સુમેઘો

ઇતિહાસમાં પહેલી વખત બૌધ્ધ ધર્મની પ્રતિષ્ઠિત સંસ્થા ' મહાકરૂણા ફાઉન્ડેશન' યાને પ્રબુધ્ધ ભારતી ઇન્ટરનેશનલ દ્વારા જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરની ૨૬૨૨મી જન્મ જયંતિ પર વિશ્વ શાંતિદૂત જૈનાચાર્ય ડો.લોકેશજીના સાન્નિધ્યમાં "અહિંસા પરમો ધર્મ" સેમિનારનું આયોજન દિલ્હીની કોનસ્ટીટ્યુશન કલ્બમાં કરાયું.
આ કાર્યક્રમમાં અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય ડો. લોકેશજી, એન.ડી.એમ.સી.ના ઉપાધ્યક્ષ શ્રી સતિષ ઉપાધ્યાય, મહાકરુણા ફાઉન્ડેશનના ભંતે દીપાંકર સુમેઘો, પ્રબુધ્ધ ઇન્ટરનેશનલના અધ્યક્ષા શ્રીમતી વિશાખા શેલાની, એનિમલ વેલફેર સોસાયટી ફોર ઇન્ડીયાના પ્રમુખ ડો.ડી.સી. જૈન, શ્રી લાલ બહાદૂર શાસ્ત્રી કેન્દ્રીય સંસ્કૃત વિધાલયના પ્રોફેસર કમલા ભારદ્વાજ, સહયોગ દિલ્હીના અધ્યક્ષ શ્રી મનોજ જૈને સભાજનોને સંબોધિત કર્યાં. તથા સાધ્વી રણૂજાએ મુખ્ય રૂપે એમનાં વિચાર વ્યક્ત કર્યાં. આ પ્રસંગે કરૂણા અને જીવદયાથી પ્રેરિત થઇને પશુ-પક્ષીઓના કલ્યાણાર્થે કાર્યરત મુખ્ય સંસ્થાઓ અને વિશિષ્ઠ મહાનુભાવોને "મહાકરૂણા એવોર્ડ"થી સન્માનીત કરાયાં.
સમારંભને સંબોધિત કરતા વિશ્વ શાંતિ કેન્દ્ર સંસ્થાના આચાર્ય લોકેશજીએ કહ્યું કે, “ભગવાન મહાવીરના અહિંસા દર્શનથી વિશ્વ શાંતિ સંભવ છે" આ પ્રસંગે બૌધ્ધ ધર્મની સંસ્થા દ્વારા મહાવીર જયંતિના અવસરે સમારોહ આયોજન કરવા માટે ભંતે સુમેઘોની સરાહના કરતા કહ્યું કે, ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવો સૌહાર્દ, સમન્વય અને એકતાનું પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કરાયું.
 એનિમલ વેલફેર સોસાયટી ફોર ઇન્ડીયાના પ્રમુખ ડો.ડી.સી. જૈન અને સહયોગ દિલ્હીના અધ્યક્ષ શ્રી મનોજ જૈને કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણમાં જૈન સમાજનું વિશિષ્ઠ યોગદાન છે, એની પાછળ ભગવાન મહાવીરનું શિક્ષણ આધાર સ્તંભ સમાન છે"
ભગવાન મહાવીરનું દર્શન વર્તમાન સમયમાં અધિક ઉપયોગી હોવાનું સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter