માંચેસ્ટર ખાતે સિગડી રેસ્ટોરન્ટમાં રવિવાર ૨૪ ઓગસ્ટના રોજ 'એરાઇઝ એન્ડ અવેક જાગૃતિ એસોસિએશન (યુકે)' તથા રાઇઝ એન્ડ અવેક રોહિત સમાજ જાગૃતિ ટ્રસ્ટ સુરત"ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના સ્થાપક અને નેતા શ્રી રતિલાલ ચૌહાણની યુકેમાં છેલ્લા ૬૦ વર્ષથી કોમ્યુનિટીમાં સમર્પિત સેવાને યાદ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ"ના તંત્રીશ્રી સી.બી. પટેલ, કન્સલ્ટીંગ એડિટર કોકિલા પટેલ, ભારતીય વિદ્યાભવનના ડ્રામા વિભાગના પૂર્વ ડાયરેકટર સુરેન્દ્રભાઇ પટેલ તથા એમના ધર્મપત્ની ભાવિનીબેન પટેલ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડની સંસ્થાઓના અગ્રણીઓ શ્રી બાબુભાઈ લાડ, શ્રી ગુલાબભાઈ પટેલ, શ્રી શાંતિલાલ મિસ્ત્રી, રતિલાલ ચૌહાણ, નરેશભાઇ ચૌહાણ તેમજ બોલ્ટન, પ્રેસ્ટન, માન્ચેસ્ટર, બ્રેડફોર્ડ, લીડ્સ સમુદાયોના અન્ય નેતાઓ અને લંડન, લેસ્ટર બર્મિંગહામના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
રતિલાલભાઇના દિકરી ચેતનાબહેન અને પરિવારજનોએ આ સન્માન સમારોહ સાથે રતિલાલભાઇની સરપ્રાઇઝ બર્થડેનું પન આયોજન કર્યું હતું. ઢોલ સાથે વાજતેગાજતે રતિલાલભાઇ હોલમાં પધાર્યા ત્યારે દૂરસુદૂરથી આવેલા મહેમાનોને જોઇ નલાગણીસભર બન્યા હતા. લંડનથી ખાસ અતિથિ તરીકે પધારેલા સી.બી. પટેલને જોઇ આંખોમાં હર્ષાશ્રુ આવી ગયાં હતાં.
કાર્યક્રમનો શુભારંભ વૃંદા સિસોદિયાની ગણેશવંદનાથી થયો ત્યારબાદ રતિલાલ સોલંકીની દિકરી ચેતનાબહેન સોલંકીએ એમનાં સદગત માતુશ્રી ઇન્દિરાબહેનને યાદ કરી ફોટાને પુષ્પાંજલિ આપી હતી. ત્યારબાદ સંસ્થાના સેક્રેટરી નટુભાઇ ચૌહાણે આ કાર્યક્રમ માટે ખૂબ જહેમત ઉઠાવી છે એમનો આભાર વ્યક્ત કર્યો હતો. નટુભાઇએ "રાઇઝ એન્ડ અવેક રોહિત સમાજ જાગૃતિ ટ્રસ્ટ સુરતની ટીમ ગરીબ, અશક્ત લોકોને મદદ કરે છે, કપડાંનું વિતરણ કરે છે, જશવંતભાઇ સોલંકી બારડોલી જયોતિધામ, રોહિત સમાજ બારડોલીના ટ્રસ્ટી- ડાયરેકટર જીતેન્દ્રભાઇ વલ્લવભાઇ ચૌહાણ સાથે મળીને સેવાકાર્ય કરે છે. ઇન્ડિયાની ટીમ 'એરાઇઝ એન્ડ અવેક"નો ઝંડો લહેરાવે છે અને એક ગામથી બીજા ગામ દોડાદોડ કરીને સેવા કાર્ય કરે છે. દિવાળી પ્રસંગે ફૂડ પેકેટ, કપડાંનું વિતરણ કરે છે એ બદલ જીતેન્દ્રભાઇ, જશવંતભાઇ, ખંડુભાઇ, યોગેન્દ્રભાઇ, મેહુલભાઇ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. હરિશભાઇ ચૌહાણે લોટરી ફંડીંગમાં પણ ખૂબ મદદ કરી હિન્દુ કોમ્યુનિટી નોર્થ ઇંગ્લેન્ડને ખૂબ મદદ કરી છે.
અતિથિ વિશેષ સી.બી. પટેલને રતિલાલભાઇએ શાલ, એવોર્ડથી સન્માનિત કર્યા બાદ "રાઇઝ અવેક" પુસ્તકની ભેટ આપી હતી. સી.બીએ જણાવ્યું કે રતિલાલભાઇ સાથે મારે ૪૫ વર્ષથી મિત્રતા છે. મારા ૬૫ વર્ષનો જન્મદિન તમે ઉજવ્યો ત્યારે તમારાં ધર્મપત્ની ઇન્દિરાબહેન તમારી સાથે મૃદુસ્મિત ચહેરે બેઠાં હતાં. આજે તમારી દિકરી ચેતનાબહેને, જમાઇ નવનીતભાઇ, દિકરાઓ, પુત્રવધૂઓએ સરસ સરપ્રાઇઝ પાર્ટી સાથે સન્માન સમારોહનું આયોજન કર્યું છે.
પ્રેસ્ટન, બોલ્ટન, આસ્ટન, લેેસ્ટર, બ્રેડફોર્ડ, લીડ્સ તેમજ લંડનના હિન્દુ સમાજ સાથે તમે ખૂબ કામ કર્યું છે. સનાતન વેલ્યુનું શિક્ષણ તમે જે રીતે કરો છે એ બદલ ધન્યવાદ. “એરાઇઝ એન્ડ અવેક'નો તમારો પ્રોજેક્ટ બહુ સરસ છે. ‘એરાઇઝ એન્ડ અવેક"નું અમે ફોર્મ બનાવીશું અને અમે તમને સપોર્ટ આપીશું.”
નોર્થ લંડનની સંસ્થાઓ યોજિત કથાઓ કે અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિ રહી યોગ્ય માર્ગદર્શન કે સહકાર આપનાર સુરેન્દ્રભાઇ પટેલનું પણ શાલ અને એવોર્ડ આપી રતિલાલભાઇએ સન્માન કર્યું હતું. સાથે સાથે ઉપસ્થિ નોર્થ વેસ્ટ લંડન હિન્દુ કાઉન્સિલના અગ્રણીઓ, નેતાઓના કાર્યને બિરદાવી સંસ્થા વતી શાલ અને એવોર્ડ આપી સન્માન કરાયું હતું.