માડાગાસ્કરમાં ભવ્ય મંદિરનું નિર્માણ, શ્રાવણ માસ નિમિત્તે વિશેષ પૂજાઅર્ચના

Monday 08th August 2022 07:13 EDT
 
 

અમદાવાદઃ માડાગાસ્કરના પાટનગર અંતાનનારિવોમાં તાજેતરમાં જ ભવ્ય હિન્દુ મંદિરનું ઉદઘાટન કરાયું છે. માડાગાસ્કરમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓની બહુમતી છે. આરતી-ભજન સહિતના ધર્મમય માહોલમાં મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્લા મૂકાયા હતા. આ પ્રસંગે માડાગાસ્કર ખાતેના ભારતીય રાજદૂત અભય કુમાર ખાસ હાજર રહ્યા હતા. માડાગાસ્કર હિન્દુ સમાજ દ્વારા મંદિરનું નિર્માણ કરાયું છે. માડાગાસ્કર હિન્દુ સમાજના પ્રમુખ સંજીવ હેમંતલાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અહીંના ભારતીયો માટે આ ગૌરવની ઘડી છે.
ગુજરાત સાથે સદીપુરાણો નાતો
માડાગાસ્કર હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વીય તટ પર આવેલા એક ટાપુ પર વસેલો દેશ છે. મોરેશિયસની નજીક જ દુનિયાના ચોથા નંબરના સૌથી મોટા ટાપુ પર વસેલા માડાગાસ્કર અને ગુજરાતને સદીઓ જૂનો સંબંધ છે. અંદાજે વર્ષ 1780 આસપાસ પહેલી વખત માડાગાસ્કર ગયેલા અમુક ભારતીયો ત્યાં સેટલ થયા હતા જેમાં મોટેભાગે ગુજરાતીઓ હતા. 18મી સદીથી 20મી સદીની શરૂઆત સુધી માડાગાસ્કરમાં ભારતીયોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. અહીંના બિઝનેસમાં ભારતીયો, અને એમાં પણ મોટેભાગે ગુજરાતીઓનો મોટો ફાળો છે. અંદાજે 20,000 આસપાસ ભારતીયો અહીં વસે છે જેમાં 2500 જેટલા ભારતીય પાસપોર્ટ હોલ્ડર છે. ગુજરાતીઓ ટ્રેડિંગ, મેન્યુફેક્ચરીંગ, રીઅલ એસ્ટેટ બિઝનેસમાં વધારે છે. ઘણા ભારતીયો અહીં મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માડાગાસ્કરની જીડીપીમાં ગુજરાતી સમુદાયનો મહત્વનો ફાળો રહ્યો છે.
માડાગાસ્કરમાં વસતા ગુજરાતી લોકો દરેક તહેવાર ઉજવે છે પણ નવરાત્રિમાં રોનક અલગ હોય છે. તેઓ વર્ષોથી અહીં રહે છે, પણ પરંપરા જાળવી છે. માડાગાસ્કરમાં ત્રણ મંદિર છે. અંતાનનારિવો સિવાય અન્ય શહેરો મહાજાંગા, ડીએગો, ટેમતેવમાં પણ નવરાત્રી યોજાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter