લંડનઃ લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK) દ્વારા 10 જૂન મંગળવારે રાયસ્લીપના વેન્યુ 5 ખાતે લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી ભવ્ય ડિનરનું આયોજન કરાયું હતું. આ સ્પેશિયલ ડિનર કાર્યક્રમ મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે પ્રતિષ્ઠિત જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 30 જાન્યુઆરી 2026થી 1 ફેબ્રુઆરી 2026ના ત્રણ દિવસીય વૈશ્વિક બિઝનેસ એક્ઝિબિશન LIBF Expo 2026 માટે કર્ટેઈન-રેઈઝર બની રહ્યો હતો. આ ઉપરાંત, અન્ય ઈનિશિયેટિવ્ઝ પણ જાહેર કરાયા હતા.
યુકેની લોહાણા કોમ્યુનિટી માટે સ્પેશિયલ ડિનર કાર્યક્રમ શ્રી લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ અને લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના ચેરમેન સતીષભાઈ વિઠલાણી સાથે પ્રત્યક્ષ વાતચીતનો મોકો બની રહ્યો હતો. તેમણે આગામી એક્સ્પોના મહત્ત્વાકાંક્ષી વિઝન અને વિશાળ કદ વિશે સમજ આપી હતી. આ બિઝનેસ એક્સ્પોમાં વિશ્વભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, સ્ટાર્ટઅપ્સ, ઈન્વેસ્ટર્સ અને ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ એકત્ર થશે. માત્ર નેટવર્કિંગ ઈવેન્ટ બની રહેવાના બદલે LIBF Expo 2026 ઈનોવેટિવ પ્રોડક્ટ્સ યોગ્ય બજારો સાથે સંકળાય, વિકસતા એકમોને વ્યૂહાત્મક પાર્ટનર્સ મળે અને અસરકારક કોલબરેશન્સ સર્જવા ગંભીર વાતચીતો થાય તે માટે ડાયનેમિક પ્લેટફોર્મ બની રહેશે. ધંધાકીય વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે સ્પ્રિંગબોર્ડ બનવા તૈયાર એક્સ્પો લોહાણા કોમ્યુનિટીની વૈશ્વિક હાજરી અને આર્થિક પ્રભાવને વધુ આગળ વધારશે.
એક્સ્પોની જાહેરાત ઉપરાંત, ડિનર કાર્યક્રમમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ અને શ્રી લોહાણા મહાપરિષદના નેજા હેઠળ કેટલાક ચાવીરૂપ ઈનિશિયેટિવ્ઝની જાહેરાત કરાઈ હતી. સતીષભાઈએ કોમ્યુનિટી સંબંધોને મજબૂત બનાવવા ગ્લોબલ નેટવર્કિંગ સંસ્થા Lohana Connect તેમજ ભાવિ જનરેશન માટે જ તૈયાર કરાયેલા પ્રગતિશીલ પ્લેટફોર્મ Lagna Setu વિશે પણ ઊંડાણથી સમજાવ્યું હતું. આ ઉપરાંત, કોમ્યુનિટીની અંદર જ એમ્પ્લોયમેન્ટને સપોર્ટ કરવા Jobs Portal ઈનિશિયેટિવ અને આર્થિક સંકડામણ ધરાવતા વિદ્યાર્થીઓને સહાય કરવાના Education Loan પ્રોગ્રામ વિશે પણ જણાવાયું હતું. એસપી જૈન સ્કોલરશિપ અને સરસ્વતી સન્માન એવોર્ડની જાહેરાત થકી શિક્ષણને આગળ વધારવા અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાની કદર કરવાની નેતાગીરીની પ્રતિબદ્ધતા જોવા મળે છે.
ઊજવણી અને સિદ્ધિ હાંસલ કરવાની ભાવનાને દર્શાવતા આગામી LMP ઈન્ટરનેશનલ એવોર્ડ્સની જાહેરાત કરવા સાથે LIBF Overseas Branchesના વિસ્તરણની યોજના થકી યુકેમાં હાજર રહેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્લોબલ બિઝનેસ રેફરલ્સ અને વિકાસને ઉત્તેજન આપવાના લક્ષ્ય સાથે BNI મોડેલથી પ્રેરિત લોહાણા બિઝનેસ નેટવર્ક (LBN) પણ લોન્ચ કરાયું હતું.
ભવિષ્ય તરફ નજર કરતા સતીષભાઈએ ફોરમની વૈશ્વિક પહોંચ વિસ્તારવા LIBF Tanzania 2027ના મહત્ત્વાકાંક્ષી પ્લાનની રૂપરેખા આપી હતી. કોમ્યુનિટીને 2027માં LMP ની 75મી વર્ષગાંઠની તૈયારી માટે આમંત્રિત કરાઈ હતી. રાજકોટમાં LMP અધિવેશન 25થી 27 ડિસેમ્બરના ગાળામાં યોજાનાર છે. આ જ અરસામાં બીજા LIBF Expoના આયોજનની ચર્ચા ચાલી રહી છે. કોમ્યુનિટીના વારસા, એકતા અને યુવા પ્રતિભાઓને ઉજવવા LMP ગ્લોબલ સ્પોર્ટ્સ અને કલ્ચરલ ફેસ્ટિવલનો વિચાર પણ પ્રદર્શિત કરાયો હતો.