ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના રોડશો માટે ૪૦ સભ્યના પ્રતિનિધિ મંડળ સાથે દુબઇની મુલાકાત માટે ગયા હતા. તે દરમિયાન પ્રતિનિધિમંડળે અબુધાબીમાં BAPS સંસ્થા દ્વારા આકાર પામી રહેલા ભવ્યાતિભવ્ય હિન્દુ મંદિર સ્થળની મુલાકાત લઇ પ્રદર્શિત મોડેલ દ્વારા બાંધકામ સહિતના વિવિધ આયોજનોની વિગતો મેળવી હતી. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી, ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે, કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.
મંદિર નિર્માણ સંદર્ભમાં BAPS હિન્દુ મંદિર યાત્રાનું દસ્તાવેજીકરણ કરતી વીડિયો પ્રસ્તૃતિ થ્રી રિવર ઉપરાંત શીવ સ્થાપનનું પ્રદર્શન જોઇ સૌ પ્રભાવિત થયા હતા. પૂ. બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ મંદિર વિશે માહિતી આપતા જણાવ્યું હતું. કે પૂજ્ય સ્વામી મહારાજે વિદેશની ધરતી ઉપર હિંદુ સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરતા હિંદુ મંદિરની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો હતો. મંદિર પ્રોજેક્ટની પ્રગતિ અને ભવ્યતાથી પ્રભાવિત થઇને મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ‘આ એક સ્વપ્ન કરતાં વધુ છે. મુખ્ય પ્રધાને શિલાસ્થાપન વિધિમાં ભાગ લીધો હતો. મંદિરની પાંચ મીટર ઊંચાઇ ધરાવતી પ્લિન્થમાં પૂજાવિધિથી સંપન્ન ઇંટ મુકવાની વિધિમાં પણ તેઓ સહભાગી થયા હતા.