લંડનઃ મૂર કિંગ્સ્ટન સ્મિથ દ્વારા લંડનની લિવરપૂલ સ્ટ્રીટ ખાતે 22 ઓક્ટોબર 2026ના દિવસે દીવાળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્ચ 2027માં Auren નામ રાખવાની યોજના પર પ્રકાશ પાથરવામાં આવ્યો હતો. ઉજવણીમાં ભારતીય દિવ્ય ભવનના નૃત્યકારો દ્વારા ભરતનાટ્યમ નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં.
મૂર કિંગ્સ્ટન સ્મિથના હેલ્થ સેક્ટરના વડા અને પાર્ટનર વિજયભાઈ તન્નાએ મહેમાનોને આવકારવાની સાથે અંધકાર પર પ્રકાશના વિજય સ્વરૂપે દીવાળીની ઉજવણી વિશે જણાવ્યું હતું. આ ઉત્સવ પરિવારો, મિત્રો અને પડોશીઓને કેવી રીતે નિકટ લાવે છે, ઘરને હૂંફ, હાસ્ય અને સમુદાયની ભાવના સાથે ભરી દે છે તે સંદર્ભે પોતાના બાળપણની વાતોને યાદ કરી હતી. ‘આજે બધાને નિહાળી મને તેની ભાવના અનુભવાય છે. ગત 12 મહિનામાં તમે વિશ્વાસ, મિત્રતા અને સપોર્ટ દર્શાવ્યો છે તે માટે હું આભાર વ્યક્ત કરું છું.’ તેમણે રામાયણનો ઉલ્લેખ કરી અયોધ્યાની પ્રજાએ ભગવાન રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણનું સ્વાગત કરવા દીપ પ્રગટાવ્યા હતા તેની વાત કરી કહ્યું હતું કે દીવડાં આશા, સંબંધ અને ખુશીમાં સમુદાય એક સાથે આવે છે તેનું પ્રતીક છે.
મેનેજિંગ પાર્ટનર મેટ મીડોઝે દીવાળીના પ્રકાશ, આશા અને પુનર્જીવન વિષયો પર વાત કરતા જણાવ્યું હતું કે ફર્મના વિકાસના આગામી તબક્કા વિશે તે સુસંગત છે. તેમણે કહ્યું હતું કે,‘આપણા પરિવારના નવા રોમાંચક અધ્યાય વિશે જાહેરાત કરાઈ છે. આપણા યુરોપિયન સાથીદારો સાથે આપણે Auren બ્રાન્ડ હેઠળ આવીએ છીએ અને માર્ચ 2027માં તેનું સંપૂર્ણ લોન્ચિંગ કરાશે. આપણું નામ બદલાશે પરંતુ, ક્લાયન્ટ્સને સપોર્ટ, આપણા લોકોમાં ઈન્વેસ્ટમેન્ટ અને બિઝનેસીસને વિકસવામાં મદદ કરનારા કાયમી સંબંધોના નિર્માણનો આપણો મુદ્રાલેખ યથાવત રહેશે.’ તેમણે કહ્યું હતું કે નવું નામ તેજસ્વીતા, આશાવાદ અને ભવિષ્ય તરફ રચનાત્મક નજર સાથે સંબંધ ધરાવે છે. આ પગલાંથી યુરોપની ફર્મ્સ સહકારના વિસ્તરણ, કૌશલ્યમાં સહભાગિતા અને ક્લાયન્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય સપોર્ટને મજબૂત બનાવવા સાથે આવશે.
મેટ મીડોઝે ભારતીય બિઝનેસ કોમ્યુનિટી સાથે દીર્ઘકાલીન સંબંધોને હાઈલાઈટ કરતા કહ્યું હતું કે, ‘30 કરતાં વધુ વર્ષથી આપણે ભારતીય બિઝનેસીસ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને ઈન્વેસ્ટર્સને સપોર્ટ કર્યો છે અને આપણા સંબંધોનું નિર્માણ વિશ્વાસ, મહત્ત્વાકાંક્ષા અને સહભાગી સફળતાના પાયા પર થયું છે. આપણા માટે આ વારસો મૂલ્યવાન છે.’ તેમણે યુકે અને ભારત વચ્ચે સહકારના વિસ્તરી રહેલા ક્ષેત્રો તરીકે વેપાર, ટેકનોલોજી, ઈન્વેસ્ટમેન્ટ, ઈનોવેશન અને એજ્યુકેશનનો ઉલ્લેખ કર્યો હતો.


