અબુ ધાબીઃ કમાન્ડર-ઈન-ચીફ ઓફ ધ અબુ ધાબી પોલીસ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય મેજર જનરલ અહમદ સૈફ બિન ઝાઈતુન અલ મુહાઈરીએ 26 ડિસેમ્બર 2025ના રોજ BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. સ્વામી બ્રહ્મવિહારીદાસે તેમનું સ્વાગત કરવા સાથે શાંતિ, સંવાદિતા અને સમાજની સેવાના મંદિરના વિઝન વિશે જાણકારી આપી હતી.
આ મુલાકાત મંદિરના તમામ મુલાકાતીઓની સુરક્ષા, સલામતી અને કલ્યાણની ચોકસાઈ તેમજ ભક્તો અને મહેમાનોને શાંતિપૂર્ણ, આવકારદાયી અને પ્રેમાળ અનુભવ મળી રહે તે માટે યુએઈની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરનારી હતી. આ મુલાકાત દરમિયાન, મેજર જનરલને મુલાકાતીઓ માટે આરામદાયી, સુરક્ષિત અને સરળ પહોંચ સાથેના સ્માર્ટ સ્કેનિંગ એન્ટ્રી ગેટ્સ, ક્લોકરૂમ સવલતો, પ્રાથમિક સારવાર કેન્દ્ર, ટ્રાવેલ અને ટુરિઝમ ડેસ્ક્સ, ઈન્ફોર્મેશન કાઉન્ટર્સ તેમજ 2000થી વધુ લોકોની ક્ષમતા સાથે સંપૂર્ણ વાતાનુકૂલિત લાઈન સિસ્ટમ સાથે નવા વિકસાવાયેલા વિઝિટર ટેન્ટની માહિતી આપવામાં આવી હતી.
પૂજા-પ્રાર્થનાસ્થળોની સુરક્ષા અને શાંતિમય સહઅસ્તિત્વ જાળવવા માટે યુએઈની સત્તાધીશ નેતાગીરીના સમર્પણ અને સતત સપોર્ટની ભાવનાની મંદિર દ્વારા હૃદયસ્પર્શી કદર વ્યક્ત કરવામાં આવી હતી.


