યુએસમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સામેની તપાસ બંધ

Saturday 27th September 2025 05:38 EDT
 
 

રોબિન્સવિલે (યુએસ)ઃ અમેરિકી સરકારે રોબિન્સવિલે ખાતે બીએપીએસ અને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર નિર્માણ વિરુદ્ધની ફરિયાદમાં તપાસને સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. આ નિર્ણય બીએપીએસ તથા સ્વામિનારાયણ અક્ષરધામની નિર્દોષતા, પ્રામાણિકતા, શુદ્ધતા તથા અખંડિતતાની પુનઃ પુષ્ટિ આપે છે કે, કોઈ આરોપો અગાઉ ક્યારેય કરાયા જ નહોતા. અમેરિકાસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ યુએસના ન્યાય વિભાગ તથા ન્યુ જર્સી ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્નીની ઓફિસના આ નિર્ણયને આવકાર્યો હતો.
નિવેદનમાં જણાવાયું હતું કે અમેરિકન સરકારે તપાસને બંધ કરવાનો લીધેલો નિર્ણય શરૂઆતથી જ અમારી સંસ્થા દ્વારા જાળવી રખાયેલા નિવેદનનું મક્કમ રીતે સમર્થન કરે છે કે, શાંતિ, સેવા અને પૂજા માટેના પાવન સ્થળ, બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું નિર્માણ પ્રેમ, સમર્પણ અને તમામ ક્ષેત્રના હજારો હરીભક્તોની સ્વૈચ્છિક સેવાથી કરાયું છે. અમેરિકામાં વસતો હિન્દુ સમુદાય આ દેશમાં તુલનાત્મક રીતે નવી ધાર્મિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેની વચ્ચે પણ આ પ્રકારનું સીમાચિહ્નરૂપ નિર્માણ અમેરિકાને મહાન બનાવતા મૂલ્યોનો પુરાવો હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું હતું.
આ સમુદાય કેવી રીતે અમેરિકાનો અભિન્ન ભાગ બની ગયો છે તેના મટે બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ એક કાયમી પ્રતીક તરીકે ઊભું છે. અમારા આધ્યાત્મિક પ્રચારોમાં પણ લાંબા સમયથી આગ્રહપૂર્વક શીખવવામાં આવી રહ્યું છે કે, પડકારના સમયમાં પણ વ્યક્તિએ શ્રદ્ધા જાળવી રાખવી જોઈએ તથા સહકાર, નમ્રતા તેમજ સત્ય તથા સમજણપૂર્વક પ્રતિબદ્ધતા દાખવીને પ્રતિભાવ આપવો જોઈએ. આપણા હજારો વર્ષ જૂના શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરાયો છે કે, 'સત્યમેવ જયતે' અને 'સત્યનો હંમેશા વિજય થાય છે.'
આ સમય અનુયાયીઓ માટે જરૂર કપરો રહ્યો હતો પરંતુ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ભગવાન અને આ રાષ્ટ્રની આસ્થા પ્રત્યે એક નવી જ ઊર્જા તથા ઊંડા વિશ્વાસ સાથે અમે ઉભરી આવ્યા છીએ.
અમે તમામ લોકોને બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લેવા અને અહીંના દરેક ખૂણે રહેલી કલા, પરંપરા, ભક્તિ તથા આસ્થાનો અનુભવ કરવા આવકારીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter