યુએસમાં હિન્દુ સંસ્થાઓ, મંદિરોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજતા બીએપીએસના સાધુસંતો

Friday 02nd December 2022 06:43 EST
 
 

અમદાવાદઃ બીએપીએસ દ્વારા અમેરિકામાં સાધુ ભદ્રેશદાસજીના અધ્યક્ષપદે યોજાયેલ 10 જેટલા ‘યુનિટી ફોરમ’માં સનાતન હિન્દુ ધર્મના મંદિરો, ભારતીય સંસ્થાઓ અને વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ સાથે બીએપીએસ સંતોએ મુલાકાત અને વિમર્શ કર્યા હતા.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વબંધુત્વની ભાવનાને દૃઢાવતા અનેકવિધ વિશિષ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે કરેલાં વિરાટ કાર્યોને સૌ કોઈએ આદરાંજલિ અર્પણ કરી હતી.
યુએસએમાં યોજાયેલ ‘વસુધૈવ કુટુમ્બકમ’નો સંદેશ પ્રસરાવતા ‘યુનિટી ફોરમ’ના કાર્ય અને પ્રભાવ વિશે સાધુ વિવેકમૂર્તિદાસજીએ જણાવ્યું હતું, ‘ડો. અબ્દુલ કલામે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજમાં અનુભવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજના પ્રેમ અને આધ્યાત્મિકતા વિશ્વના વિવિધ ધર્મો વચ્ચે સંવાદિતાના સેતુરૂપ છે.’
પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અનેક દેશોમાં સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાઇ છે, જેના નેજામાં સમગ્ર યુએસએમાં 10 યુનિટી ફોરમના આયોજન થયા હતા. જેમાં વિવિધ શહેરોમાં 335 જેટલા હિન્દુ મંદિરો અને વિવિધ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના 1009 કરતાં પણ વધુ પ્રતિનિધિઓ સાથે ભદ્રેશદાસ સ્વામી અને બીએપીએસના સંતોએ વિમર્શ કર્યો હતો.
અનેકવિધ ધાર્મિક સંસ્થાઓએ આ યુનિટી ફોરમના કાર્યક્રમો વિશે બીએપીએસ સંસ્થા પ્રત્યે અહોભાવ અને પ્રસન્નતા વ્યક્ત કર્યા હતા. તેમજ સનાતન હિન્દુ સંસ્કારો અને જીવનશૈલીને નવી પેઢીમાં દૃઢ કરવા માટે સૌ એકતાથી કાર્ય કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
અનેકવિધ યુનિટી ફોરમની સાથે તાજેતરમાં ઈન્ડોનેશિયામાં બીજી અને ત્રીજી નવેમ્બરે યોજાયેલી ‘R20’ સમિટમાં સનાતન ધર્મના પ્રતિનિધિરૂપે 400 કરતાં વધુ અગ્રણીઓને સંબોધન કરનાર ભદ્રેશદાસ સ્વામીએ અમદાવાદ શાહીબાગ મંદિરે તેમના યુનિટી ફોરમ અને R20 ફોરમના સ્વાનુભવો વિશે જણાવ્યું હતું, ‘પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આજે સાત જેટલાં શોધ સંસ્થાનો - રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના દેશ અને વિદેશમાં કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ આજના યુગમાં, સમગ્ર વિશ્વમાં, સનાતન વૈદિક ધર્મની રક્ષા, પુષ્ટિ અને પ્રસાર અને આપણાં સંસ્કારોની રક્ષા કરવાનો છે.’
તેમણે એમ પણ કહ્યું હતું કે આ શોધ સંસ્થાનોની સ્થાપના દરમિયાન અનેકવિધ હિન્દુ ધાર્મિક, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તો જે તે શહેરમાં અનેક અગ્રણી યુનિવર્સિટીઓના પ્રોફેસર્સે પણ હાજરી આપી હતી. બીએપીએસ સંસ્થા સનાતન વૈદિક ધર્મને વરેલી સંસ્થા છે. આ પરંપરાનું ગૌરવ જળવાય અને 10 હજાર વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિ અને ઉદાત્ત ભારતીય શિક્ષણ પરંપરા કઈ રીતે આગળ વધે તે આવા શોધ સંસ્થાનોની સ્થાપના પાછળ હેતુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter