લંડનઃ બાળકો માટે અન્ન અને શિક્ષણની ચેરિટી અક્ષય પાત્ર દ્વારા લક્ષ્ય સાથે ખુશીના પ્રસારના હેતુસર અનોખું દિવાળી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચેરિટીનું મિશન છે કે કોઈ પણ બાળક ગરીબીના કારણે શિક્ષણથી વંચિત રહેવું ન જોઈએ. ભારતમાં વર્ષ 2000ના સ્થાપિત અક્ષય પાત્ર હવે વિશ્વમાં સૌથી મોટો સ્કૂલ ભોજન પ્રોગ્રામ એક જ દેશમાં ચલાવે છે અને દૈનિક 2.35 મિલિયન બાળકોને ભોજન પીરસે છે. યુકેમાં અક્ષય પાત્ર દ્વારા 2020માં નોર્થ લંડનના વોટફર્ડમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કિચન લોન્ચ કરાયું હતું અને ત્યારથી તેના આફ્ટર-સ્કૂલ પ્રોગ્રામ ‘એમ્પાવર અવર’ મારફત તેમજ શાળાઓની રજાઓમાં ભૂખ્યાં રહેતાં બાળકોને 800,000થી વધુ ગરમ અને પોષણયુક્ત ભોજન પુરું પડાયું છે.
આ વર્ષના દિવાળી ઉત્સવની પહેલ તરીકે અક્ષય પાત્રનું ‘બોક્સ ઓફ બ્લેસિંગ્સ’, અનોખું દિવાળી ગિફ્ટ બોક્સ લોન્ચ કરાયું છે જે મીઠાઈના બોક્સથી પણ કશું વિશેષ છે. હાથબનાવટના દરેક બોક્સમાં ચેરિટી કિચનમાંથી તહેવારની મીઠાઈઓ, ડેકોરેટિવ ટી લાઈટ્સ તેમજ લંડનમાં દિશૂમ જેવાં ચેરિટીના પાર્ટનર્સ તરફથી રોમાંચક વાઉચર્સ સામેલ કરાયા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ‘બોક્સ ઓફ બ્લેસિંગ્સ’ માટે દાન અપાયેલા પ્રત્યેક 25 પાઉન્ડ મારફત ભારતમાં સમગ્ર શાળાકીય વર્ષ માટે બાળકને પોષણયુક્ત શાળામાં ભોજન પુરુ પડાય છે. આ ઉપરાંત, યુકેમાં કચડાયેલાં વર્ગના બાળકો માટે ઓછામાં ઓછાં ત્રણ ‘એમ્પાવર અવર’ સેશન્સ (આફ્ટર-સ્કૂલ પોષણ અને ટ્યુશન) પુરાં પડાય છે.
અક્ષય પાત્ર યુકેના ડાયરેક્ટર રાધિકા ઐયરે જણાવ્યું હતું કે,‘દિવાળીનો સમય આનંદ, આશા, પ્રકાશ અને પ્રેમમાં સહભાગી બનાવવાનો છે. આપણે અંધકાર પર જ્ઞાનના વિજયને ઉજવીએ છીએ. જે રીતે દિવાળી પ્રકાશ પ્રસરાવે છે તેમ અક્ષય પાત્ર દરરોજ લાખો બાળકોને આશા અને તક ઓફર કરે છે. અમે વિશ્વની સૌથી મોટી સ્કૂલ મીલ્સ ચેરિટી છીએ અને ભારતમાં દરરોજ 2.35 મિલિયન બાળકોને પોષણ પુરું પાડીએ છીએ અને હવે યુકેમાં પણ અમારી અસરને ફેલાવી રહ્યા છીએ. અમે બ્રિટનના અને ખાસ કરીને ભારતીય મૂળના લોકોના પ્રેમ અને સપોર્ટ થકી આમ કરવા સક્ષમ છીએ. અન્ન એ સલામતીનું પ્રથમ લક્ષણ છે અને મારાં મતે, શિક્ષણના હેતુસર ભૂખ્યાં બાળકોને અન્ન આપવું તે માનવી ઓફર કરી શકે તેવી સૌથી મહાન ભેટ છે.’
ચેરિટીનું કાર્ય તાકીદના બે પડકારો – નબળું પોષણ અને શૈક્ષણિક અસમાનતાને ઉકેલે છે. ઘણાં બાળકો ગરીબી અને ભૂખના કારણે ક્લાસરૂમમાં શીખવા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે. અક્ષય પાત્ર મોડેલ ચોકસાઈ રાખે છે કે એકેડેમિક સપોર્ટ સાથે સંપૂર્ણ ભોજનની સુવિધા બાળકોને તેમના વિકાસ માટે ઈંધણ અને ફોકસ પુરું પાડે છે. વધુ માહિતી માટે વેબસાઈટ https://akshayapatra.org.uk/diwaliની મુલાકાત અથવા [email protected]ને ઈમેઈલ કરી શકાય છે.