યુગાન્ડામાં આરોગ્ય અને શિક્ષણ માટે વેલફોરઆફ્રિકા દ્વારા ભંડોળ એકઠું કરાયું

Wednesday 14th December 2022 06:06 EST
 
ડાબેથી જમણેસેનેડના મેમ્બર જેની રેથબોન એમએસ, ટ્રસ્ટી પ્રોફેસર હાસ શાહ, સામાજિક ન્યાય મંત્ર જેન હટ એમએસ, ટ્રસ્ટી મૌરીન ઓવોર, કાઉન્સિલર હેલેન પેને, બેરીના મેયર નાહીદ બરદાઇ, એટલાન્ટિક કોલેજના પ્રિન્સિપાલ લેનટ્વિટ મેજર.
 

લંડન

ઇસ્ટર્ન યુગાન્ડામાં ટોરોરો ખાતે ચાલતા સખાવતી કાર્ય માટે ભંડોળ એકઠું કરવા 20 નવેમ્બર 2022ના રોજ કાર્ડિફમાં મરક્યુરી હોટેલ ખાતે વેલફોરઆફ્રિકા  દ્વારા ચેરિટી ફંડ રેઇઝિંગ ડીનરનું આયોજન કરાયું હતું. ટોરોરોમાં ચાલતી વાલેની પ્રવૃત્તિઓ માટે 1610 પાઉન્ડ સ્ટર્લિંગ એકઠાં કરાયાં હતાં. ચેરિટી ડીનરનું આયોજન કરનાર વેલફોરઆફ્રિકાના ટ્રસ્ટી પ્રોફેસર હાસ શાહે જણાવ્યું હતું કે, વેલફોરઆફ્રિકા બેરીસ વાલે ઓફ ગ્લેમોર્ગન સ્થિત રજિસ્ટર્ડ ચેરિટી છે. અમે ટોરોરો ખાતે એડવાન્સમેન્ટ ફોર કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ નામના અમારા પાર્ટનર સંગઠન સાથે મળીને ત્યાંના રહેવાસીઓ માટે સુધારેલા આરોગ્ય અને શિક્ષણના પરિણામો વિકસાવવા ગ્રામ્ય આધારિત પગલાં લઇએ છીએ.

ટોરોરોમાં અમારા વર્તમાન પ્રોજેક્ટ

હેલ્થકેર પ્રોવિઝનના સંદર્ભમાં અમારા દ્વારા એકઠું કરાયેલું ભંડોળ બેનેડિક્ટાઇન આઇ હોસ્પિટલ અને ટોરોરો જનરલ હોસ્પિટલ દ્વારા અપાતી આરોગ્ય સેવાઓના સપોર્ટ અને ઇક્વિપમેન્ટની ખરીદી માટે વપરાશે. વેલફોરઆફ્રિકાની સહાયથી આ બંને હોસ્પિટલ હજારો દર્દીઓને મહત્વની આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવે છે. કોરોના મહામારી પહેલાં વેલ્સ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની મદદથી ઓપ્ટોમેટ્રી અને ઓપ્થાલ્મોલોજીની ટીમોએ આ હોસ્પિટલો સાથે મળીને છેલ્લા પાંચ વર્ષમાં આઇ કેર કેમ્પનું આયોજન કરી 5000 કરતાં વધુ દર્દીઓને સેવા પૂરી પાડી હતી.

હાલમાં બે એજ્યુકેશન પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. એસીઇટીની રૂરલ લાયબ્રેરી ટોરોરોમાં કામ કરતી એકમાત્ર પ્રાઇવેટ લાઇબ્રેરી છે જે શાળાના વિદ્યાર્થીઓને વાંચન સામગ્રી ઉપલબ્ધ કરાવે છે. એકઠા કરાયેલા ભંડોળમાંથી લાયબ્રેરીની મરામત અને પાઠ્પુસ્તકોની ખરીદી કરાશે જેથી લાયબ્રેરીના 2600 કરતાં વધુ નોંધાયેલા સભ્યો સુરક્ષિત સ્થળમાં અભ્યાસ કરી શકે.

બીજો પ્રોજેક્ટ શાળાઓમાં પાણી પૂરું પાડવાનો છે જેના દ્વારા 32 પ્રાથમિક શાળા અને એક નર્સરી સ્કૂલને પીવાનું શુદ્ધ પાણી પુરુ પડાય છે. 9 વર્ષથી 8000 વિદ્યાર્થીઓની પીવાનું શુદ્ધ પાણી અને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પ્રોજેક્ટથી કન્યાઓને શાળાના સમય દરમિયાન પાણી મેળવવા માટે દૂર દૂર જવુ પડતું નથી. આ પ્રોજેક્ટના કારણે કન્યાઓના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો નોંધાયો છે.

ચેરિટી માટે અમારું વિઝન

વેલફોરઆફ્રિકા લાયબ્રેરીમાં આઇટી ટેકનોલોજીની જોગવાઇ કરીને શિક્ષણની ઉપલબ્ધતા અને ગુણવત્તા સુધારવા માગે છે. લાયબ્રેરીમાં શૈક્ષણિક વાંચન સાહિત્યને ઓનલાઇન કરવાની જોગવાઇ કરાઇ છે. વોટર ટુ સ્કૂલ પ્રોજેક્ટ દ્વારા પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાનું અને કન્યા શિક્ષણને સહાય આપવાનું જારી છે. જો 2023માં સુરક્ષિત હશે તો ફરી એકવાર આઇ કેર કેમ્પ શરૂ કરાશે. ત્યાં સુધી વાલેફોરઆફ્રિકા બંને હોસ્પિટલને ઇક્વિપમેન્ટ ખરીદવામાં મદદ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter