ડેનહામઃ અનુપમ મિશન દ્વારા ડેનહામમાં નિર્મિત યુરોપના પ્રથમ હિન્દુ, જૈન અને શીખ પરંપરા અનુસાર અંત્યેષ્ટિ સંસ્કાર માટેના સર્વાધુનિક ‘ૐ ક્રેમેટોરિયમ’નું લોકાર્પણ સંત ભગવંત સાહેબજીના પાવન સાન્નિધ્યમાં ભવ્ય અને ઐતિહાસિક રીતે સંપન્ન થયું. વર્ષોની તપશ્ચર્યા, સંકલ્પ અને સમાજના સહયોગથી સાકાર થયેલા આ કલ્યાણકારી પ્રકલ્પના શનિવારે યોજાયેલા લોકાર્પણ પ્રસંગે બ્રિટન સહિત વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં ભક્તો, સમાજના અગ્રણી પ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 1008 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી, ભાગવત કથાકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા, યોગાચાર્ય શ્રી રુદ્રાંશજી મહારાજ, લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જીતેશ ગઢિયા, લોર્ડ ક્રિશ રાવલ, સાંસદ બોબ બ્લેકમેન, સાંસદ શિવાની રાજા, પૂર્વ સાંસદ કીથ વાઝ, ઇસ્કોન યુકેના શ્રી વિશાખા દેવી દાસીજી સહિત ધાર્મિક, સામાજિક અને જાહેરજીવનના અગ્રણી મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સભાના પ્રારંભે શ્રી સતીશભાઈ ચતવાણીએ મહાનુભાવોને ભાવપૂર્વક આવકારતાં ૐ ક્રેમેટોરિયમ પ્રોજેક્ટને સાકાર કરવામાં હૃદયપૂર્વક સહયોગ આપવા બદલ દાતાઓ, વ્યાવસાયિકો અને સમાજના શુભેચ્છકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સમાજ માટે ગૌરવની ક્ષણઃ લોર્ડ પોપટ
લોર્ડ ડોલર પોપટે જણાવ્યું કે હિન્દુ ક્રેમેટોરિયમની કલ્પના સાકાર થવી એ સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ છે અને તેમાં પોતે માત્ર નિમિત્ત બન્યા હોવાનું જણાવ્યું હતું. શ્રી પ્રદીપભાઈ ધામેચાએ અનુપમ મિશનની માનવસેવાની ભાવનાને બિરદાવી સમાજને આવા સેવાકાર્યોમાં સહભાગી બનવા અનુરોધ કર્યો. લોર્ડ જીતેશ ગઢિયા, સાંસદ બોબ બ્લેકમેન અને પૂર્વ સાંસદ કીથ વાઝે પણ આ પ્રકલ્પને બ્રિટનમાં વસતા હિન્દુ, જૈન અને શીખ સમાજ માટે ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી અનુપમ મિશન અને સંતભગવંત સાહેબજીના સેવાકાર્યોને બિરદાવ્યા હતા.
ત્યારબાદ સંત ભગવંત સાહેબજી, વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી તથા અન્ય મહાનુભાવોએ ૐ ક્રેમેટોરિયમના મુખ્ય હોલમાં દીપ પ્રગટાવી, મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરી લોકાર્પણ વિધિ સંપન્ન કરી હતી. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ સભામંડપમાં વિશાળ એલઈડી સ્ક્રીન પર કરાયું હતું. આ પ્રસંગે યોગાચાર્ય શ્રી રામદેવજી મહારાજના વીડિયો આશીર્વાદ પણ પ્રસારિત કરાયા હતા, જેમાં તેમણે સંતભગવંત સાહેબજીના સેવાકાર્યોની પ્રશંસા કરતાં ૐ ક્રેમેટોરિયમના લોકાર્પણને સમગ્ર હિન્દુ સમાજ માટે ગૌરવની ઘટના ગણાવી હતી.
કાર્યક્રમ દરમિયાન ૐ ક્રેમેટોરિયમના આયોજનને સાકાર કરવામાં ઉલ્લેખનીય યોગદાન આપનાર દાતાઓ, સામાજિક આગેવાનો, સંસ્થાઓ તથા વ્યાવસાયિક સહયોગીઓને સદગુરુ સંતો દ્વારા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતા. જેમાં મીડિયા ક્ષેત્રે પ્રશંસનીય સેવા બદલ પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલ, શ્રી હેમંતભાઈ તેમજ અન્ય સમાજસેવકોનું પણ સન્માન કરાયું હતું.
અવિસ્મરણીય યોગદાનઃ વ્રજરાજકુમાર મહોદય
આશીર્વચનમાં વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ જણાવ્યું કે સંતભગવંત સાહેબજીએ મંદિર સાથે મોક્ષધામનું પણ સર્જન કરીને સમગ્ર હિન્દુ સમાજના ઇતિહાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. તેમણે આ કાર્યમાં સહયોગી બનેલા તમામ દાતાઓ અને સેવકોને ધન્યવાદ પાઠવતાં સૌને તાળીઓના ગડગડાટથી વધાવી લેવા અનુરોધ કર્યો હતો.
ૐ ક્રેમેટોરિયમ એટલે સહકાર-આશીર્વાદ
અને પ્રભુકૃપાનો સમન્વયઃ સાહેબજી
કાર્યક્રમના અંતે સંત ભગવંત સાહેબજીએ આશીર્વચન આપતા ૐ ક્રેમેટોરિયમના સંકલ્પથી સાકાર સુધીની સમગ્ર યાત્રાને વર્ણવી હતી. આ પ્રોજેક્ટ માટે સમાજના સહકાર, સંતોના આશીર્વાદ અને પ્રભુકૃપા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે હિન્દુ સમાજને એકતા, ભક્તિ અને સંસ્કારના માર્ગે આગળ વધવા પ્રેરણા આપતાં જણાવ્યું કે, ‘સંતોના યોગ વગર માહાત્મ્ય પ્રગટશે નહીં અને સંતો વગર પ્રભુ પમાશે નહીં’. તેમણે આગામી પેઢીને સત્સંગ અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી સમૃદ્ધ બનાવવા પણ સૌને પ્રેરણા આપી હતી.
કાર્યક્રમના અંતે ૐ ક્રેમેટોરિયમ પ્રોજેક્ટને સાકાર કરવામાં પ્રશંસનીય યોગદાન આપનાર શ્રી સતીશભાઈ ચતવાણી અને હંસાબહેનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિશાબહેને કર્યું. ઐતિહાસિક લોકાર્પણનો આ અવસર સહુ કોઇ માટે ગૌરવ, સંતોષ અને દિવ્ય અનુભૂતિ સાથે યાદગાર બની રહ્યો હતો.

