પીળાં વસ્ત્રોમાં સજ્જ યુવા બ્રિટિશ હિન્દુ મહિલા સાધ્વી બ્રહ્મચારિણી શ્રીપ્રિયા ચૈતન્ય આ વર્ષની પ્રતિષ્ઠિત લંડન મેરેથોનમાં ભાગ લેવા જઈ રહી છે. તેમના માટે આ માત્ર માત્ર શારીરિક પડકાર જ નહિ, પરંતુ એક આધ્યાત્મિક યાત્રા પણ છે. ચિન્મય મિશન યુકેની નિવાસી હિન્દુ સાધ્વી પ્રાચીન જ્ઞાન અને આધુનિક સ્થિતિસ્થાપકતાનું અનોખું મિશ્રણ રજૂ કરે છે. તેમની કથા મેરેથોનથી પણ આગળ વધી જાય છે. વર્તમાન ગતિશીલ વિશ્વમાં આધ્યાત્મિક સાધના કેવી રીતે આંતરિક શક્તિ અને સ્પષ્ટતા પ્રદાન કરી શકે છે તેનો પુરાવો છે.
બ્રહ્મચારિણી શ્રીપ્રિયા ચૈતન્યએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે મુલાકાતમાં મેરેથોન દોડવાની પ્રેરણા ક્યાંથી મળી, આધ્યાત્મિક તાલીમે તેમની તૈયારીને કેવી રીતે આકાર આપ્યો અને આ અનુભવ દ્વારા તેઓ કેવા ગહન બોધપાઠ લઈ જવા માગે છે તેના વિશે જણાવ્યું હતું.
લંડન મેરેથોન દોડવાનો પડકાર ઝીલવાની પ્રેરણા શેનાથી મળી અને કોઈ ખાસ ક્ષણ કે પ્રભાવે આ નિર્ણય લેવા પ્રેર્યા? તેવા પ્રશ્નના ઉત્તરમાં સાધ્વી શ્રીપ્રિયા ચૈતન્યએ જણાવ્યું હતું કે 2025માં CHYK (ગતિશીલ યુવા વિભાગ)ની 50મી વર્ષગાંઠ, 2026માં ચિન્મય મિશનની 75મી વર્ષગાંઠ, અને 2024માં સ્વામી ચિન્મયાનંદની 108મી ગુરુદેવ જયંતી જેવી ચિન્મય મિશનના વારસાની વિવિધ મહત્વની વર્ષગાંઠોની ઉજવણીની નજીક હોવાથી આ વર્ષ વિશેષ મહત્વ ધરાવે છે. આ ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી અને ચિન્મય મિશને આપણી કોમ્યુનિટીને આપેલા યોગદાનને સન્માનવાની મારી પદ્ધતિ છે. આ ઉપરાંત, દર વર્ષે ચિન્મય મિશનના સ્વયંસેવકો પોતાને આ પડકારને સમર્પિત કરે છે તેમના પ્રતિ આદરથી પણ પ્રેરણા સાંપડી છે.
મેરેથોન દોડવા માટે અપાર સમર્પણ અને દૃઢતા આવશ્યક રહે છે. તાલીમ અને દોડ દરમિયાન આધ્યાત્મિક સાધના અને વિશ્વાસથી મળતાં માર્ગદર્શન સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે આધ્યાત્મિક સાધના તાલીમપ્રક્રિયા અને દોડ દરમિયાન માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરે છે. આધ્યાત્મિકતા મૂળભૂતપણે મનની ઊંડી જાગૃતિ અને સમજણ કેળવવા વિશે છે. મેરેથોન શારીરિક પડકાર છે જે આગળ વધીને માનસિક લડાઈ બની જાય છે. આધ્યાત્મિક પાયો અવરોધોને દૂર કરી મર્યાદાઓથી પાર ઉતરવા આંતરિક શક્તિ, સ્થિતિસ્થાપકતા અને ધ્યાન પ્રદાન કરે છે.
તાલીમ હોય કે જીવનમાં યાત્રા મુશ્કેલ બને ત્યારે ધ્યાન કેન્દ્રિત અને પ્રેરિત રાખવામાં કોઈ ઉપદેશો કે અંગત અનુભવોની મદદ મળવા વિશે સાધ્વી શ્રીપ્રિયાએ જણાવ્યું હતું કે યાત્રા મુશ્કેલ બને ત્યારે તેઓ સ્વામી ચિન્મયાનંદે જીવનને બદલનારા વેદાંતિક જ્ઞાનને પ્રાપ્ત કરવા જે પડકારોનો સામનો કર્યો તેમાંથી તાકાત મેળવે છે. તેમના અથાક પ્રયાસો અને બલિદાનો મને આ મેરેથોનને કૃતજ્ઞતાના નમ્ર અર્પણ તરીકે જોવા પ્રેરે છે.
આધ્યાત્મિક આત્મશિસ્ત અને રમતગમતની શિસ્ત એકબીજા સાથે સંકળાયેલા હોય તો તમારા રોજિંદા જીવનમાં પરસ્પર એકરૂપ બની રહે છે તેવા પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે આ બંને શિસ્ત એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલી છે. બંનેમાં પોતાને સમજવાની, સતત પ્રયાસોની પ્રતિબદ્ધતા તેમજ માનસિક અને શારીરિક મર્યાદાઓથી પાર ઉતરવાની ક્ષમતાની જરૂર હોય છે. તેઓ સંપૂર્ણ આત્મ-જાગૃતિ અને નિયંત્રણની ભાવના કેળવી અરસપરસને મજબૂત કરે છે
તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રાચીન વેદિક અને આધ્યાત્મિક બોધપાઠ શાશ્વત જ્ઞાન પ્રદાન કરે છે જે આધુનિક સમયના તણાવ, ચિંતા અથવા બર્નઆઉટ જેવા પડકારોને પ્રત્યક્ષ લાગુ કરી શકાય છે. આ ઉપદેશો અર્થસભર જીવન જીવવાનું માળખું આપે છે. કર્મ યોગનું રહસ્ય સમજીને, આપણો અનન્ય હેતુ શોધી, અને મનનું અસરકારક સંચાલન કરવાનું શીખીને, આપણે આધુનિક જીવનની જટિલતાઓમાંથી પાર ઉતરી શકીએ છીએ.
સાધ્વી શ્રીપ્રિયા ચૈતન્યએ એવી માન્યતા દર્શાવી હતી કે લંડન મેરેથોન જેવી ઇવેન્ટ્સમાં ભાગ લેવાથી તેમને ચીલાચાલુ રીતરસમો તોડવામાં મદદ મળે અને વિવિધ સંસ્કૃતિઓ અને વિશ્વાસપ્રથાઓની વધુ પ્રશંસા પ્રાપ્ત કરી શકાય તેવી આશા છે. પ્રાચીન ડહાપણ અને આધુનિક પડકારો સુમેળપૂર્વક સહઅસ્તિત્વ ધરાવી શકે છે. તેઓ પૂર્વધારિત માન્યતાઓ પડકારી તેમજ હિન્દુ અથવા બ્રહ્મચારિણી હોવાનો અર્થ શું છે તેની ગહન સમજ માટે ખુલ્લાપણાને સ્થાન આપવાનું લક્ષ્ય ધરાવે છે.