યોગીજી મહારાજને રાજી કરવા ભગવા હૃદયવાળા સંતોએ સ્થાપેલી સંસ્થા એટલે અનુપમ મિશન

સંત ભગવંત સાહેબદાદાની નિશ્રામાં યોજાયા શ્રી યોગી આજ્ઞા મંત્ર દીક્ષા મહોત્સવ, ૐ ક્રિમેટોરિયમનું લોકાર્પણ અને અનુપમ મિશનની સુવર્ણ જયંતી

Wednesday 22nd July 2026 06:51 EDT
 
 

ડેનહામઃ અનુપમ મિશન-ડેનહામની પવિત્ર ભૂમિના આધ્યાત્મિક ઇતિહાસમાં બુધવારે સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું હતું. આ પ્રસંગે શ્રી ગુરુ આજ્ઞા મંત્રદીક્ષા મહોત્સવ, ૐ ક્રિમેટોરિયમનો ઉદ્ઘાટન સમારંભ અને અનુપમ મિશનની સુવર્ણ જયંતી મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમ રંગેચંગે યોજાયા હતા. સંત ભગવંત સાહેબદાદાના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલા આ પાવન અવસરે સદગુરુ સાધુ પૂ. અશ્વિનદાદાના 85મા પ્રાગટ્ય પર્વની પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી.

શુક્રવારે સવારથી જ અનુપમ મિશન પરિસર ભક્તિ, આનંદ અને ઉત્સાહના માહોલથી ગુંજી ઊઠ્યું હતું. સંત ભગવંત સાહેબદાદા, સદગુરુ પૂ. અશ્વિનદાદા અને જાણીતા કથાકાર પ.પૂ. ભુપેન્દ્રભાઈ પંડ્યા ભવ્ય રથમાં બિરાજમાન થઈને સભામંડપમાં પધાર્યા ત્યારે સમગ્ર ભક્તસમાજે ઊભા રહી ધ્વજ લહેરાવી, ભજન-કીર્તન અને નૃત્ય સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં મંચસ્થ મહાનુભાવોનું પૂજન અને હાર અર્પણ દ્વારા અભિવાદન કરાયું હતું. દીપ પ્રાગટ્ય બાદ સદગુરુ અશ્વિનદાદાના 85મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે વિશિષ્ટ સન્માન કરાયું હતું અને તેમણે મહોત્સવને વિધિવત્ ખુલ્લો જાહેર કર્યો હતો. દેશ-વિદેશથી પધારેલા સંતો, હરિભક્તો, યુવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિએ આ અવસરને ઐતિહાસિક બનાવી દીધો હતો.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સાધુ પૂ. હિંમતસ્વામીજીએ જણાવ્યું કે, ‘ગયા વર્ષે સંત ભગવંત સાહેબદાદાએ આપણને વચન આપ્યું હતું કે આવતા વર્ષે તેઓ આ મહોત્સવમાં પધારશે અને આજે તે દિવ્ય સંકલ્પ સાકાર થયો છે. દેશ-વિદેશમાંથી પધારેલા સંતો, હરિભક્તો, અનુપમ મિશનના વિવિધ કેન્દ્રોના સંતો, પ્રમુખો, યુવાનો-યુવતીઓ તેમજ પરમ પૂ. દિનકરદાદા, ભરતભાઈ સહિતના સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.’

આ અવસરે યુકેના પૂ. ડો. નિમ્મી તથા યુએસએના મિહિર અને રાજવી દ્વારા સંપાદિત આધ્યાત્મિક પુસ્તિકા ‘ભગવું હૃદય – A Way of Life’નું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે પ.પૂ. ભુપેન્દ્રભાઇ પંડ્યાએ આશીર્વચન આપતા કહ્યું હતું કે ‘જ્યાં સુધી મનુષ્યનું અંતરમન ‘ભગવું હૃદય’ બનતું નથી, ત્યાં સુધી ઈશ્વરની સાચી પ્રાપ્તિ થતી નથી. ભારતીય પરંપરાનું દર્શન જીવનને યોગ્ય દિશા આપે છે. આ પુસ્તિકામાં જીવનના ત્રણ અત્યંત મહત્ત્વના પ્રશ્નો ‘હું કોણ છું?’, ‘આ સૃષ્ટિ શું છે?’ અને ‘હું અહીં કેમ આવ્યો છું?’ રજૂ કરાયા છે તો સાથે સાથે જ આ ત્રણેય સવાલના સરળ અને ગહન જવાબો પણ રજૂ કરાયા છે. જે વ્યક્તિને આ ત્રણ પ્રશ્નોના ઉત્તર મળી જાય છે, તેનું જીવન ધન્ય બની જાય છે. આ મહોત્સવ સૌના જીવનને નવી દિશા આપે તેવી પ્રાર્થના.’

આશીર્વાદ પાઠવતા સંત ભગવંત સાહેબદાદાએ જણાવ્યું કે, ‘આ ચાર દિવસીય મહોત્સવ સૌના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ લાવનારો બની રહેશે. યોગીજી મહારાજે ‘ભગવા હૃદય’વાળા સંતો બનાવવાનો સંકલ્પ કર્યો હતો. 14 મે, 1966ના રોજ શાહીબાગ, અમદાવાદ મંદિરે વહેલી સવારે યોગીબાપાએ આજ્ઞા આપી હતી કે ‘તમારે ભગવા હૃદયવાળા સાધુ બનવાનું છે.’ અમે તે આજ્ઞાને નિઃશંક સ્વીકારી અને ગુરુ આજ્ઞાના માર્ગે આગળ વધ્યા.’
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘સાધુતા એટલે સર્વત્ર ભગવાનનું દર્શન કરવું. આ ગુણ માત્ર ત્યાગી સંતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ દરેક ગૃહસ્થ માટે પણ ઉપલબ્ધ છે. સ્વામિનારાયણ ભગવાને ગુણાતીત સાધુનો મહિમા સમજાવ્યો છે. જે આવા સંત સાથે આત્મબુદ્ધિથી જોડાય છે તેનું કલ્યાણ નિશ્ચિત છે. ભગવાનના ભક્તોની નિઃસ્વાર્થ સેવા કરતાં મુક્તિનું હૃદય ‘ભગવું હૃદય’ બની જાય છે.’

સંત ભગવંત સાહેબદાદાએ સદગુરુ અશ્વિનદાદાના જીવનને આદર્શ ગણાવતા જણાવ્યું કે, ‘85 વર્ષની વયે પણ તેઓ પોતાના ગુરુ અને ભગવાનને રાજી કરવા માટે અવિરત સેવામાર્ગે કાર્યરત છે. આ જ સાચા ‘ભગવા હૃદય’નું જીવંત સ્વરૂપ છે. યોગીજી મહારાજને રાજી કરવા ભગવા હૃદયવાળા સંતોએ જે સંસ્થાની સ્થાપના કરી, તે જ અનુપમ મિશન છે.’

તેમણે ૐ ક્રિમેટોરિયમ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, ‘એર કન્ડીશનિંગનું કાર્ય ચાલુ હોવાથી તેની નિયમિત સેવા લાભપાંચમથી શરૂ થશે, પરંતુ સતીષભાઈની હાર્દિક ઇચ્છા હતી કે તેનું ઉદ્ઘાટન સદગુરુ અશ્વિનદાદાના પ્રાગટ્ય પર્વના શુભ અવસરે જ કરવામાં આવે.’

અંતમાં સંત ભગવંત સાહેબદાદાએ સમગ્ર વિશ્વના કલ્યાણ તથા મહોત્સવની સફળતા માટે સૌને સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાવા પ્રેરણા આપી હતી. આમ આધ્યાત્મિક ઉલ્લાસ, ગુરુભક્તિ અને દિવ્ય સંકલ્પોથી ઓતપ્રોત આ ભવ્ય સમારંભ સાથે અનુપમ મિશનની સુવર્ણજયંતી મહોત્સવનો મંગલમય પ્રારંભ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter