લંડનઃ બ્રિટિશ સાઉથ એશિયન કોમ્યુનિટીઓ દ્વારા યુકેનું વૈવિધ્યસભર સાંસ્કૃતિક ફલક સમૃદ્ધ છે. આમ છતાં, બીજી અને ત્રીજી પેઢીના ગુજરાતીઓનો ઉછેર તેમના ભાષા, પરંપરાઓ અને ઈતિહાસના મર્યાદિત જ્ઞાન સાથે થયો છે. આ ખાઈને પૂરવા ગુજરાતી લોકસંગીત અને ભક્તિસંગીતને આત્મસાત કરનારાં ગાયિકા પ્રીતિબહેન વરસાણી અને શાસ્ત્રીય તાલીમબદ્ધ કથક નૃત્યાંગના મીરાબહેન સલાટે સાથે મળી રેડ લોટસ ઈવેન્ટ્સની સ્થાપના કરી હતી. તેમનું મુખ્ય ઈનિશિયેટિવ રંગીલું ગુજરાત ઉત્સવ 2016માં લોન્ચ કરાયો હતો, જે ગુજરાતી સંસ્કૃતિનો ગતિશીલ, સમાવેશી અને આધુનિક પદ્ધતિએ મહિમા ગાય છે.
આ વર્ષે બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા લાયસન્સને બહાલી અપાયા સાથે ‘એક માત્ર બિનધાર્મિક ભારતીય ઈવેન્ટ’ ઉત્સવનું આયોજન 5-7 સપ્ટેમ્બર દરમિયાન કિંગ્સબરીના રોએ ગ્રીન પાર્ક ખાતે કરવામાં આવ્યું છે. કેટલાક રહેવાસીઓ દ્વારા કિંગ્સબરી હાઈ સ્કૂલ નજીક ઘોંઘાટ પરત્વે ચિંતા વ્યક્ત કરાયાના પગલે આયોજકોએ સંસ્કૃતિની જોશપૂર્ણ છતાં વિચારણાપૂર્ણ ઊજવણીની ચોકસાઈ માટે કેટલીક શરતો માન્ય રાખી છે, જેમાં પરફોર્મન્સીસ શુક્રવારે મોડેથી શરૂ કરાશે અને અવાજનું લેવલ 65 ડેસિબલ્સથી વધારાશે નહિનો સમાવેશ થાય છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે મુલાકાતમાં મીરાબહેન સલાટે જણાવ્યું હતું કે,‘રંગીલું ગુજરાત ઉત્સવ તમામ વયના લોકો માટે તૈયાર કરાયો છે અને ગુજરાતી સંસ્કૃતિનું મહિમાગાન કરતા વૈવિધ્યસભર અનુભવોને પ્રદર્શિત કરે છે. ધ કિડ્ઝ વિલેજમાં આર્ટ્સ અને ક્રાફ્ટ્સ, ફેશન શોઝ તેમજ થેપલાં અને ઢોકળાં જેવી સ્વાદિષ્ટ વાનગીઓ માટે રસોઈના સેશન્સ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત, પતંગબાજી, 50 નિવૃત્ત મહિલાઓનાં ગાયકવૃંદ દ્વારા પરંપરાગત લગ્નગીતોની પ્રસ્તુતિ, થાળી ટેલ્સમાં ગ્રામ્યશૈલીમાં ભોજનના અનુભવો, કેરમ કોર્નર, કથાવાર્તા તેમજ સંગીત અને નૃત્ય દ્વારા દીવની કોમ્યુનિટીના માઈગ્રેશનને પ્રદર્શિત કરવા ‘વોયેજ ઓફ લેગસી’ જેવાં પરફોર્મન્સીસ સહિતનો સમાવેશ કરાયો છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘ કચ્છના રણનું પ્રતિનિધત્વ કરવા રેતી પર ગવાતા અનોખા ગરબા તેમજ યુકે, ભારત અને જર્મનીના નાટકોનો સમાવેશ પરફોર્મન્સીસમાં કરાયો છે. કઠપૂતળીની કળા (પપેટ્રી), કોમેડી, સ્થાનિક અને ઈન્ટરનેશનલ વેન્ડર્સ દ્વારા શોપિંગ સ્ટોલ્સ અનુભવોને વધુ સમૃદ્ધ બનાવશે. સવારના સમયના ઈવેન્ટ્સ 11am–6pm દરમિયાન ચાલશે અને ટિકિટની કિંમતમાં તેનો સમાવેશ થઈ જાય છે. સાંજના કાર્યક્રમોમાં શુક્રવારે ઓપન-એર સિનેમા, શનિવારે ગરબા અને રવિવારે હોળીની ઊજવણીનો સમાવેશ કરાશે.’
રંગીલું ગુજરાત જેવાં ઈવેન્ટ્સ લંડનમાં યોજવાના મહત્ત્વ સંદર્ભે મીરાબહેન સલાટે જણાવ્યું હતું કે,‘યુકેમાં જન્મેલા ઘણા ગુજરાતીઓ માટે આપણા ગ્રાન્ડપેરન્ટ્સે અનુભવેલી સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતનો સંપર્ક ગુમાવી દેવાનું ઘણું સહેલું છે. તેને આગળની પેઢીઓ સુધી જીવંત રાખવા કળાનું માધ્યમ શ્રેષ્ઠ છે. સંગીત, નૃત્ય અને વિઝ્યુઅલ કળાઓ થકી આપણે કોમ્યુનિટીઓને સાંકળીએ છીએ, વિરાસત વિશે ગર્વ તેમજ લોકોમાં પોતાનો સમાવેશ થતો હોવાની લાગણીઓ ઉત્પન્ન કરીએ છીએ. 2016માં લોન્ચ કરાયેલા રંગીલું ગુજરાત જેવા ઈવેન્ટ્સ જાતિ-જ્ઞાતિ અથવા ધર્મના બાધ વિના દરેક માટે ખુલ્લો મંચ પૂરો પાડે છે. આ પછી, ગુજરાતી કળાઓ, ભાષા, ફૂડ અને પરંપરાઓમાં રસ જાગ્રત થયો છે, જે આપણી સંસ્કૃતિને જોશપૂર્ણ અને સુલભ બનાવી રાખવામાં ઉત્સવની ભૂમિકા દર્શાવે છે.’