લંડનઃ રશક્લિફ કાઉન્સિલના મેયર જ્હોન કોટી દ્વારા રવિવાર 16 નવેમ્બર, 2025ના દિવસે નવનિર્મિત સમર્પણ મેડિટેશન યોગ રીટ્રીટ સેન્ટરનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમર્પણ મેડિટેશન ટ્રસ્ટ યુકેએ મેયર જ્હોન કોટી અને તેમના પત્નીનું સ્વાગત કર્યું હતું. યુનાઈટેડ કિંગ્ડમમાં સમર્પણ મેડિટેશનના 25 વર્ષ પૂર્ણ થયા હોઈ સમર્પણ મેડિટેશન યોગ રીટ્રીટ સેન્ટરના ઉદ્ઘાટનનો ઈવેન્ટ શ્રી શિવકૃપાનંદ સ્વામી ટ્રસ્ટ માટે સીમાચિહ્નરૂપ બની રહ્યો હતો.
આ ઈવેન્ટમાં પૂર્વ ટ્રસ્ટીઓ, એરિયા હેડ્સ, સેન્ટરના કોઓર્ડિનેટર, કોમ્યુનિકેશન્સ ટીમ, કન્સ્ટ્રક્શન ટીમ અને અસંખ્ય સમર્પિત સ્વયંસેવકો એકત્ર થયા હતા, જેમના સંયુક્ત પ્રયાસોએ સેન્ટરના સફળ વિકાસ અને લોન્ચિંગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી પારસભાઈ મેઈશ્રીના નેતૃત્વ, વર્તમાન ટ્રસ્ટીઓ મનસુખભાઈ શાહ અને એમ્મા ડોલમાન તેમજ સલાહકાર દીલિપભાઈ પટેલના સપોર્ટ સાથે આ ઈવેન્ટને ભારે સફળતા હાંસલ થઈ હતી અને લોકોએ તેને ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો.
રશક્લિફ કાઉન્સિલના મેયર જ્હોન કોટીએ સત્તાવારપણે રિબન કાપીને મેડિટેશન હોલને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. ઉદ્ઘાટન પછી માર્ગદર્શન હેઠળ ધ્યાનનું સત્ર, ઊજવણીના ટોસ્ટ અને હળવાં રિફ્રેશમેન્ટનો કાર્યક્રમ ચાલુ કરાયો હતો. ધ્યાન કેન્દ્ર હવે સંપૂર્ણપણે કાર્યરત થયું હોવાથી મુલાકાતીઓને મુલાકાત અગાઉ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે, જેથી વોલન્ટીઅર્સ વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે અને મહેમાનો પવિત્ર, કુદરત સાથે જોડાયેલા નિર્મળ વાતાવરણનો સંપૂર્ણ લાભ મેળવી શકે.
શ્રી શિવકૃપાનંદ સ્વામી દ્વારા ભારતમાં 1999માં સ્થાપિત સમર્પણ મેડિટેશન 2025 સુધીમાં વિશ્વના 72થી વધુ દેશમાં વિસ્તર્યું છે અને લાખો લોકો તેનો લાભ લઈ રહ્યા છે. તેની સરળ અને સુલભ પદ્ધતિ તમામ ક્ષેત્રના લોકોને ગાઢ શાંતિ અને આધ્યાત્મિક વિકાસનો અનુભવ કરવા શક્તિમાન બનાવે છે. સમગ્ર વિશ્વમાં સમર્પણ મેડિટેશન સંપૂર્પણે નિઃશુલ્ક ઓફર કરાય છે.અને તેનો નિભાવ સ્વૈચ્છિક યોગદાનો થકી થાય છે. સમર્પણ મેડિટેશન ટ્રસ્ટ યુકેના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર સમર્પણ મેડિટેશન યોગ રીટ્રીટ સેન્ટર માનસિક સ્પષ્ટતા, આધ્યાત્મિક ઉત્થાન અને કુદરત સાથે ગાઢ સંપર્ક ઈચ્છતી કોઈ પણ વ્યક્તિ માટે પવિત્રસ્થળ બની રહે તે રીતે તૈયાર કરાયું છે.ધ્યાન પ્રકૃતિની અમૂલ્ય દેણ છે. સેન્ટરના નિભાવ અને વિકાસ માટે દાન આવકાર્ય છે. www.samarpanmeditationuk.orgવેબસાઈટની મુલાકાત લઈ વધુ માહિતી મેળવી શકો છો.


