રિશિ સુનાકે CFI દ્વારા આયોજીત વર્ચ્યુઅલ દિવાળી ઉજવણીમાં ભાગ લીધો

Tuesday 24th November 2020 16:05 EST
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFI) દ્વારા આયોજિત દિવાળીની વર્ચ્યુઅલ ઉજવણીમાં ભાગ લીધો હતો. કાઉન્સિલર રીના રેન્જર અને કાઉન્સિલર અમિત જોગીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૫૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમાંના મોટાભાગના પક્ષના સભ્યો હતા અને તેમને પ્રશ્ર પૂછવાની તક અપાઈ હતી. ખાસ કરીને ઈન્ડિયન ડાયસ્પોરાના ઉભરતા રાજકારણીઓ માટે રિશિ સુનાક પ્રેરણારૂપ છે.

દિવાળી દરમિયાન રિશિ સુનાક ૧૧ ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના નિવાસસ્થાન બહાર દીવા પ્રગટાવતા જોવા મળ્યા હતા. બ્રિટનના ઈતિહાસમાં તેઓ પોતાના ઘરે દિવાળી ઉજવનારા પ્રથમ ચાન્સેલર હતા. તેમણે કહ્યું,‘ આ અમારું ઘર છે અને તે મુખ્ય બારણું છે. હું જાણું છું કે મારા પરિવારના સૌ માટે તે મહત્ત્વનું છે અને લોકો તે જુએ તેમ હું ઈચ્છું છું. હું જ્યાંથી આવ્યો તેના માટે મને ખૂબ ગર્વ છે. આપણે આપણી ઓળખ અને બેકગ્રાઉન્ડથી શરમાવું ન જોઈએ. મને આશા છે કે તેનાથી તમને પણ આપણી સંસ્કૃતિ અને વીરાસત વિશે ગર્વ થયું હશે.

સુનાકે તેમના માતાપિતાની માફક સમાજને પાછું આપવા માટે રાજકારણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું કે માતાપિતાને લીધે જ તેઓ રાજકારણમાં ગયા છે. તેમના પિતા જીપી છે અને માતા ફાર્માસિસ્ટ છે. તેઓ તેમની માતાની ફાર્મસીમાં ડિસ્પેન્સરી આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેઓ પ્રિસ્ક્રિપ્શન ડિલિવરી કરતા હતા. તેમના માતાપિતાએ પણ ૩૦ વર્ષ અગાઉ સુનાક જેવું કામ કર્યું હતું અને ઘણાં લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા હતા. પોતે પણ તેમ જ કરવા માગે છે. પરંતુ, એક સારા સ્થાનિક સાંસદ બનીને અને પોતાની રીતે કરશે.

તેમણે જણાવ્યું કે તેમને સસરા પક્ષ તરફથી અલગ અલગ રીતે વધારાની પ્રેરણા મળી હોવાથી તે પોતાને ભાગ્યશાળી માને છે. તેમના સસરાએ શૂન્યમાંથી સર્જન કરીને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બિઝનેસ ઉભો કર્યો અને સોફ્ટવેર તથા આઈટીની બાબતમાં ભારતને વિશ્વના નક્શા પર મૂકી દીધું. તેમના સાસુ ભારતમાં લાખો લોકોના જીવનમાં સારું પરિવર્તન લાવી શક્યા છે. સુનાકે ઉમેર્યું,‘તેમણે જે હાંસલ કર્યું તેનાથી મને સમજાયું કે આપણે જીવનમાં સફળ થવું હોય તો ખૂબ મોટા જનસમૂહ પર પ્રભાવ પાડવો જોઈએ અને તે મને રાજકારણમાં સફળ થવા માટેની બીજી પ્રેરણા હતી.’

સુનાકના લગ્ન ભારતના બિલ્યોનેર અને ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિના પુત્રી અક્ષતા મૂર્તિ સાથે થયા છે.

બ્રિટનમાં કોરોનાને લીધે ઘણાં લોકોના મૃત્યુ થયાં હોવાથી દેશમાં પૂરતી સુવિધા રહે તે માટે તેઓ અને વડા પ્રધાન બોરિસ જહોન્સન વિદેશી સહાય પર કાપ મૂકશે તેમ મનાય છે.

બ્રેક્ઝિટ પછીના સમયમાં ભારત સાથે સારા સંબંધ વિશે સુનાકે જણાવ્યું કે આપણે આપણી ક્ષિતિજને વિસ્તારવા માટેની તકનો ઉપયોગ કરવો જોઈએ. આપણી વચ્ચે આર્થિક અને નાણાંકીય મંત્રણા થઈ અને તેને ભારે સફળતા મળી હતી. આપણે વ્યાપાર ક્ષેત્રે તેમજ બન્ને દેશ વચ્ચેના સંબંધને સુધારી રહ્યા છીએ. આ દિશામાં હજુ પણ કેટલીક નવી પહેલ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter