લંડનઃ પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તેમનું સન્માન કરવા બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ઓફ બ્રિટિશ જ્યુઝ દ્વારા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 22 જુલાઈની રાત્રે આયોજિત વિશેષ ઈવેન્ટમાં જ્યુઈશ કોમ્યુનિટીના અસાધારણ યોગદાનની પ્રશંસા કરી હતી.
જ્યુઈશ કોમ્યુનિટીના મહેમાનો સમક્ષ સુનાકે જણાવ્યું હતું કે, ‘તમારી સાથે ઉભા રહેવામાં મને ગૌરવ અને સન્માનની લાગણી થાય છે. અન્યો કરતાં અલગ હોવું તેમજ તમે જેવાં છો તેવા હોવાના કારણસર તમારા અને તમારી કોમ્યુનિટી પ્રત્યે તિરસ્કારને અનુભવવો કેવું હોય તે હું જાણું છું. પોતાની વિરાસત અને બ્રિટિશનેસ માટે ગર્વ અનુભવતી કોમ્યુનિટીનો હિસ્સો બનવાનું શું હોય, સમાજમાં વિવિધ પશ્ચાદભૂ સાથેના અન્ય લોકો સાથે હળીમળી જતી કોમ્યુનિટીનો હિસ્સો બનવાનું શું હોય તે પણ હું જાણું છું. આપણી ગૌરવશાળી બહુવંશીય લોકશાહીને તમારું યોગદાન અસાધારણ છે.’ સુનાકે ઉમેર્યું હતું કે,‘તમારી દયા અને હૂંફ દર્શાવી મને આમંત્રિત કરવા માટે હું આભારી છું. તમે તમારી કોમ્યુનિટીઓ અને સમાજ માટે અને તે ઉપરાંત, આપણા દેશ માટે જે કાંઈ કરો છો તે બધા માટે હું આભાર વ્યક્ત કરું છું.’
બોર્ડ ઓફ ડેપ્યુટીઝના પ્રેસિડેન્ટ ફિલ રોસેનબર્ગે 7 ઓક્ટોબરના હુમલાઓ પછી જ્યુઈશ સમુદાયને સલામત સ્થળ બનાવી આપવામાં રિશિ સુનાકની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે,‘આપણે વધુ મજબૂત સાથીની ઈચ્છા કરી શક્યા ન હોત. આપણે ખરેખર ચિંતામાં હતા ત્યારે આપણી કોમ્યુનિટીને જાળવી રાખવામાં મિત્રતા અને હૂંફ પૂરી પાડી હતી. ઈઝરાયેલ રાષ્ટ્ર પ્રત્યે તમે જે મિત્રતા દર્શાવી તેની કોમ્યુનિટી સરાહના કરે છે. તમે કોમ્યુનિટીની સુરક્ષા એવા સ્તરે પહોંચાડી જે અગાઉ કદી જોવા મળી ન હતી.’
આ ઈવેન્ટમાં ઝાકી કૂપરે પણ સંબોધન કર્યું હતું. લોર્ડ્સ ખાતે તેમણે અને ડેનિયલ લાઈટમેન દ્વારા તૈયાર કરાયેલા જ્યૂઝ ઈન ક્રિકેટ એક્ઝિબિશન વિશે વાત કરી હતી.