લંડનઃ રેડ લોટસ ઈવેન્ટ્સ CIC દ્વારા ગુરુવાર 1 મે 2025ના દિવસે લીજેન્ડ્સ ઓફ લેગસીની યજમાની કરવામાં આવી હતી. આ સાંજ ઉત્સાહ, હેતુ તેમજ યુકેમાં ગુજરાતી વિરાસતના જતનની ગાઢ પ્રતિબદ્ધતાથી ભરપૂર હતી. આ ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત અભિનેતા અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ નીતિનભાઈ ગણાત્રા મહેમાન વક્તા હતા જેમની ઉપસ્થિતિએ યુકેમાં સાઉથ એશિયન પ્રતિનિધિત્વના વિસ્તરી રહેલા ફલક બાબતે વિશેષ સમજ સાથે રાત્રિને પરિપૂર્ણ બનાવી હતી.
ઈવેન્ટમાં રેડ લોટસ ઈવેન્ટ્સ CIC અને જેની ભારે આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવા રંગીલું ગુજરાત 2025 પાછળના ગતિશીલ પરિબળોમાં એક મીરા સલાટ પર સ્પોટલાઈટ રહ્યું હતું. મીરાબહેને શક્તિશાળી અને્ હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું. પરંપરાને સન્માનિત કરતા અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપતા અર્થસભર ઈવેન્ટ્સ મારફત કોમ્યુનિટીનાં સાંસ્કૃતિક મૂળિયાંને જીવંત રાખવાના સંસ્થાના લક્ષ્ય વિશે અંતરમનથી રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રંગીલું ગુજરાત માત્ર કોઈ ઈવેન્ટ નથી પરંતુ, સાંસ્કૃતિક ગૌરવ અને અરસપરસને સાંકળતી કડી હોવા સાથે વાર્તાકથન, મ્યુઝિક, ફૂડ, ફેશન અને વૃદ્ધિ પામવાની ઓળખના પ્લેટફોર્મ્સની રચનાનું આંદોલન છે.
મહેમાનોએ લાગણીશીલતા અને રંગીલું ગુજરાત 2025ને સપોર્ટ કરવાની તથા તેનો હિસ્સો બની રહેવાની પ્રેરણા સાથે ઈવેન્ટમાંથી વિદાય લીધી હતી. તેમના પ્રતિભાવોનો વિષય એક જ રહ્યો હતો તે તેમણે જોશ-ઉત્સાહ અનુભવ્યા હતા અને તેઓ તેની સાથે સંકળાવા ઈચ્છુક છે.
આ સફળ સાંજે આ સપ્ટેમ્બરમાં યોજાનારી અભૂતપૂર્વ ઊજવણીનું વાતાવરણ રચ્યું હતું. રંગીલું ગુજરાત 2025 ઈવેન્ટ શુક્રવાર 5 થી રવિવાર 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન લંડનના કિંગ્સબરીમાં રોએ ગ્રીન પાર્ક ખાતે યોજાશે. ટિકિટ સહિતની માહિતી માટે www.redlotusevents.com વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી છે.