લંડનઃ ઐતિહાસિક રોયલ આલ્બર્ટ હોલ ખાતે 11 નવેમ્બરે યોજાએલી મ્યુઝિક ફોર યુથ ફાઈન્લ્સમાં HABS તબલા એન્સેમ્બલ અને સ્ટ્રીંગ્સ એન્સેમ્બલ દ્વારા પ્રસ્તુત પરફોર્મન્સે ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવ્યું હતું, જે યુવા પરફોર્મર્સ અને તેમની સ્કૂલ માટે અભૂતપૂર્વ સિદ્ધિ બની રહી હતી. હાબેરડેશર્સ એલસ્ટ્રી સ્કૂલ્સનું પ્રતિનિધિત્વ કરનારામાં રુદ્ર સચદેવ, વીર સુમરીઆ અને અર્જુન પટેલ, કાયલાન સોઢા, ધ્યાના હારીઆ, કાઈડેન લિ, લુકાસ મિઆઓ, ધ્રીશાન પાન્ડે, અલિક સુબદિન અને પ્રણય રાજપૂત સહિતનો સમાવેશ થયો હતો, જેમના અદ્ભૂત પરફોર્મન્સને ઉપસ્થિત મહેમાનો અને નિર્ણાયકોએ વધાવી લીધું હતું.
આ ઈવેન્ટ યુકેની સૌથી કુશળ મ્યુઝિકલ પ્રતિભાઓને પ્રદર્શિત કરવા માટે પ્રખ્યાત છે. જુલાઈમાં તેઓ બર્મિંગહામ ખાતે યોજાએલી સ્પર્ધાથી સેમીફાઈનલ્સમાં આવ્યા હતા. મ્યુઝિક ફોર યુથ પ્રોમ્સ રાષ્ટ્રીય ઈનિશિયેટિવ છે જે શ્રેણીબદ્ધ કોન્સર્ટ્સ અને સ્પર્ધાઓ માટે દેશભરમાંથી હજારો યુવા મ્યુઝિશિયન્સને આમંત્રે છે અને દર વર્ષે રોયલ આલ્બર્ટ હોલ ખાતે ફાઈનલ યોજાય છે. આ ફાઈનલમાં પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલ્સના હજારો વિદ્યાર્થીઓ સંગીતસ્પર્ધાને માણવા એકત્ર થયા હતા.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના બનેલા HABS એન્સેમ્બલને અસાધારણ સંગીતકારોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે, જેઓ વાઈબ્રન્ટ પરફોર્મન્સ અને ઈનોવેટિવ મ્યુઝિકલ ફ્યુઝન માટે જાણીતા બન્યા છે. મ્યુઝિક ફોર યુથની ફાઈનલમાં ટેકનિકલ કૌશલ્યની સાથોસાથ ક્લાસિકલ અને કન્ટેમ્પરરી પરંપરાઓ તરફ પ્રતિબદ્ધતા જોવાં મળી હતી.
ગુરુ આલોક વર્માના તાજેતરના કમ્પોઝિશન ‘તબલા કોન્સર્ટો’એ પ્રોમો સીરિઝ દરમિયાન ભારે દાદ હાંસલ કરી હતી. લંડનસ્થિત પ્રોડ્યુસર, પરફોર્મર અને લાઈવ લૂપિંગ આર્ટિસ્ટ ગુરુ આલોક વર્મા HABSના પરક્યુશન અને ફ્યુઝન મ્યુઝિક ઈનોવેટિવ અભિગમ પાઠળનું પરિબળ બની રહ્યા છે. તેમણે માત્ર સાત વર્ષની વયથી તબલાનો અભ્યાસ શરૂ કર્યો હતો. સઘન તાલીમ પછી તેમણે ઈઆન એન્ડરસન, ડો. એલ સુબ્રમણ્યમ, એરિક ટ્રુફાઝ અને જુલિઅન જોસેફ જેવા દિગ્ગજો સાથે જુગલબંદી કરેલી છે. તેમણે ભારતની ક્લાસિકલ તબલા સોલો કોમ્પિટિશન સહિત નેશનલ પ્રસંશા પ્રાપ્ત કરવા ઉપરાંત, યુકેના પ્રવાસ પહેલા ફિલ્મો અને બ્રોડકાસ્ટ્સમાં તબલાવાદન કર્યાં છે. હાલમાં તેઓ હાબેરડેશર્સ બોઈઝ સ્કૂલ અને વર્લ્ડ હાર્ટ બીટ એકેડેમીમાં ભારતીય તાલવાદ્યો શીખવે છે અને સંગીતકારોની નવી પેઢીઓને પ્રેરણા આપે છે.


