લંડનઃ હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) 20 કરતાં વધુ વર્ષથી ચેપ્લન્સી બાબતે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (MoD) સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે. 2003માં આર્મીમાં આપણા પ્રથમ હિન્દુ ચેપ્લિનની નિમણૂંક કરવામાં આવી હતી. 2023માં રોયલ નેવી દ્વારા હિન્દુ ચેપ્લિનની જગ્યા ઉભી કરવામાં આવી હતી જેના માટે પંડિત ભાનુ પ્રકાશ અત્રિના નામની ભલામણ કરાઈ હતી.
પંડિત ભાનુ પ્રકાશ અત્રિ શારીરિક અને માનસિક સ્વસ્થતાની ફિટનેસ ધરાવે છે, આસ્થા અને ફિલોસોફીના સિદ્ધાંતો માને છે, હિન્દુ આધ્યાત્મિક ડીગ્રી કક્ષાને સમકક્ષ શિક્ષણની પ્રોફેશનલ લાયકાત તેમજ નેતૃત્વની ક્ષમતામાં અનુભવ ધરાવે છે અને બ્રિટિશ સભ્યતામાં એકીકરણના સામાન્ય અભિગમ, આધ્યાત્મિકતા અને ઈન્ટરફેઈથ સંબંધોની મજબૂત ભાવનાની સાથોસાથ સારું ઈંગ્લિશ કોમ્યુનિકેશન કૌશલ્ય પણ ધરાવે છે.
HCUK દ્વારા મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ખાતે 2008માં વર્લ્ડ ફેઈથ્સ ચેપ્લન્સીની શરૂઆત કરવામાં આવી હતી. ફેઈથ એન્ડ બિલિફ વર્કિંગ ગ્રૂપની બેઠકોમાં તમામ ધર્મોના ચેપ્લિન્સને તાલીમ આપવા પર ધ્યાન અપાતું રહ્યું છે.હિન્દુ યુવકો દ્વારા ઘણી વખત MoDની કારકિર્દીઓને નજરઅંદાજ કરવામાં આવે છે. HCUK મંદિરોમાં કોમ્યુનિટી બેઠકોનું પ્રમાણ વધારી જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરશે. વિશ્વના તમામ ખૂણેથી બ્રિટિશ હિન્દુઓ અહી સ્થિર વસવાટ કરી રહ્યા છે. આપણી આધ્યાત્મિક ભૂમિ ભારત હોવાં છતાં, યુનાઈટેડ કિંગ્ડમ આપણી કર્મભૂમિ છે અને MoD આપણા સંરક્ષક હાથનું પ્રતિનિધિત્વ કરે છે.