લંડનઃ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-યુકે દ્વારા હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનું દિવ્ય આયોજન થયું હતું.છેલ્લા 17 વર્ષથી યોજાતા આ સેમિનારનો આરંભ રથયાત્રા મહોત્સવથી થયો હતો. સમગ્ર વાતાવરણ 'જય રણછોડ... માખણ ચોર' અને ‘અપને હાથ... જગન્નાથ’ના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. સ્વામી માધવપ્રિયદાસજીએ ભગવાન જગન્નાથજીનું ભાવપૂજન કરી આરતી ઉતારી હતી.
સ્વામીશ્રીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો મહિમા સમજાવતા કહ્યું, આ યાત્રા હિંદુ સમાજની સમરસતાની યાત્રા છે. આ યાત્રામાં રાજા, રંક, ઊંચ, નીચ, નાત્ય, જાત્ય સર્વ ભેદભાવ ભૂસાય જાય છે.
વિશેષમાં સ્વામીજીએ જણાવ્યું કે, આજે કચ્છી ભાઈઓનું નૂતન વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત આજના મંગલ દિવસે પ્રાચીન ગુરૃકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો 124મો જન્મદિવસ પણ છે. ગુરુદેવે ભગવાન સ્વામિનારાયણના સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સેવાકાર્યોના સંદેશના પ્રસાર પ્રચાર માટે સમગ્ર જીવન અર્પણ કરી દીધું હતું. પરિણામે હજારો વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારોની સુગંધ પ્રગટી હતી.
આ ત્રિદિનાત્મક સેમિનારમાં પૂજ્ય સ્વામીજીએ વેદ, ઉપનિષદ્, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, વચનામૃત અને શિક્ષાપત્રી વગેરે ગ્રંથોનો મહિમા સમજાવ્યો હતો. વિશેષમાં સ્વામીશ્રીએ શિક્ષાપત્રીને આધારે હિંદુઓની દિનચર્યા કેવી હોય તેની સારી રીતે સમજ આપી હતી.
પ્રશ્નોત્તરી દરમિયાન સ્વામીશ્રીએ હિંદુધર્મની વ્યાખ્યા શું છે? ગૃહસ્થજીવનને સફળ કરવા માટે શું કરવું જોઈએ? વગેરે અનેક પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા હતા.
પૂ. સ્વામીજીની અમૃતવાણીનો લાભ લેવા માટે લંડન ઉપરાંત ઈંગ્લેન્ડના વિવિધ વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો દરરોજ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન સ્વામી સાથે પધારેલા સંતોએ સ્વામી રામસુખદાસજી, સ્વામી ભક્તિવેદાંતદાસજી, સ્વામી વિશ્વમંગલદાસજી, સ્વામી નિરંજનદાસજી, સ્વામી શુકવલ્લભદાસજી, સ્વામી સર્વમંગલદાસજીએ શિક્ષાપત્રી આધારિત વિવિધ વિષયો ઉપર સુંદર પ્રવચનો કર્યા હતા.
સેમિનાર દરમિયાન વેલજીભાઈ વેકરિયાએ કુશળતાપૂર્વક સભા સંચાલન કર્યું હતું. આ પ્રસંગે કે. વરસાણી (નાઈરોબી), રવજીભાઈ વરસાણી (ટાન્ઝાનિયા), શશીભાઈ વેકરિયા (વાસક્રોફ્ટ), મનુભાઈ રામજી (કિંગ્સ કીચન), શામજીભાઈ (જે. શ્યામ ગૃપ) આદિક સમાજ શ્રેષ્ઠીઓ, બોબ બ્લેકમેન-એમપી, હેરોના મેયર અંજનાબેન પટેલ, કાઉન્સિલર તારીક મહમદ, હિતેશ ટેલર, કાંતિ રાબડીયા, નિતેશ હિરાણી આદિક મહાનુભાવો, ડો. સ્ટીવન ડર્બી (યહુદી કમ્યુનીટી), કચ્છી લેવા પટેલ સમાજ, વડતાલ ધામ-લંડન, શ્રી જલારામ મંદિર, એશિયન ફાઉન્ડેશન વગેરે સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર દરમિયાન લંડનના બાળકો અને યુવાનોએ તેમજ બાલિકાઓ અને યુવતીઓએ અદ્ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમણે પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારની સાથે યૂથ કેમ્પનું આયોજન થયું હતું. જેમાં નાના બાળકોને સંસ્કાર સિંચન કરનારી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
આ સેમિનારને સફળ કરવા માટે સંતો તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર ગોવિંદભાઈ કેરાઈ, રવજીભાઈ હિરાણી, ગોવિંદભાઈ રાઘવાણી, દિનેશભાઈ જાદવા, સૂર્યકાંતભાઈ વરસાણી વગેરે સ્વયંસેવકો તેમજ ઉત્સાહી બહેનોએ ખૂબ જ ભાવપૂર્વક પુરુષાર્થ કર્યો હતો.