લફબરોની મોઈરા સ્ટ્રીટસ્થિત હિન્દુ મંદિર BAPSશ્રી સ્વામિનારાયણ મંદિરનાં દ્વાર 10 સપ્તાહના નવીનીકરણ પછી રવિવાર 10 ઓગસ્ટે ભક્તજનો માટે ખુલ્લાં મૂકાયાં હતાં. દાન અને ફંડરેઈઝિંગ ઈવેન્ટ્સ મારફત એકત્રિત ભંડોળ અને વોલન્ટીઅર્સના સમર્પિત કાર્ય સાથે નવીનીકરણ કરાયેલું મંદિર વધુ તેજસ્વી અને પ્રેરણાદાયી બન્યું હોવાનું મંદિરના વહીવટકારોએ જણાવ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદ સાથે લફબરોના BAPSશ્રી સ્વામિનારાયણ મંદિરનું નવીનીકરણ સંપન્ન થયું હતું. યુકેમાં 14 BAPS મંદિરોના પરિવારમાં લફબહરો મંદિરની નવસજાવટ અને મૂર્તિસ્થાપન તમામ માટે આનંદનું સીમાચિહ્ન બની રહ્યું છે. સમર્પણ, સંસ્કૃતિ અને નિઃસ્વાર્થ સેવાના સામૂહિક ઉત્સાહનું પ્રતીક બન્યું છે. આ મંદિર માત્ર પૂજાસ્થળ નથી, પરંતુ કોમ્યુનિટીના સભ્યો શાંતિ, સંવાદિતા અને સેવા માટે એકત્ર થઈ શકે તેવું આવકાર્ય સ્થળ છે તેમ અભિનંદન સંદેશામાં જણાવાયું હતું.
લફબરો મંદિર મહોત્સવમાં શનિવારે સવારે આસપાસની શેરીઓમાં સરઘસ સાથે પુનઃ ઉદ્ઘાટનની ઊજવણી કરાઈ હતી અને રવિવારે મંદિરમાં અભિષેક-પ્રતિષ્ઠાપન કાર્યો સંપન્ન કરાયા હતા. મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે ઊજવણી કરાઈ હતી, જેમાં વયોવૃદ્ધો, બાળકો અને યુવાવર્ગે ભાગ લીધો હતો. ત્રીજા દિવસે સ્વામીઓ અને સેંકડો ભક્તજનોની હાજરીમાં મૂર્તિપ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન, સંખ્યાબંધ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. ત્રણ દિવસની ઊજવણી સ્વામીઓની હાજરીમાં સાંધ્યઆરતી અને ધર્મસભા સાથે સમાપ્ત થઈ હતી.
અગ્રેસર વોલન્ટીઅર વિનય સુતરીઆએ જણાવ્યું હતું કે,‘ઘણા લોકો માટે મંદિર બીજું ઘર છે. આથી, આ પ્રોજેક્ટમાં ઘણા સ્વયંસેવકોનો સહકાર અને મદદ મળી રહ્યા હતા. હવે બાળકો અને યુવાનોને પોતાની પ્રવૃત્તિઓ માટે અલગ ક્લાસરુમ્સ મળી રહેશે. આ માત્ર વૃદ્ધો માટે પવિત્ર આશ્રયસ્થાન નથી, પરંતુ બાળકો અને યુવાનો પણ સાથે મળીને પ્રવૃત્તિઓ કરતા રહે છે. તેઓ વર્ગમાં ભાગ લેશે, સાંસ્કૃતિક ક્લાસિક્સ, સંગીત, નૃત્ય અને હિન્દુ મૂલ્યો પણ શીખી શકે છે. આ પ્રોજેક્ટ ઘરના રિનોવેશનથી પણ વિશેષ હતો. માત્ર 10 સપ્તાહમાં મંદિરની સજાવટ બદલી નાખવી ખરેખર અદ્ભૂત કામગીરી રહી.’