લંડનઃ લાયન્સ ક્લબ ઓફ લંડન-ફિન્ચલી દ્વારા શુક્રવાર 17 ઓક્ટોબર 2025ના દિવસે એવરેસ્ટ ઓબેરકોર્ન ખાતે દિવાળીની વિશિષ્ટ ઊજવણી કરવામાં આવી હતી જેમાં 80થી વધુ મહેમાન હાજર રહ્યા હતા. ઉપસ્થિત વિશિષ્ટ મહાનુભાવોમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સીબી પટેલ, પૂર્વ ઝોન ચેરમેન અને પૂર્વ પ્રેસિડેન્ટ પ્રફુલભાઈ પટ્ટણી અને પૂર્વ પ્રેસિડેન્ટ જયભાઈ ગોએલ સહિતનો સમાવેશ થયો હતો. ઈવેન્ટમાં ભારતની ‘બોમ્બે ગેંગ’ દ્વારા જીવંત પરફોર્મન્સ અને રેસ્ટોરાં દ્વારા સ્વાદિષ્ટ ડિનર પીરસાયું હતું .
ફિન્ચલી લાયન્સ ક્લબની સ્થાપના 45થી વધુ વર્ષ પહેલા થઈ હતી. ક્લબ લાંબા સમયથી ગુજરાત અને પંજાબમાં આઈ કેમ્પ્સ, જલારામ મંદિર મારફત અન્નદાન, બાળ કેન્સર ચેરિટીઓ માટે ફંડરેઈઝિંગ જેવાં ઈનિશિયેટિવ્ઝ થકી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીઝની સેવા કરે છે. તેના આગામી મુખ્ય પ્રોજેક્ટ્સમાં સભ્યોના ઉદાર યોગદાનના સપોર્ટથી ઘરવિહોણા લોકોને રાંધેલો ખોરાક પૂરો પાડવાનો સમાવેશ થાય છે.
ક્લબના પ્રેસિડેન્ટ વિરેશભાઈ પોલે જણાવ્યું હતું કે,‘ લંડન-ફિન્ચલી લાયન્સ ક્લબ દૃષ્ટિની જાળવણી, ડાયાબિટીસની જાગૃતિ, પર્યાવરણની કાળજી, ભૂખરાહત અને બાળકોના કેન્સર જેવા ઉદ્દેશો માટે પ્રતિબદ્ધ 1.5 મિલિયન સભ્યોના ગ્લોબલ નેટવર્કનો હિસ્સો છે. અમારા 20 નિષ્ઠાવાન સભ્યો સાથે અમે કોમ્યુનિટીની સેવામાં સમર્પિત છીએ અને અમારા મિશનમાં સા થસહકાર આપવા ઈચ્છતા કોઈને પણ આવકારીએ છીએ.’


