વડતાલ ધામમાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

Friday 07th August 2026 06:35 EDT
 
 

વડતાલ ધામ: સ્વામિનારાયણ સંપ્રદાયના ધામ વડતાલ નગરીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. શણગાર આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પ્રથમ હરિકૃષ્ણ મહારાજના પૂજન બાદ પાદુકા પૂજન કર્યું હતું. આચાર્ય મહારાજનું સૌપ્રથમ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, ટ્રસ્ટી મંડળના સભ્યોએ મહારાજનું પૂજન કર્યું હતું.
આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આજે સવારે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યા બાદ તેમના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે વડતાલની ભૂમિમાં પૂર્ણિમાના દિવસે જે ભક્તજનો પધાર્યા છે તેમની ઉપર શ્રી હરિકૃષ્ણ મહારાજ ખૂબ જ રાજી થાય અને તેઓનું મંગળ કરે.
આ પ્રસંગે બાપુ સ્વામી નિત્યસ્વરૂપ સ્વામી - સરધાર, સંસ્કાર ભૂષણ સ્વામી વિવેક સાગરસ્વામી - સાળંગપુર, ધોલેરા મંદિરના કોઠારી, જૂનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન સહિત મેમનગર ગુરુકુળના બાલકૃષ્ણદાસજી સ્વામી, સંપ્રદાયના ધામોધામથી પધારેલ સંતો દ્વારા મહારાજનું પુષ્પહારથી પૂજન કરાયું હતું. સંતોના પૂજન બાદ સંપ્રદાય હરિભક્તો દ્વારા પોતાના ગુરુ એવા આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજનું પૂજન કરાયું હતું.
3 હજાર ફૂડ પેકેટોનું વિતરણ
ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પ્રજાજનોની હાલાકીને ધ્યાને લઇ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા બુંદી ગાંઠીયાના 3000 પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડાયા હતા. વડતાલ મંદિરના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામીનારાયણના સર્વ જીવ હિતાવહના સિદ્ધાંત મુજબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને જમવાની સુવિધા મળી રહે છે. અતિવૃષ્ટિના કારણે શાળા કોલેજના વિદ્યાર્થીઓની જાહેર રજા હોવાથી વડતાલ સંસ્થામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફૂડ પેકેટની સેવામાં જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter