વડતાલ સ્વામિનારાયણ મંદિરે સાત પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

Sunday 28th April 2024 07:20 EDT
 
 

નડિયાદ: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને વડતાલ ગાદીપતિ આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના આસને સાત પાર્ષદો પૈકી બે પાર્ષદોને બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. પૂ. આચાર્ય મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજદિન સુધી કુલ 899 પાર્ષદોને ભાગવતી દીક્ષા અપાઇ છે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે સંતોને ભાગવતી દીક્ષા આપવાનો અધિકાર માત્રને માત્ર બે દેશના ગાદી આરૂઢ આચાર્ય મહારાજને આપેલ છે. આચાર્ય મહારાજ સિવાય કોઈ પણ વ્યક્તિ સ્વામિનારાયણના સાધુને દીક્ષા આપવાનો અધિકાર નથી. ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને સવારે શણગાર આરતી બાદ ગોપાળાનંદસ્વામીના આસને દીક્ષાર્થી પાર્ષદના હસ્તે પૂજાવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે આચાર્ય મહારાજ, મંદિરના કોઠારી સહિત સૌ અગ્રણી સંતો સ.ગુ. ગોપાળાનંદ સ્વામીના આસને પધાર્યા હતા.
જ્યાં આચાર્ય મહારાજે સૌ દીક્ષાર્થી પાર્ષદોને કંઠી, યજ્ઞોપવિત પહેરાવી કાનમાં ગુરૂમંત્ર આપ્યો હતો. ત્યાં મહારાજે બે બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને સંત તરીકેની ભાગવતી દીક્ષા આપી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજગાદી આરૂઢ થયા ત્યારથી આજદિન સુધીમાં 896 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી ચુક્યા છે. આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી સંત સ્વામી, શ્યામવલ્લમ સ્વામી સહિત સૌ સંતો સભામંડપમાં પધાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter