વડતાલધામમાં 200 વર્ષ પૂર્વેનો પરંપરાગત શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

Wednesday 08th October 2025 04:21 EDT
 
 

વડતાલ ધામઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો. જે પરંપરા મુજબ આસો સુદ પુનમને સોમવારે રાત્રે ગુણાતીત ઓરકેસ્ટ્રાના સથવારે અંદાજીત ત્રણેક હજાર સ્ત્રી-પુરુષ હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે સંતોએ પણ રાસગરબાની રમઝટ બોલાવી હતી.

વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આસો માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા કે વાલ્મીકી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ કૌમુદીની પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાએ ખીલે છે. ચંદ્રની ચાંદનીમાંથી અમૃત વરસે છે. ચંદ્રના કિરણો પૃથ્વી પર રેલાય છે ત્યારે શીતળતાનો અનુભવ થાય છે. શ્રીકૃષ્ણ ભગવાને આ દિવસે રાધાજી અને ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો. શરદપૂર્ણિમાની ઉજવણી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ધામધૂમથી ઉજવાઇ હતી.
રાત્રીના સમયે મંદિર પરિસરમાં આવેલ હરિમંડપ પાછળ કાષ્ટની 100 ફુટ ઊંચી માંડવડી મુકવામાં આવી હતી. મંદિરના દેરામાંથી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ શ્રીહરિની મૂર્તિ સોનાની પાલખીમાં પધરાવી હતી. જે પાલખીયાત્રા સંતો-હરિભક્તો નાસિક બેન્ડ સાથે વાજતેગાજતે મંદિરની પ્રદક્ષિણા કરી માંડવડી ખાતે પહોંચી હતી. જ્યાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી તથા સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌત્તમપ્રકાશદાસજી સહિત ધર્મવલ્લભસ્વામી (સુરત ગુરુકુળ) તથા વડતાલ, સરધાર, વિદ્યાનગર મુખ્ય મંદિર, ઉમરેઠ, વીરસદ, કુંડળધામ વિગેરે ધામના સંતો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન આરતી બાદ નીલકંઠચરણ સ્વામીએ શરદોત્સવની કથાનું ઉપસ્થિત હરિભક્તોને સુમધુર શૈલીમાં રસપાન કરાવ્યું હતું. ત્યારબાદ ગુણાતીત ઓરકેસ્ટ્રા દ્વારા રાસની રમઝટ બોલાવાઇ હતી. સંતોએ પણ પુરુષ ભક્તો સાથે રાસની રમઝટ બોલાવી હતી. માંડવડીમાં પધરાવેલ શ્રીહરિની પાંચ આરતી ઉતારવામાં આવી હતી. શરદોત્સવની ઉજવણીમાં વડતાલ સહિત વલેટવા, સંજાયા, નરસંડા, જોળ, બામરોલી, સહિત આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. આરતી બાદ સહુ સંતો ભક્તોએ દુધ-પૌંઆનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.
દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકા દેવોને અર્પણ કરતા આચાર્ય મહારાજ
બીજા દિવસે મંગળવારે સવારે શણગાર આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદસ્થાપન આમંત્રણ પત્રિકાનું પૂજન તથા લેખન કરવામાં આવ્યું હતું. આમંત્રણ પત્રિકા લેખન બાદ આચાર્ય મહારાજશ્રીએ દેવોને તથા નંદસંતોના આસને આમંત્રણ પત્રિકા પાઠવી હતી. ત્યારબાદ વડતાલના સંતોએ આચાર્ય મહારાજશ્રીને આમંત્રણ પત્રિકા અર્પણ કરી હતી. અને મહારાજશ્રીએ સહુ યજમાનોને અને સંતોને પત્રિકા અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.
આચાર્ય મહારાજ સહિત 200થી વધુ
સંતો-પાર્ષદો દ્વારા સમૂહ પ્રદક્ષિણા
શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અને ઉપાસનાના મુખ્ય કેન્દ્ર સમાન વડતાલધામમાં બીજી ઓકટોબરે વિજયાદશમીના શુભ પર્વે વડતાલ મંદિર પરિસરમાં દેવના મંદિર સમીપ આચાર્ય શ્રી રાકેશપ્રસાદ મહારાજ સાથે ગઢડા-જૂનાગઢ વડતાલ ટ્રસ્ટીન બોર્ડના ચેરમેન, કોઠારીશ્રીઓ તથા ટ્રસ્ટી બોર્ડના સભ્યો, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી, જેતપુર મહંત નીલકંઠચરણસ્વામી, જ્ઞાનજીવનસ્વામી કુંડળધામ, ભાનુસ્વામી (પોરબંદર) ઉપરાંત વડતાલ તાબાના મંદિરોના કોઠારીશ્રીઓ, વિષ્ણુસ્વામી (અથાણાવાળા), પૂ. લાલજીભગત (જ્ઞાનબાગ) સહિતના પાર્ષદો-બ્રહ્મચારીઓ વગેરેએ સમૂહ પ્રદક્ષિણાનો લાભ લીધો હતો.
ગોમતીકિનારે 200 ફૂટ ઊંચા વિજયસ્થંભનું પૂજન
ગોમતી કિનારે ગુરુવારે વિજયાદશમીના શુભ પર્વે આગામી શિક્ષાપત્રી એવમ્ આચાર્યપદ સ્થાપન દ્વિશાતાબ્દી મહોત્સવ અંતર્ગત આચાર્ય મહારાજ તથા સંતો-મહંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં 200 ફૂટ ઊંચા વિજયસ્થંભનું પૂજન સંતો તથા મહોત્સવના યજમાન પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નીલકંઠચરણસ્વામી, જ્ઞાનજીવનસ્વામી, પૂ. નૌતમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી તથા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પ્રાસંગિક ઉદબોધન કરી આર્શીવચન પાઠવ્યા હતા. વડતાલધામમાં ઉજવાઈ રહેલા શિક્ષાપત્રી એવમ્ આચાર્યપદ સ્થાપન દ્વિશાતાબ્દી મહોત્સવનું ઊચું પ્રતિક બની રહેશે. 200 ફૂટ ઊચા વિજયસ્થંભ પર 70x100 ફૂટની ધ્વજા ફરકી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter