વડા પ્રધાન રિશી સુનાકના આપ સહુને જય સ્વામિનારાયણ...

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં યુકે-યુરોપ દિનની ઉજવણી

Wednesday 11th January 2023 05:07 EST
 
 

અમદાવાદઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત રવિવારે BAPS યુકે-યુરોપ દિનની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે વિશ્વવિખ્યાત લંડનના નિસ્ડન મંદિરની સાથે યુકે-યુરોપમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા BAPSના મંદિરોને મહાનુભાવોએ આદરાંજલિ આપવામાં આવી હતી. બ્રિટનના વડા પ્રધાન રિશી સુનાકે વીડિયો શુભેચ્છા સંદેશમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સર્વે મહાનુભાવોને જય સ્વામિનારાયણ પાઠવ્યા હતા. આ ઉપરાંત કિંગ ચાર્લ્સ-તૃતીય દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવે પાઠવવામાં આવેલા શુભેચ્છા સંદેશાનું બ્રિટનના હાઇકમિશનરે પઠન કર્યું હતું.
ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાના પ્રારંભ બાદ અનેકવિધ સંવાદો, વીડિયો, નૃત્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના યુકે-યુરોપ ખાતેના વિચરણ, મંદિર નિર્માણ, હરિભક્તો અને સ્વયંસેવકોના સેવા-સમર્પણ-જીવન પરિવર્તનની ગાથા વિષયક રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. લંડન મંદિરમાં આર્કિટેક્ટ તરીકે સેવા આપનારા નાઈજલ લેનનો વીડિયો શુભેચ્છા સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક, મહાન વ્યક્તિત્વ વિશે પોતાની ભાવોર્મિ વ્યક્ત કરી હતી.
સુંદરતાની સાથે સેવાકાર્યોમાં આગવું સ્થાન ધરાવે છે નિસ્ડન મંદિરઃ સુનાક
બ્રિટનના વડા પ્રધાન રિશી સુનાકે વીડિયો શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યું, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સર્વે મહાનુભાવોને જય સ્વામિનારાયણ. આ શુભ પ્રસંગે મારી શુભેચ્છાઓ પાઠવતા હું ગર્વની લાગણી અનુભવું છું. પ્રમુખસ્વામી મહારાજ ‘બીજાના ભલામાં આપણું ભલું છે’ એ સંદેશ સાથે જીવ્યા. યુકેમાં વિખ્યાત ભવ્ય નિસ્ડન (લંડન) મંદિરના સર્જનમાં તેઓ પ્રેરણામૂર્તિ હતા; એવું મંદિર જે તેની સુંદરતાની સાથે સ્થાનિક સ્તરે સેવાકાર્યો માટે સૌ માટે નિરાળું સ્થાન ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજે સીંચેલી સેવાની ભાવના યુકેના તમામ BAPS મંદિરોમાં જોવા મળી રહી છે. કોવિડના સમયમાં મંદિર માત્ર હિન્દુઓ માટે જ નહીં, પરંતુ હજારો લોકો માટે, સમગ્ર સ્થાનિક સમુદાય માટે આગળ આવ્યું અને સેવાઓ પૂરી પાડી. વેમ્બલી સ્ટેડિયમ હોય કે માર્ગ હોય, અનેકવિધ સ્થાનોમાં પ્રમુખસ્વામી મહારાજને વિશિષ્ટ અંજલિ અપાઈ છે. આજે આપ સૌ જ્યારે પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી ઉજવવા એકત્ર થયા છો ત્યારે હું આપ સૌને આદરાંજલિ પાઠવું છું અને તેમના અદભૂત સંસ્કારવારસાને નમન કરું છું. આ મહોત્સવની સફળતા માટે આપને ખૂબ શુભેચ્છાઓ.
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ડો. વિજયકુમાર કૃષ્ણરાવ ગાવિત, નિવૃત્ત એર માર્શલ પી.કે. મહેરા, ઈન્ડિયા ઈન્ક. ગ્રૂપના ચેરમેન મનોજ લાડવા, લોકમત મીડિયા ગ્રૂપના ચેરમેન વિજય દરડા, જબલપુરના સાંસદ રાકેશ સિંહ, નમન ગ્રૂપના ચેરમેન જયેશ શાહ, જૈન ગ્રૂપના એમડી અશોક જૈન, KRBL લિમિટેડના ચેરમેન અનિલ કુમાર મિત્તલ, પ્રખ્યાત વાંસળીવાદક રાકેશ ચૌરસિયા, બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર (ગુજરાત અને રાજસ્થાન) પીટર કૂક અને હિન્દુજા પરિવારના ગોપીચંદ હિન્દુજા અને અશોક હિન્દુજા ઉપસ્થિત રહ્યા હતા.
 પ્રમુખસ્વામી સમગ્ર માનવજાતના ગુરુ
આ પ્રસંગે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે હું આજે ખૂબ જ ગૌરવ અનુભવુ છું. કારણ કે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું. તેઓએ દુનિયાને સંતત્વ અને સાદગી શીખવાડી છે. તેઓ સાચા અર્થમાં સમગ્ર માનવજાતના ગુરુ હતા. ભુજ ભૂકંપ વખતે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાએ કરેલા રાહતકાર્યો અને યુક્રેન યુદ્વ વખતે મહંત સ્વામી મહારાજ અને બીએસપીએસ સંસ્થાના સ્વયંસેવકોએ કરેલા રાહતકાર્યો અભૂતપૂર્વ છે. તેના માટે હું આપનો આભારી છું કારણ કે હું એ રાહતકાર્યોનો સાક્ષી રહ્યો છું. આજે આ બીએપીએસ સંસ્થા સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્યો અને આદર્શોને જીવંત રાખવા પ્રયત્નશીલ છે.
 હરિભક્તો દુનિયા માટે સેતુસમાન
ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલિસે કહ્યું હતું કે હું અહીં હાજર હજારો સ્વયંસેવકોએ વંદન કરું છું કારણ કે તેમના કારણે આ ભવ્ય અને દિવ્ય નગરની રચના શક્ય બની છે. આ બીએપીએસ સંસ્થાએ ભુજનો ભુકંપ હોય, કોરોના મહામારી હોય કે યુક્રેન ક્રાઇસીસ હોય, દરેક સમયમાં હંમેશા સમાજ સેવાના ઉત્તમ કાર્યો કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલા ભક્તો એ એક સેતુ સમાન છે, જે આધ્યાત્મિકતા, સહિષ્ણુતા અને શાંતિના પાઠ વિશ્વરભરના લોકોને શીખવે છે. બીજાના ભલામાં આપણું ભલું એ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપ્યો છે.
હિન્દુ ધર્મની સેવા માટે પ્રયત્નશીલ રહીશ
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા હેરો ઇસ્ટના સંસદ સભ્ય પદ્મશ્રી બોબ બ્લેકમેને કહ્યું હતું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે આવા અને વિશાળ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા મળ્યો. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતાં કે બીજાના ભલામાં આપનું ભલું, આપણે સૌ પણ આ સુત્ર જીવનમાં અપનાવીને વિશ્વમાં શાંતિ પ્રસારી શકીએ. પ્રમુખસ્વામી મહારાજે 1100 થી વધારે માનવ ઉત્કર્ષના મંદિરોનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવાનું કાર્ય કર્યું છે. હું આપ સૌને આશ્વસ્ત કરવા માગું છું કે યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને હિન્દુ ધર્મના વિકાસ-સેવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.
પ્રમુખસ્વામીની આંખો સારપ જ જોતી હતી
બ્રેન્ટ નોર્થના સંસદ સભ્ય પદ્મશ્રી બેરી ગાર્ડિનરે કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ માટે નાનામાં નાનો હરિભક્ત અગત્યનો હતો કારણ કે તેઓ દરેક હરિભક્તોમાં ભગવાનના દર્શન કરતાં હતા. પ્રમુખસ્વામી મહારાજની આંખો ખૂબ જ દિવ્ય અને અદભૂત હતી કારણ કે તેમની આંખો માણસમાં રહેલી અચ્છાઇને જ જોતી હતી અને જે સારું છે એ મારું છે એ સૂત્ર સાથે હંમેશા તેમની આંખોમાંથી કરુણા અને પ્રેમ જ વહ્યો છે.
પ્રમુખસ્વામી એટલે જીવંત ઉપનિષદ
શ્રીમદ રાજચંદ્ર મિશનના સ્થાપક અને આધ્યાત્મિક વડા ગુરુદેવશ્રી રાકેશભાઇએ કહ્યું હતું કે હું પ્રમખસ્વામી મહારાજ પાસે આવ્યો, તેમને જોયા અને તેમણે મારું હૃદય જીતી લીધું. પ્રમુખસ્વામી મહારાજ એટલે અનેક ગુણોનું સરનામું. પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યે અનેકગણો દાસભાવ હતો. તેમની આંખોમાંથી સેવા તેમજ કરુણાનો પ્રવાહ હંમેશા વહ્યા કરતો હતો. પ્રમુખસ્વામી મહારાજની ચારિત્ર્યશક્તિ અનોખી હતી. તેમના અંતરમાં અહંકાર નહોતો અને મનમાં ધિક્કાર નહોતો. આંખોમાં વિકાર નહીં અને વલણમાં નકાર નહીં, એવા વિરલ સંત પ્રમુખસ્વામી મહારાજ હતા. પ્રમુખસ્વામી મહારાજ માન-અપમાનના પ્રસંગમાં નિસ્પૃહ અને નિર્ભય અને સ્થિતપ્રજ્ઞ રહેતા હતા. મારા માટે પ્રમુખસ્વામી મહારાજ એટલે હરતુંફરતું જીવંત ઉપનિષદ. અત્યાર સુધી એમ હતું કે ‘Sky is the limit’ પરંતુ હવે ‘Pramukh Swami Maharaj is the limit’ કહેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter