વન જૈન કોન્ફરન્સ: અદ્ભૂત માનવસેવા એવોર્ડ માટે ઓશવાળ એસિસિએશન ઓફ ધ યુ,કે. ની પસંદગી

-જ્યોત્સના શાહ Wednesday 08th July 2020 06:47 EDT
 
 

શનિવાર, ૨૭ જુન ૨૦૨૦ના રોજ હાલના પેન્ડેમીકના કારણે ઝુમ વીડીયો કોન્ફરન્સનું આયોજન ૩૦ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી ચેરિટી IOJઅને વન જૈનના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સંલગ્ન ૨૭ સંસ્થાઓના સભ્યો તથા મુખ્ય વક્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ ઓફ જૈનના ચેર APPG, ગેરેથ થોમસ, હેરો વેસ્ટના એમ.પી. અને ઇન્ટરનેશનલ ટ્રેડના છાયા પ્રધાને સૌનું સ્વાગત કરતા પેન્ડેમીકના કટોકટીભર્યા સંજોગોમાં જૈન સમાજે આપેલ અનુદાનની અનુમોદના કરી હતી. આ કોન્ફરન્સમાં જૈન સંસ્થાઓના અગ્રણીઓએ પોતાના અનુભવોની આપ-લે કરતાં જણાવ્યું હતું કે, આ મહામારીના સમયગાળામાં સતત નવું શીખવા મળ્યું. જે લોકોએ કોરોના મહામારીમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા એમના માટે ખેદ વ્યક્ત કરી સહાનુભૂતિ અર્પી હતી.

એમ.પી.બોબ બ્લેકમેન, વાઇસ ચેર ઓફ જૈન APPG અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી ઓફ ૧૯૨૨ કમિટી, જેમને આ વર્ષના આરંભે ભારતના રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રીના એવોર્ડથી નવાજાયા હતા તેમને જૈન સમાજે અભિનંદન આપ્યા. તેમણે જૈન સમાજના સેવાભાવી કાર્ય માટે તેમજ કમજોર અને નિ:સહાયોની વ્હારે જઇ મદદ કરી એની સરાહના કરી હતી. આ લોકડાઉનના આયોજનમાં નવરાત્રી, દિવાળી જેવા મહત્વપૂર્ણ તહેવારો પ્રથમવાર ઓન લાઇન ઉજવવા પડશે એમ જણાવ્યું હતું.

ત્યારબાદ લંડન એસેમ્બલીના નવા નિયુક્ત ચેર શ્રી નવીન શાહે એમના સંબોધનમાં કોરોના મહામારીમાં જૈન સમાજે ઉઠાવેલ જહેમતને આવકારતા BAME કોમ્યુનિટી પર વાયરસની અસરનો ય સમાવેશ કર્યો.

મિનીસ્ટ્રી ઓફ ફેઇથ અને ફુલહામની સ્થાનિક મિનિસ્ટ્રીમાં કોમ્યુનિટીસ અગ્રણી માનનીય બેરોન સ્ટીફન ગ્રીનહાફે BAME કોમ્યુનિટીમાં વાયરસના વધુ પ્રમાણને કાબુમાં લેવા ઘટતા પગલાં લેવાની હિમાયત કરી હતી.

રાષ્ટ્રીય વસ્તી ગણતરી ઓફિસના વડા નીલ ટાઉનસેન્ડે જણાવ્યું કે, ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં પોતાની ઓળખ ઇચ્છતા પ્રત્યેક જૈનોને ખબર હોવી જોઇએ કે તેમણે ફોર્મમાં એનો ઉલ્લેખ કઇ રીતે કરવો? વસ્તી ગણતરીના આંકડા સેન્ટ્રલ અને લોકલ ગવર્નમેન્ટ દ્વારા પોલીસી બનાવવામાં અને ફંડીંગની ફાળવણીમાં નિયમિતરૂપે એને આધાર લેવાય છે.

ગયા વર્ષે જૈન સમાજે ૫૦૦૦ સહીઓવાળું આવેદન પત્ર ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટમાં સાદર કર્યું હતું, જેમાં જૈન ટીક બોકસ રાખવાની માંગ કરાઇ હતી જેને બ્રેક્ઝિટ અને કોવીડને કારણે હજુ મંજૂરી અપાઇ નથી. એ અંગે મંજુરી મળે એ માટે સમાજમાં જાગૃતિ લાવવાની ઝૂંબેશ ચાલુ રાખવા ઉપસ્થિત જૈન સંસ્થાઓએ સંમતિ જાહેર કરી હતી.

ગયા વર્ષે "વન જૈન"નું બંધારણ ઘડી સ્થાપના કરાઇ હતી. કોવીડ-૧૯ની કટોકટી દરમિયાન જૈન સમાજે નવી ટેકનોલોજીના સહારે ઝૂમ પર મેડીટેશન, યોગ, સત્સંગ, સંગીત, વ્યવસાયોને લગતી માહિતી વગેરેના આયોજનો ઉપરાંત વડિલો, નિ:સહાયોને ભોજન, શોપીંગ સેવા પૂરી પાડવા સાથે NHSના ફ્રન્ટલાઇન સ્ટાફ માટે દાન એકત્ર કરી PPEના સાધનો ખરીદી આપવા તથા ગરમા ગરમ ભોજનની વ્યવસ્થા કરવા જેવા અનેકવિધ માનવતાલક્ષી કાર્યો કરી સમગ્ર સમાજને ઉપકૃત કરવા બદલ સૌને ધન્યવાદ આપતા IOJ ના ચેર શ્રી નેમુભાઇ ચંદરિયા OBEએ જણાવ્યું કે, નવા વન જૈન કોમ્યુનિટી એવોર્ડ માટે ૧૩ નામોમાંથી સ્વતંત્ર જજોની પેનલે કોવીડ -૧૯માં અદ્ભૂત સેવા સાદર કરવા બદલ ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુ.કે. પર પસંદગી ઉતારી એ વિજયી હોવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter