ગાંધીનગરઃ કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અતિથિ તરીકેની વિશેષ ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા રવિવારે ‘આચાર્ય તુલસી સન્માન સમારોહ’ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે ઇન્ડિયા ટીવીના મુખ્ય સંપાદક અને પદ્મભૂષણ રજત શર્માને તેમના સ્વચ્છ, સંયમિત તેમજ સકારાત્મક પત્રકારત્વના યોગદાન માટે 16મા ‘આચાર્ય તુલસી સન્માન’થી સન્માનિત કરાયા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભગવાને રચેલા સૃષ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ક્યારેય સુખી નથી થઈ શકતી. કાર્ય અને કારણ વચ્ચે અવિભાજ્ય સંબંધ હોય છે, કારણ વગર કોઈ કાર્ય થતું નથી.
વરિષ્ઠ પત્રકાર રજત શર્માએ સન્માન પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આચાર્યશ્રી મહાશ્રમણજીએ માનવતાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે સમાજ માટે 60 હજાર કિલોમીટરથી વધુ પગપાળા યાત્રા કરી છે. તેમનું વ્યક્તિત્વ વિરલ છે.
રજત શર્માએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ભારતના પ્રાકૃતિક ખેતીના કૃષિ ઋષિ ગણાવ્યા હતા. કોઈપણ સન્માન વધુ જવાબદારીનો અહેસાસ કરાવે છે તેમ જણાવીને તેમણે ઉમેર્યું કે, સન્માન બાદ કર્તવ્ય બોધ પણ થાય છે કે કર્તવ્ય પંથે મારા પગ કોઈ દિવસ ડગમગશે તો આ સન્માન મને કોઈ પણ ખરાબ કામ કરતા અટકાવશે.


