વિજયાદશમી અને ગાંધીજયંતી નિમિત્તે ભવન યુકેમાં સામ ડેલરીમ્પલના પુસ્તકનું લોકાર્પણ

Wednesday 08th October 2025 07:03 EDT
 
 

લંડનઃ ગાંધીજયંતી અને વિજયાદશમી પ્રસંગે ભવન યુકે દ્વારા 2 ઓક્ટોબરે સામ ડેલરીમ્પલના પુસ્તક ‘શેટર્ડ લેન્ડ્સઃ ધ ફાઈવ પાર્ટિશન્સ એન્ડ ધ મોકિંગ ઓફ મોડર્ન સાઉથ એશિયા’ની લોકાર્પણવિધિની યજમાની કરવામાં આવી હતી.

ભવનના ચેરમેન સુભાનુ સક્સેનાએ પુસ્તકના વિષયવસ્તુ-હાર્દનો પડઘો પાડતાં પદ્યચરણો અને કવિતાઓ પ્રસ્તુત કરવા સાથે કાર્યક્રમની સાંજનો આરંભ કરાયો હતો અને પુસ્તકના લેખકનો પરિચય આપ્યો હતો. સામ ડેલરીમ્પલ દિલ્હીમાં ઉછરેલા સ્કોટિશ ઈતિહાસવિદ, એવોર્ડવિજેતા ફિલ્મનિર્માતા તેમજ પર્શિયન અને સંસ્કૃતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે. તેઓ વિભાજનમાં બચી ગયેલા લોકોના મૌખિક ઈતિહાસ-વર્ણનોને રેકોર્ડ કરતા પ્રોજેક્ટ દાસ્તાનના સહસ્થાપક છે તેમજ તેમના વંશજોને પૈતૃક ઘરો સાથે પુનઃ સાંકળવા VR (વર્ચ્યુઅલ રિયાલિટી) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેમનું પ્રથમ પુસ્તક ‘શેટર્ડ લેન્ડ્સઃ ધ ફાઈવ પાર્ટિશન્સ એન્ડ ધ મોકિંગ ઓફ મોડર્ન સાઉથ એશિયા’ ભારતમાં #1 બેસ્ટસેલર થઈ રહ્યું છે.

સામ ડેલરીમ્પલે તેમના સંબોધનમાં એક સમયે રાતા સમુદ્રથી સાઉથઈસ્ટ એશિયા સુધી વિસ્તરેલા તથા એક જ પાસપોર્ટ અને કરન્સીથી જોડાયેલાં બ્રિટિશ ભારતીય સામ્રાજ્યની કથા કહી હતી. તેમણે સંસ્થાનવાદી નીતિઓ અને રાજકારણ કેવી રીતે પાંચ મુખ્ય વિભાજનો, 12 આધુનિક રાષ્ટ્રો-રાજ્યોની રચના તરફ દોરી ગયાં અને તેની પાછળ વિભાજન, દેશવટો અને સંઘર્ષોની વિરાસત છોડી ગયાં તેની સમજ આપી હતી.

આ વાર્તાલાપ પુસ્તકના વર્ણનોનો પડઘો પાડતા પાંચ હિસ્સા – બર્માનું વિભાજન,  અરોબિયાનું વિભાજન, બ્રિટિશ ભારતનું વિભાજન, ભારતીય રજવાડાંનું વિભાજન અને પાકિસ્તાનના વિભાજનમાં વહેંચાયો હતો. સામ ડેલરીમ્પલે ભારતીય ઉપખંડના પ્રથમ પાર્ટિશન, બર્માને અલગ પાડવાનું કાર્ય અને ભારતના ઈશાન રાજ્યોની કોમ્યુનિટીઓ પરની તેની અસરોને ઘણી વખત નજરઅંદાજ કરાઈ છે તેના પર પ્રકાશ પાથર્યો હતો. તેમણે મિડલ ઈસ્ટ અને સાઉદી અરેબિયા સાથે ઉપખંડના ઐતિહાસિક સંબંધો વિશે જણાવી પ્રારંભિક સ્થળાંતરો કેવી રીતે સામ્રાજ્યવાદી ઈતિહાસ સાથે તળિયાના સ્તરે સંકળાયેલા હતા, પરંતુ 1947માં બ્રિટિશ ભારતના વિભાજનના પરિણામે હાંસિયામાં પાછળ ધકેલાઈ ગયાં હતાં તેનું વર્ણન કર્યું હતું.

લેખક સાથે પ્રશ્નોત્તરીના સેશન, પુસ્તકો પર હસ્તાક્ષર, લેખકને મળવાની મહેમાનોને અપાયેલી તક અને અલ્પાહાર સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter