વિયેના, ઓસ્ટ્રિયા: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ, ભારતના સ્થાયી પ્રતિનિધિ મંડળના સહયોગથી, બુધવાર - 12 નવેમ્બરના રોજ વિયેનાસ્થિત યુનાઇટેડ નેશન્સ (યુએન) કાર્યાલયમાં દીપોત્સવની સાંસ્કૃતિક અને સ્મૃતિરૂપ ઉજવણીનું આયોજન કર્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં દિવાળીની સાથે બે ઐતિહાસિક સીમાચિહ્નોની પણ સ્મૃતિ અને ઉજવણી કરાઇ હતી.
જેમાં, બીએપીએસની યુએનની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC) સાથેની ભાગીદારીને 30 વર્ષ પૂર્ણ થયા, તેમજ બીએપીએસને યુનો દ્વારા એનાયત કરાયેલા ‘જનરલ કન્સલ્ટેટીવ સ્ટેટસ’ને પણ 25 વર્ષ પૂર્ણ થયા હતા. આ ઉપરાંત ઈ.સ. 2000માં ન્યૂ યોર્ક મહાનગરમાં યુનોના મુખ્ય મથક ખાતે મિલેનિયમ વિશ્વ શાંતિ પરિષદમાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતીમાં આપેલા ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રવચનને 25 વર્ષ પૂર્ણ થયા હતા; આ બન્ને બાબતોનો સમાવેશ થતો હતો.
પ્રકાશ, શાંતિ અને પરસ્પર સહયોગના મૂલ્યોની ઉજવણી કરવા માટે અફઘાનિસ્તાન, ઇજિપ્ત, ભારત, ઇન્ડોનેશિયા, કેન્યા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઈલેન્ડ અને યુએસએના કાયમી મિશનના રાજદ્વારીઓ અને મહાનુભાવો, યુએનના અધિકારીઓ તથા વિવિધ આંતરધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
બીએપીએસ દ્વારા વૈશ્વિક સ્તરે અનેકવિધ દેશોમાં થઈ રહેલાં સેવાકાર્યોમાં જોડાયેલા સ્વયંસેવકો વતી ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ, સ્વીડન અને બ્રિટન વગેરે દેશોમાંથી બીએપીએસના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
બીએપીએસના સંતો અને યુવાનોએ વૈશ્વિક શાંતિ અને કલ્યાણની ભાવના પ્રસારિત કરતાં પરંપરાગત વૈદિક મંત્રો સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે એક સંક્ષિપ્ત વીડિયો દ્વારા દિવાળીનો શાશ્વત સંદેશ – અસત્ય પર સત્યનો વિજય - રજૂ કરાયો હતો. ત્યારબાદ, મહેમાનો અને મહાનુભાવો દ્વારા આશા, સંવાદિતા અને નૂતન અભિગમ પ્રત્યેના સહિયારા સંકલ્પના પ્રતીક રૂપે દીપ-પ્રાગટ્ય વિધિમાં જોડાયા હતા.
કાર્યક્રમમાં એક વિશેષ સ્મૃતિરૂપ વિભાગમાં ઓગસ્ટ 2000ની ઐતિહાસિક ક્ષણને યાદ કરાઇ હતી, જ્યારે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે ન્યૂ યોર્કમાં યુનોના જનરલ એસેમ્બલી હોલમાં મિલેનિયમ વિશ્વ શાંતિ પરિષદમાં સંબોધન કર્યું હતું, જે યુએનમાં અપાયેલું પ્રથમ ગુજરાતી પ્રવચન હતું. પરસ્પર આદર અને વ્યક્તિગત જવાબદારી પર આધારિત શાંતિના તેમના આહવાનનો એક વિશિષ્ટ વીડિયો દ્વારા ફરી યાદ કરાવાયું હતું.
બીએપીએસ-યુકે અને યુરોપની આરોગ્ય સેવાઓના અગ્રણી સ્વયંસેવક ડો. માર્કન્ડ પટેલે છેલ્લાં ત્રણ દાયકાઓમાં યુએનના વિવિધ ઉદ્દેશોને આગળ વધારવામાં બીએપીએસના કાર્ય પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું: ‘જે-તે સ્થાનિક સમાજમાં મૂળિયાં ધરાવતા સ્વયંસેવકો દ્વારા સંચાલિત સેવાકાર્ય માટેની ભાગીદારીનું આ એક એવું ઉદાહરણ છે, જેને યુનો ‘લોકલાઇઝેશન ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ’ એટલે કે ‘મજબૂત વિકાસ માટેના લક્ષ્યોનું સ્થાનિકીકરણ’ કહે છે. જેમાં કરુણા અને સેવાભાવનાને સ્થાનિક સ્તરે નક્કર પરિવર્તન લાવવા કાર્યાન્વિત કરવાની વાત છે.’
આ પ્રસંગે ભારતના કાયમી પ્રતિનિધિ મંડળના કાઉન્સેલર વિક્રમ જીત દુગ્ગલે તેમના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું, ‘ચાલો આપણે બીએપીએસના ઉદાહરણથી પ્રેરિત થઈએ અને શાંતિ, સ્થિરતા અને સૌના ઉત્કર્ષ માટે કામ કરવાના આપણાં સહિયારા સંકલ્પની પુનઃ પુષ્ટિ કરીએ.’ તેમણે મહંત સ્વામી મહારાજની ‘શાંતિ-નિર્માણ અને સંવાદિતાના (પ્રમુખ સ્વામી મહારાજના) વારસાને આગળ ધપાવવા’ બદલ પ્રશંસા કરી હતી.
વિશિષ્ટ મહેમાનોમાં, યુનોની ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ અને લીગલ એડવાઇઝર પેરી લિન જ્હોન્સને શાંતિપૂર્ણ અને સુરક્ષિત સમાજોના નિર્માણ માટે નૈતિક સ્પષ્ટતા અને માનવીય જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
યુએનના ઇંડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (UNIDO)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ ડાયરેક્ટર જનરલના એશિયા માટેના વિશેષ પ્રતિનિધિ સહિત અનેક જવાબદારીઓ સંભાળતા અત્યંત પ્રતિષ્ઠિત અને માનવંતા યુએન અધિકારી યુકો યાસુનાગાએ ટકાઉ અને સર્વસમાવેશક પરિવર્તન લાવવામાં જાહેર સંસ્થાઓ અને સિવિલ સોસાયટી વચ્ચેની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
એક રેકોર્ડેડ સંદેશમાં, પેરિસના બુસી-સેન્ટ-જ્યોર્જેસના મેયર યાન ડુબોસ્કએ આગામી બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર - પેરિસ દ્વારા યુરોપમાં આંતરધાર્મિક અને બહુસાંસ્કૃતિક સમજને પ્રોત્સાહન આપવામાં બીએપીએસની વધતી ભૂમિકાને બિરદાવી હતી. બીએપીએસ હિન્દુ મંદિર-અબુધાબી અને બીએપીએસ આંતરરાષ્ટ્રીય સંબંધોના મુખ્ય કાર્યવાહક સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ‘સહકાર દ્વારા શાંતિ’ વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે સહિયારા મૂલ્યો, નિઃસ્વાર્થ સેવા અને ખુલ્લા હૃદય પર આધારિત સહયોગને પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે સમજાવ્યું, ‘જેમ સૂર્યપ્રકાશ સાથેની ભાગીદારી આપણને સૌર ઊર્જા આપે છે, અને પાણી સાથેની ભાગીદારી આપણને જળ ઊર્જા આપે છે, તેમ એકબીજા સાથેની ભાગીદારીથી વધુ માનવ ઊર્જાનો જન્મ થાય છે.... અંતે, જ્યારે આપણે માનવતા અને પ્રકૃતિની તમામ શક્તિઓ સાથે સહયોગ સ્થાપીએ છીએ, ત્યારે આપણે સાચી, કાયમી શાંતિ ઉત્પન્ન કરીએ છીએ.’
કાર્યક્રમનું સમાપન બીએપીએસના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના ટૂંકા વીડિયો સંદેશ સાથે થયું હતું, જેમાં તેમણે દરેકને ‘પ્રકાશની દીવાદાંડી બની આપણી આસપાસની દુનિયાને ઉજ્જવળ બનાવવાની’ પ્રેરણા આપીને આશીર્વાદ પાઠવતાં કહ્યું: ‘ભગવાન આપણને બધામાં દિવ્યતા જોવાનું અને અન્યની સેવા કરવામાં આનંદ શોધવાનું સદ્ભાગ્ય આપે, જેથી વધુ કરુણામય વિશ્વનો ઉદય થઈ શકે.’
બીએપીએસના એક્સટર્નલ રિલેશન્સ (યુકે-યુરોપ)ના વડા રેના અમીને પ્રતિનિધિઓનો આભાર માનીને કાર્યવાહીનું સમાપન કર્યું હતું અને ઉમેર્યું, ‘અમે, બીએપીએસના સ્વયંસેવકો તરીકે આપ સૌના સતત સદ્ભાવના, સમર્થન અને સહકારની આશા રાખીએ છીએ, જેથી અમે સૌની સાથે નિષ્ઠા, નમ્રતા અને પ્રામાણિકતા સાથે માનવતાની સેવા કરવામાં વૃદ્ધિ પામી શકીએ.’


